દ્વારકા પાસે ધોરી માર્ગ પર આરએસપીએલ કંપનીના સોડા-એશ પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ આજે ઈ-ઉદ્ઘાટન કર્યુ
વિજય સોનગરા દ્વારા
દ્વારકા : આર.એસ.પી.એલ. પ્લાન્ટનું મુખ્યમંત્રીએ આજે ઈ-ઉદ્ઘાટન કર્યુ હતું. વિકાસશીલ ગુજરાતના વિકાસમાં ઉદ્યોગ ક્ષેત્રે રાજય સરકારોની વધુ એક સિદ્ધિ સ્વરૃપે દ્વારકાથી ૩૦ કિ.મી. દૂર પોરબંદર-દ્વારકા નેશનલ હાઈવે માર્ગ પર આરએસપીએલ કાું.ના સોળસો હેકટરમાં પથરાયેલા કરોડોના ખર્ચે બનેલા વિશાળ કાય સોડા એશના પ્લાનનું આજે તા. ૧૯-જાન્યુઆરીના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. ઉદ્ઘાટન સમારંભમાં કંપનીના માલિક જ્ઞાનચંદનાણી સહિતના મહાનુભાવો જોડાયા હતાં.
દ્વારકા તાલુકાના કુરંગાના સમુદ્ર કિનારે સ્થાપવામાં આવેલ પંદરસો ટન ઉત્પાદનના સોડાએશ પ્લાનને “સૌડા” નામના બ્રાન્ડથી કંપની દ્વારા ઉત્પાદન શરૃ કર્યુ છે. અતિ આધુનિક અને ટેકનોલોજી તથા પર્યાવરણ સહિતના અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને શરૃ કરેલા આ પ્લાન્ટ માટે કંપની દ્વારકા આસપાસના ખેડૂતોને પણ પુરતા પ્રમાણમાં વળતર આપ્યું છે અને હાલમાં ૧પ૦૦ ટનનું પૂરેપૂરૃં સોડાએશનું ઉત્પાદન કંપની દ્વારા થઈ રહ્યું છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને ઓખા પોર્ટ તથા આસપાસના અનેક પ્રકારના પુરક વેપાર-વ્યવસાયને ફાયદો થયો છે. રોજગારી વધી છે.
એક હજાર છસ્સો જેટલા લોકોને કંપનીના આ નવા સાહસથી ખાસ કરીને સ્થાનિક સહિતનાને રોજીરોટી મળવાની શરૃ થઈ છે. અમદાવાદમાં આરએસપીએલએ તેમની પ્રોજેક્ટ ઓફિસ કાર્યરત કરી છે. જ્યારે કાનપુર અને મુખ્ય ઓફિસ ગુરગાંવમાં કાર્યરત છે. આ કં૫ની શરૃ થતાં જ તેમના દ્વારા સીએસઆર ફંડથી આ વિસ્તારમાં સામાજિક કાર્યો તથા ટ્રેનીંગ સેન્ટરો, અન્ય કુદરતી આપતિ સામેની જરૃરિયાતના કાર્યોમાં પૂરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે.
દ્વારકા પાસેના પોરબંદર-દ્વારકા નેશનલ ધોરી માર્ગ ઉપર દેશને સમર્પિત આર.એસ.પી.એલ.ના સોડાએશ પ્લાન્ટના ઈ-ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના આયોજીત સમારંભમાં જામનગર-દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ તથા પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તથા કંપનીના વરિષ્ઠ અધિકારીગણ તથા જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા તથા જિલ્લા વહીવટી વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
