કલમના કસબી ગ્રુપ

શીર્ષક : શ્રધ્ધા

યા દેવી સર્વ ભૂતેષુ શ્રદ્ધા રુપેણ સંસ્થિતા…
-આવી શ્રધ્ધા સાથે જ જન્મી આપણે પથ્થર પર હા, પથ્થર પર દૂધ ચઢાવીએ છીએ. શિવલિંગ પર દૂધ ચઢાવતાં શીખ્યાં ત્યારથી કદી એ વિશે શંકા નહીં. પણ
શિવ કલ્યાણ કરે એવી આશા અને શ્રદ્ધા ખરી.
ગરીબો આ પૂજનવિધિ નાનકડી ટબુડીમાં દૂધ નહીં તો પાણી સાથે કરે.ઠાઠ કરતાં શ્રદ્ધાનો ભાગ વધારે હોય છે. શ્રીમંતો આ જ વિધિ ચાંદીનાં લોટાથી કરી આડંબર બતાવે.એટલે કોઈ દીન અને અસહાય તરીકે તો કોઈ પોતાની શ્રેષ્ઠતાના પ્રદર્શન માટે, કોઈ ભક્તિભાવનાનાં દેખાવ માટે શ્રદ્ધાને વહેતી રાખે છે.જ્યારે એક કાર્ય પૂર્ણ કરતી વખતે શ્રમ સાથે શ્રધ્ધા ભળે ત્યારે એ અનુપમ બની જાય છે. મંદિરમાંથી લાવેલ પ્રસાદ એક દવાથી વધુ અસરકારક બની જાય જ્યારે એમાં લેનારાંની શ્રધ્ધા ભળે.
કેટલાંય સંતોએ આપેલ વિભૂતિ ચમત્કાર રચે છે એ ફક્ત અસીમ શ્રધ્ધાનું જ ઉદાહરણ છે.પણ એમની
શ્રધ્ધા ત્યારે રંગ લાવે જ્યારે એ સંતનાં સ્મરણથી એક ચપટી માટી પણ મુસીબતમાંથી માર્ગ કાઢે. શ્રધ્ધા એ કોઈ ધર્મ કે પંથ વિશે નહીં પણ જીવવાની એક રીત કે પદ્ધતિ છે.સકારાત્મકતા ફેલાવતી એક મહેંક છે.
જંગલમાંથી ફળ ખાઈ પેટ ભરનારા વાનરો અને રીંછોને ક્યાં પુલ બાંધવાની ગતાગમ હતી?પણ રામનામ પરની એમની શ્રધ્ધાએ એમને તાર્યાં આને એક ઈતિહાસ રચાયો, જે આજે ય પ્રેરણાદાયી છે.
શિવલિંગ પર દૂધ ચઢાવવાની પ્રથા પાછળ એવું જણાયું છે કે , વધુ કરીને શ્રાવણ મહિનામાં આ ક્રિયા મોટે પાયે થાય કારણકે આ સમય દરમ્યાન ચરવા જનારાં પ્રાણીઓ કોઈક જીવાણુઓ ગળી ગયાં હોય જે દૂધ વાટે મનુષ્યને હાનિ પહોંચાડી શકે.તેથી સામૂહિક રીતે દુગ્ધાભિષેક કરી આ દૂધ વહાવી દેવાતું.વળી આ ઋતુ દરમિયાન પાચન મંદ હોય જે ‌દૂધ કે એની વાનગીઓ માટે જરૂરી હોય.તેથી દૂધ ધર્મના નામે વહાવી રોગથી સમાજને બચાવી લેવાય.
શ્રધ્ધા વિના ધર્મ, જ્ઞાન, ઈશ્વર,વિજ્ઞાન બધું જ અપૂર્ણ છે.
\”શ્રધ્ધયા સત્યમાપ્યતે\” એટલે કે શ્રધ્ધાથી જ સત્યની
પ્રાપ્તિ થાય છે.આજનાં આ ગતિશીલ યુગમાં
શ્રધ્ધા નામની‌ ખીંટી ‌એક દિશાસૂચક તરીકે જીવને
શિવ તરફ લઈ જ જશે !
માયા‌ દેસાઈ
મુંબઈ ભારત.

