કલમના કસબી ગ્રુપ – સ્પર્ધા નંબર: ૧૬

વિષય : ચિત્ર અમારું શીર્ષક તમારું
શીર્ષક : બેડી


રૂપલને નાનપણથી ઝાંઝરનાં રણકારનું અદમ્ય આકર્ષણ, એની પાસે ઝાંઝરાની વિવિધ ભાતની અનેક જોડીઓ. એ પહેરીને ઘરમાં રૂમઝૂમ રણકાર કરતી ફર્યા કરે. સાથે એની પગમાં મહેંદી મૂકવી પણ ખૂબ ગમે. એનાં મુલાયમ પગમાં મહેંદી અને ઝાંઝરનો સંગમ એને રાજકુમારી જેવી લાગણીનો અનુભવ કરાવે. ઉંમરલાયક થતાં તેની સગાઈ થઈ, એના સાસરે વહુને ગૃહપ્રવેશે પોંખતા સમયે ઝાંઝર આપવાનો રિવાજ, જે એણે કાયમ પહેરવાનાં. આ સાંભળી રૂપલ ખૂબ ખુશ થઈ. લગ્ન કરી સાસરે ગઈ ત્યારે સાસુએ આપેલાં ઝાંઝર મહેંદી રચેલાં પગમાં પહેરી, સાતમા આકાશે વિહરવા લાગી. થોડાં સમયમાં એણે અનુભવ્યું કે, એની બે જેઠાણીઓને ઝાંઝર પહેરવા બિલકુલ ન ગમતાં, તેઓ જોડે વાત કરતાં જે જાણવા મળ્યું, તે સાંભળી તે દિગ્મૂઢ થઈ ગઈ. તેના સાસરામાં આ રિવાજ પાછળનું મૂળ કારણ એક જ હતું કે, જ્યારે માતા પિતા અને દીકરાંઓ કોઈ અગત્યની ચર્ચા કરતાં હોય ત્યારે કોઈ વહુ ત્યાંથી પસાર થાય તો ઝાંઝરનો રણકાર એના આગમનનો અણસાર આપે. એને વિચાર આવ્યો કે, સાસુ પોતે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થયાં હોવા છતાં આ જડ રિવાજને કેમ વળગી રહે છે? આજે એના ગમતાં ઝાંઝર એને બેડી સમાન લાગી રહ્યાં હતાં.

પ્રકૃતિ \”પ્રીત\”