શીર્ષક : શિવી

ભીખી અને રઘુ બંને સૌરાષ્ટ્રનાં એક નાનકડા ગામમાં રહેતા હતાં. બંને જીવ ભોળા. ગામમાં એક નાનકડું શિવ મંદિર આવેલ, તેમાં ભીખી સફાઈનું કામ કરતી અને રઘુ ખેતરમાં છૂટક મજૂરી કરતો. રાત્રે ભજન-મંડળીમાં રઘુ અચૂક હાજર રહેતો.
લગ્નનાં ૫ વર્ષ બાદ પણ ભીખીનાં ત્યાં પારણું બંધાયું નહોતું. ગામનાં વડીલ એવા ચંચીબાએ ભીખીને સલાહ આપી કે, જ્યાં સુધી ગર્ભ ન રહે પિયરમાં પગ ન મૂકવાની બાધા માન. ભોળાનાથ તારું જરૂર સાંભળશે. ભીખીનું પિયર નજીકનાં જ ગામમાં હતું. રઘુએ ના પાડવા છતાં ઉપરવટ જઈને ભીખીએ માનતા માની. માનતા માન્યાનાં 3 વર્ષે ભીખીનો ખોળો ભરાયો અને શિવરાત્રીનાં શુભ દિવસે તેણે દીકરીને જન્મ આપ્યો. બંનેનાં જીવનનો અંધકાર જાણે ઉજાસમાં ફેરવાઈ ગયો. શિવશંભુની કૃપાથી અભિભૂત થઈને ધણી-ધણિયાણીએ શિવમંદિરમાં પૂજા ભણાવી. દીકરીનું નામ રાખ્યું શિવી . શિવી શિવશંભુનાં મંદિરમાં શિવલિંગ સાથે રમીને મોટી થઇ હતી, પરંતુ શિવીનાં જન્મ પછી તેનાં માતા-પિતા વચ્ચે કલહ અને કંકાસ વધી ગયાં હતાં. શિવી ૫ વર્ષની થતાં સુધીમાં તો બંને વચ્ચે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. રઘુ, ભીખી અને શિવીને છોડીને ચાલ્યો ગયો હતો.
જ્યોતિષવિદ્યાનાં જાણકાર એવા શિવમંદિરનાં પૂજારીજીએ ભીખીને ત્રણેયનાં જન્માક્ષર લઇ આવવા કહ્યું. ભીખી તાબડતોડ ઘરેથી ત્રણેયનાં જન્માક્ષર લઇ આવી અને કપડાં સંકોરીને આતુરતાપૂર્વક પૂજારીજીનું કથન સાંભળવા ઉભડક બેસી ગઈ. ભીખી અને રઘુનાં જન્માક્ષર જોયાં બાદ પૂજારીજીએ શિવીનાં જન્માક્ષર જોવાનું શરૂ કર્યું.
શિવીનો જન્મ શિવરાત્રીનો અર્થાત અમાસનો હતો. શિવરાત્રી, ઉમાશંકરનાં મિલનનો શુભ દિવસ; પરંતુ એ દિવસે ચંદ્ર અને સૂર્ય નજીક હોવાથી ચંદ્ર અસ્ત અવસ્થામાં હોય. ચંદ્ર મનુષ્યનાં મન તથા માતાનો કારક. અમાસનો ચંદ્ર કુંડળીને નબળી કરે. શિવીની કુંડળીમાં ગ્રહણયોગ પણ હતો જેમાં સૂર્ય અને ચંદ્ર વચ્ચે રાહુ હતો. જે માતા-પિતાને અલગ કરે. આટલું કહીને પૂજારીજી શ્વાસ લેવા રોકાયા.
ભીખીએ શિવીનાં જન્માક્ષર પૂજારીજી પાસેથી લગભગ ખેંચી લીધા અને તેને ઉંચકીને ઘરે જતી રહી. શિવીને છાતી સરસી ચાંપીને અઢળક વહાલ વરસાવવાં લાગી. તેણે મનોમન નિશ્ચય કર્યો કે નિયતિ ગમે તે હોય પણ, જે શિવ કૃપાથી પોતાને દીકરી મળી છે તેને તે જીવથી પણ વધારે સાચવશે.
પાયલ શાહ \”ઝાકળ\”

શીર્ષક :દૂધનું અર્પણ

આજે મહાશિવરાત્રી હતી.મંદિરોમાં શિવપૂજાઓ ચાલુ હતી.શિવલિંગ પર દૂધનો અભિષેક માટે મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી.
હું અને મારી પત્ની,મારા મિત્રનાં પત્ની ખબર જોવા મેટરનીટી હોસ્પિટલ પહોંચ્યા.
ખબર જોઈ બહાર નીકળ્યા ત્યારે હું ગાડી લેવા પાર્કિંગ તરફ ગયો ત્યાંજ બાળકનાં રડવાનો અવાજ આવ્યો. જોયું તો એક ખુણામાં તાજું જ જન્મેલું બાળક રડતું હતું.કોઈ જનેતા પોતાની કર્મની નિશાની આ રીતે છોડી ગઈ તે જોઈ હૃદય સમસમી ગયું.હું એને ઊંચકીને અંદર હોસ્પિટલમાં લઈ ગયો જ્યાં મિત્રની પત્ની પોતાનાં બાળકની કસુવાવડથી દુઃખી હતાં.તેમને આ બાળક હાથમાં આપ્યું અને જે માતા પોતાનાં બાળકને સ્તનપાન માટે વલખાં મારતી હતી તે ઈચ્છા આ લાવારીસ બાળકને પોતાનું દૂધ અર્પણ કરી પુરી થઈ ગઇ.
જનેતાની લાજ રાખી.
જયદીપ દવે jd સ્મિત ધરમપુર

શીર્ષક : પ્રેરણા

પ્રેરણા……..દાદા પ્રતાપરાય અને એમના પૌત્ર બિરજૂની જુગલજોડી !રોજ રાત્રે દાદા વાર્તા ન કહે તો બિરજૂને નીંદર ન આવે. દાદાની વાર્તા એટલે તેના માટે ઊંઘની ગોળી!
પ્રતાપરાય કર્મકાંડી બ્રાહ્મણ , મહેસાણા એમનું મૂળ વતન. વૃદ્ધાવસ્થાને કારણે છેલ્લા બે-ત્રણ વર્ષથી દીકરાનાં પરિવાર સાથે મુંબઈ રહેવા આવી ગયા હતાં. દીકરો -પુત્રવધૂ બંને નોકરી કરે એટલે દાદા- પૌત્ર પાકા દોસ્ત બની ગયા. દાદાની મૂડી એટલે મહેસાણાથી સાથે લાવેલી એક માત્ર બેગ!
એક દિવસ દાદા પટારામાંથી એક ફોટો હાથમાં લઈને, મધુર સ્મૃતિને મમળાવતાં તેને અનિમેષ નયને નિરખતાં હતાં ત્યાં બિરજૂ આવી ચડ્યો. ફોટામાં એક નાનો બાળક શિવલિંગની પૂજા કરી રહ્યો હતો.બિરજૂએ કુતૂહલવશ પૂછ્યું, “દાદા, આ કોનો ફોટો છે?” દાદાએ જવાબ આપ્યો, “ મહાશિવરાત્રીને દિવસે હું શિવલિંગની પૂજા કરતો હતો , તે અવસરનો છે.”
થોડા દિવસ પછી બિરજૂની શાળામાં વેશભૂષાની સ્પર્ધા હતી.પરિવારનાં સભ્યો એક અનોખા પાત્રની શોધમાં હતાં. એવામાં બિરજૂના મનમાં એક વિચાર ઝબક્યો, દાદાનો ફોટો નજર સમક્ષ તરવરવા લાગ્યો. એણે લાગલું જ કીધું , “મમ્મી હું પૂજારીનું પાત્ર ભજવું ?” સૌએ એના સૂચનને હર્ષપૂર્વક વધાવી લીધું. પ્રતાપરાય મનમાં ને મનમાં મલકાઈ રહ્યાં હતાં, ઈતિહાસનું પુનરાવર્તન થવાની ખુશીમાં.
બિન્દૂ નાગ્રેચા