વિષય – ચિત્ર અમારું , શીર્ષક તમારું
વિભાગ – લઘુકથા શીર્ષક -ફોટોગ્રાફી

કિરણ અમીર પરિવારમાં ઉછેરેલી ગુણયલ યુવતી હતી. તેના અંગત શોખ નૃત્યએ તેને નૃત્યકલામાં નિપુણ બનાવી હતી, નૃત્યકલામાં સુંદરતા ભળેતો તે નૃત્ય મનભાવન બની જાય છે. કિરણ જયારે સાજ- શણગાર સજીને નૃત્યમંચ પર નૃત્ય માટે આવતી ત્યારે તાળીઓનાં ગડગડાટ સાંભળતા તે રોમાંચિત થઇ ઉઠતી. તેના પગ તાલની થપાટ સાંભળતા જ થિરકી ઉઠતા . કિરણ નૃત્યની સાથે કલાપ્રેમી પણ હતી , જાણીતા પેન્ટરના પૅન્ટીગ્સ અને ફોટોગ્રાફ ખરીદવા તેનો પ્રિય શોખ હતો. આજે તે તેની સહેલીનાં લગ્ન નિમીત્તે ગોવા આવી હતી . બે દિવસની લગ્ન વિધીમાં મહેંદી રસમ પણ સામેલ હતી. હાથની સાથે- સાથે તેના પગ પણ મહેંદીથી રંગાઇ ગયાં હતાં . પગમાં પહેરવાનું શ્રીંગાર પાયલ અને વીંછિયાથી તેના મહેંદીવાળા પગ દીપી ઉઠયાં હતાં. સવારથી શરણાઇ સાથે લગ્નગીતો ગુંજી રહ્યા હતા, તે તેના મનમાં યુવાની સહજ ભાવ જગાડી જતાં હતાં. સાગર કિનારે આવેલા રિસોર્ટનાં ડેસ્ટ ચેર પર આરામ કરી રહી હતી . પણ તેનાં મનમાં પ્રેમમયી લાગણીઓની ગડમથલ ચાલતી હતી . લગ્ન કરવા માટે હૃદય એક ઘબકારો ચૂકી ગયું, દેહમાં ઝણઝણાટી થઇ ગઇ. દૂર દૂરથી સંગીતનાં મીઠા સૂર રેલાતાં હતાં. જેના મધુર ધ્વનીથી તેના પગ પરની પાયલ રણકવા લાગી ,હૃદય ભાવ સાથે તાલ મિલાવીને નૃત્યની બોલી બોલવા લાગ્યાં . કિરણના મુખ પર લજ્જાનાં ભાવ ઉમટી રહ્યાં. મદહોશ અવસ્થામાં તે ગીત ગણગણી રહી હતી \” આજકલ પાંવ જમીન પર નહીં પડતે \”…….મેરે ….. અચાનક તેજ સ્થળે ફોટોગ્રાફર સૂરજ લગ્નની ઘમાલમાંથી સમય કાઠીને સાગર કિનારે લટાર મારવા આવ્યો હતો.. પણ કિરણનાં મુખ પરના હાવભાવ નિહાળતા તેની સુંદરતામાં તે ખોવાઈ ગયો .તેની નજર નૃત્ય માટે તલસતા પાયલ પર પડી જે રણકવા માટે બેકરાર હતાં સૂરજનો હાથ અચાનક કેમેરામાં આ ખાસ પળને ક્લિક કરતો ગયો, જે કિરણનાં જાણ બાર હતું . સુરજનું દિલ કહી રહ્યું \” કેવી અનુપમ સ્ત્રી ;અને કેવી સ્વીટ . શહેરનાં ટાઉનહોલમાં આજે ન્યુકમર ફોટોગ્રાફરના ફોટોગ્રાફનું પ્રદર્શન હતું . કિરણ તે જોવા આવી હતી . પોતાના જ પગનો ફ્રોટોગાફ જોતા તે સ્તબ્ઘ થઇ ગઇ હતી. તાજમહેલ જોયાં પછી કોઈ વિદેશી પર્યટક આશ્રર્ય સહિત ખુલ્લા મોઠે જમીન સાથે ખોડાઈ જાય તેવી હાલત કિરણની થઈ હતી . સૂરજે તેની સાથે લાગણીથી વાત કરી, તો તે લજ્જાથી મુગ્ધાવસ્થામાં શરમની મારી પાણી પાણી થઇ ગઈ. સુરજના ઘેઘુર અષાઠી અવાજમાં તેનું મન ખોવાઈ ગયું પછીતો મળવાનો સિલસિલો ચાલુ થઇ ગયો . રોજ અનેકવાર ટેલિફોનિક વાતો ચાલતી રહી . \’ વોટ્સઅપ \’ પર એકબીજાના ફોટોગ્રાફ મોકલાતા રહ્યાં . મિત્રતા ધીરે ધીરે ક્યારે પરિણયમાં પ્રવેશી ગઇ , તે બંને યુવાન હૈયાને ખબરજ ન પડી .આજે દુલહન બની મહેંદી રંગાયેલા પગે સાજ- શણગાર સજી કિરણ- સૂરજ સાથે લગ્નના માંડવે બેઠી હતી. વર્ષો વિતતા ગયાં, કિરણનાં નૃત્ય કાર્યક્રમ અને સૂરજના ફોટૉગ્રાફ્સના પ્રદર્શન દેશ- વિદેશમાં યોજાતા રહ્યા . જીવન બાગમાં ખીલેલા બે ફૂલ કમલ અને સરોજ આજે વિદેશમાં શિક્ષા લઇ રહ્યાં હતાં . આજે કિરણ- સૂરજના લગ્નની પચીસમી વર્ષગાંઠ હતી,બંગલાના દીવાને – ખાસ જેવા ર્ડોઇગરૂમમાં સૂરજે પાડેલો કિરણનો ફોટો જે એવોર્ડ વિનર બન્યો હતો તે ફ્રેમમાં સજી દિવાલને શોભાવી રહ્યો હતો.
નિલમ દોશી મુંબઇ