શીર્ષક :ઓમ

ઓમ શિવજીની પૂજા માટેની સામગ્રી તૈયાર કરી રહ્યો હતો. આવડોક ઓમ આટલી ચીવટથી મહાદેવની સેવા કરે એ જોઈને લોકો તાજ્જુબ રહી જતા.
ત્યાં નાદ સંભળાયો \”હર હર મહાદેવ\” ને ઓમે મીઠા અવાજમાં પ્રત્યુતર આપ્યો.
\’મહાદેવ, મહાદેવ\’
ઉમાશંકરને મોઢે રાજીપો દેખાયો. પંદરેક લોકોનું ટોળુ હતું. ઓમના પગલા બહુ જ શુભ હતા. એ જેમ જેમ મોટો થતો હતો, મંદિરની નામના વધતી જતી હતી. બાકી એક સમય એવો હતો કે ગૌરી અને પોતે મહાદેવનું નામ લઈને વગર શ્રાવણે એકટાણા કરી લેતા. હવે તો અનાજથી કોઠીઓ ભરેલ રહેતી. જો કે ઉંમરને લીધે સાંભળવાની તકલીફ હતી, કાનમાં મશીન ભરાવે ત્યારે જ અવાજ કાને પડતા.
ગૌરી જ્યારે અજાણ્યા, નવજાત, આંગણે પડેલ બાળકને લઈને આવી ત્યારે ઉમાશંકર તો ગુસ્સે જ થયેલ. કોનું હશે? કયું વર્ણ હશે? પણ એ દિવસે શિવરાત્રી હતી અને મહાદેવનો, પ્રસાદ હોય એમ ખાલી ખોળામાં ગૌરીએ બાળકને સ્વીકારી લીધેલ.પણ, ઉમાશંકર ક્યાં એમ સ્વીકારી શક્યા હતા. કોનું લોહી હશે? એ પ્રશ્ન વારંવાર એમને બેચેન કરતો. પણ, એક વાર ભોલેનાથની પૂજા કરતા ઉમાશંકરની બાજુમાં આવીને બે જ વર્ષનો ઓમ એમની નકલ કરતો પૂજા કરવા લાગ્યો, એ પણ શ્રાવણનાં સોમવારે ત્યારે એ કુણા પડ્યા અને પછી તો ઓમ જાણે એમનો પડછાયો બની ગયો.
હવે એ ગર્વથી કહેતા કે ફક્ત જન્મથી કોઈ ફરક ન પડે, સંસ્કાર અને ઉછેર જ મહત્વના છે. ઓમ પણ, એમનો વારસ હોય એમ સંસ્કૃતનાં પાઠ સડસડાટ બોલી જતો, સાંભળીને યાદ રહી જાય એવી તિવ્ર યાદશક્તિ ધરાવતો આવો મેઘાવી બાળક પોતાનો છે એમ સંતોષ વ્યક્ત કરતા ઉમાશંકરનેં જ્યારે ગામમાં એક સમયે પ્રખ્યાત એવી દાયણે કહેણ મોકલ્યું ત્યારે એ હતપ્રભ રહી ગયાં.
રાજીડોશીએ કહેવડાવ્યું કે હવે એ એક બે દિવસની મહેમાન છે, ને મરતા પહેલા ઓમનાં જન્મનું રહસ્ય ઉમાશંકરને કહેવા માંગે છે, નહિં તો એનો જીવ નહિં છૂટે. ઉમાશંકર જાણતા હતા કે એક વાર ઓમની જનેતાની વાત જાણવા મળે પછી કદાચ મન બદલાઈ પણ જાય. રાત ગડમથલમાં પસાર કરીને ઉમાશંકર સવારે મહાદેવની સામે ધ્યાન લગાવીને બેઠા.
આંખો ખોલી ત્યારે અનેરી ચમક સાથે એ પ્રસાદ લઈને રાજીડોશીને ત્યાં ગયા. રાજીએ વહુ દીકરાનેં બહાર જવા કહ્યું અને આખી વાત તૂટતા શ્વાસે કરી. ઉમાશંકરે એના મોમાં જરા પ્રસાદ મુક્યો, ઓમ શાંતિ કરતા કરતા આંખો બન્ધ કરી અને રાજીએ જીવ છોડી દીધો.
રાજીનાં ઘરનાને અંદર બોલાવતા પહેલાં ઉમાશંકરે ખિસ્સામાંથી મશીન કાઢીને કાનમાં પહેરી લીધું. સ્નાન કરી, હળવાફુલ થઈને કંદોઈને ત્યાંથી ઓમનેં ભાવતા બુંદીનાં લાડુ લઈ ગીત ગણગણતા આવ્યા. ગૌરી કહે \” આ શું, આજે કોઈ ખાસ કે કોઈ સારો દિવસ છે?\” ઉમાશંકર ઓમને લાડુ ખવડાવતા કહે
\” હા, મહાદેવની કૃપા આપણાં ઉપર છે એટલે બધા દિવસ સારા જ છે.\’
એમનું રહસ્યમય સ્મિત ગૌરીને સમજાયું તો નહીં, પણ પતિ અને દીકરાને ખુશ જોઈને એ પણ હસી પડી, ને ઓમે પણ ઉમાશંકરના મોમાં લાડુ મૂકી જ દીધો.
સલીમા રૂપાણી

કલમના કસબી ગ્રુપ -જીજ્ઞા કપુરિયા \’નિયતી