વિષય : ચિત્ર અમારું સર્જન તમારું
શીર્ષક : ઝાંઝરની સુંદરતા

\”મમ્મી… મમ્મી… મને ઝાંઝર લઈ દેને… મારે ખનક ખનક કરતા કરતા ચાલવું છે… \”માર્કેટમાં મમ્મીની સાડીનો પાલવ પકડીને ચાલતી સ્વીટીએ દુકાનમાં ઉપર લટકાવેલા ઝાંઝર જોઈને મમ્મી સામે જીદ કરી. \”ના, બેટા. હું તને ઝાંઝર આજ તો શું, ક્યારેય નહીં લઈ દઉં.\” મીનાક્ષીએ સ્વીટીને પોતાનો મક્કમ નિર્ણય કહી દીધો. \”મમ્મી… એક વખત લઈ આપ ને… પ્લી…ઝ મમ્મી…\”મમ્મીનો નિર્ણય સાંભળ્યા પછી પણ સ્વીટીએ ફરી વખત જીદ કરી. \”અરે બેન… આ ઝાંઝરની કિંમત માત્ર પચાસ રૂપિયા જ છે. તમારી દીકરી સુંદર લાગશે. કહો તો પેક કરી આપું.\” દુકાનદારે સ્વીટીની જીદ જોઈને મીનાક્ષીને વિનમ્રતાથી કહ્યું. \” \”ના, ભાઈ. હું મારી દીકરીને સુંદર દેખાડવા નથી માંગતી.\” આટલું કહીને મીનાક્ષી ચુપચાપ સ્વીટીનો હાથ પકડીને ચાલતી થઈ ગઈ. ચાલતા ચાલતા જ પોતાના ભુતકાળમાં પોતે ઝાંઝર પહેરીને રાસ રમતી ત્યારે કેટલી સુંદર લાગતી હતી. એ જ ડાંડીયા રાસની રમઝટમાં એની સુંદરતા કોઈની આંખે અડી ગઈ. ત્યાં એ કહેવાતા પોતિકા સંબંધે જ એની જિંદગી વેરવિખેર કરી નાખી હતી, એ દ્રશ્ય નજર સમક્ષ જોઈ રહી….વિચારોના વમળોમાં અટવાયેલી મીનાક્ષી આજે ફરી એકવાર લથડીયા ખાતી, પડતી \’ને આખડતી સ્વીટીને એક હાથે ઉંચકીને ઘર તરફ આગળ વધી
તેજલ વઘાસીયા
ઉમરાળી, જૂનાગઢ

ચિત્ર અમારું શીર્ષક તમારું
પ્રકાર: લેખ
શીર્ષક: દીકરીના નવા અવતાર.


દીકરી એટલે \”લક્ષ્મીનો ક્યારો\” પોતાનું મોસાળુ,પિયર અને સાસરું ત્રણેય કુળને દીપકના પ્રકાશમાં રોશન કરનારી ટહુકતી કોયલ. કહેવાય છે કે મનુષ્યને એક જન્મ મળે છે, પણ સાહેબ દીકરીને તો એક જ જન્મમાં સમયના અંતરાલે નવા નવા અવતાર મળે છે. નાની કુમારીના જન્મથી માંડીને વૃદ્ધાવસ્થામાં દાદીમાનું બિરુદ મળ્યા સુધીના નવા જન્મ. દીકરીનો જન્મ થતાં જ પહેલાના સમયમાં તેને \”સાપનો ભારો\”સમજી દૂધ પીતી કરવામાં આવતી અને તેના પગમાં રૂમઝૂમ કરતી નાની પાયલને બદલે મૃત્યુની કડલી પહેરાવવામાં આવતી. અત્યારે તો દીકરી એટલે ઘરના આંગણે ગુંજન કરતી કોયલ. દીકરીના એક આંસુ માત્રથી આખું ઘર રડી ઊઠે છે.એ જ દીકરી પોતાના ભરથારના નામની પાયલ પહેરે છે ત્યારે આસુંને ભૂલીને સહન શક્તિની મૂર્તિ બની જાય છે. હાથની મહેંદી જ્યારે પગમાં રચાય છે ત્યારે તે \”પારકી થાપણ\” બની જાય છે. સોળે શણગાર સજી લે છે પણ ક્યાંક પોતાના જીવનને પગમાં પહેરેલી પેલી નખલીની જેમ પોતાના જીવનને પણ કોઈકની આંગળીઓમાં બાંધી દે છે.લાગે છે ભાર ઘણીવાર એ સોળ શણગારનો પણ તેમ છતાં પણ નદીના પાણીની જેમ હંમેશા વહેતી જ રહે છે કયારેક દુ:ખના વહેણમાં તો ક્યારેક સુખની ભરતીમાં. જે પાયલથી રણકે છે ઘર, એ જ પાયલની વિદાય થકી રડે છે ઘર.
મૈત્રી ઉપાધ્યાય
અમદાવાદ

કલમના કસબી સંચાલક: જીજ્ઞા કપુરિયા “નિયતી” એડમિન પેનલ