કલમના કસબી સ્પર્ધા નં-30

વિષય : સંગાથ
શીર્ષક : અપેક્ષા

મેં પૂછ્યું,\’શનિવારે મળવા આવશો ને?\’ ત્યારે એ બોલ્યા, \’લગ્ન પછી તો આપણે સદા માટે સાથે જ રહેવાના છીએ ને! ત્યારે આખી રાત ખૂબ વાતો કરીશું.ભલે હમણાં આપણાં ઘરવાળા આપણને મળવા નથી દેતાં.\’ સગાઈ પછી પહેલી વાર અમે મળ્યા\’તા એ એમના ઘરવાળાને એ નહતું ગમ્યું. હું મનમાં વિચારતી રહી ગઈ કે હું ગામડેની રહેવાસી તોયે મારા મમ્મી પપ્પાને જરાય વાંધો ન હતો કે એ મને મળવા આવે.ને તો શહેરમાં રહેતા\’તા. તો પણ સાસરીપક્ષને ન હતું ગમ્યું. ચાલો, મનને મનાવી લીધું. પણ મને એ નહોતી ખબર કે આ મનને મનાવવાનું આજ દિન સુધી ચાલવાનું છે.
હા! પહેલા તો એમ થતું કે હું કિચનમાં હોઉં ને એ પાછળથી આવીને કમરમાંથી હાથ પરોવી મારા ખભા પર હડપચીનો હળવો સ્પર્શ કરશે. પણ એવું નહિ થતું હતું. વિચારતી કે હશે એને કામનું ટેંશન હશે. કોકવાર થતું કે હું સૂતી હોઉં ને પાસે આવી હળવેથી મને જગાડે. અને હું રીતસરની સુવાના નાટક કરતી. ને એ આરામથી બાજુમાં આવીને સુઈ જતા. વિચારતી કે એ થાકી ગયા હશે. કોકવાર માંદી પડી હોઉં તો એ છેલ્લે સુધી આશા હોય કે મારી કાળજી લેશે. પણ એવું બહુ જ ઓછું બનતું. આ ને આવું તો કેટલુંય બધું. પણ દર વખતે જાતને કંઈ ને કંઈ બહાના બતાવી મનને મનાવી લેતી.
જોકે થોડું મોડું સમજાયું ને સમય પણ ઘણો નીકળી ગયો. હવે એ અપેક્ષા જ નથી રાખતી કે મારી સાથે કંઈ વાત કરશે. એ તો છોડો, અરે! એ પાસે પણ આવશે એ આશા પણ છોડી જ દીધી છે. એનો પ્રેમ ક્યારે મને મળશે? એ તો મારી નિયતિને ખબર. બસ, એ સાથે છે સંગાથે છે એ જ મારા માટે મહત્વનું છે. (જોકે આ પણ મનને મનાવવાની જ વાત છે.)
આટલા વર્ષોનાં અનુભવ પરથી શીખી કે, \”વધુ પડતી અપેક્ષા, અરે! વધુ પડતી શું કામ? અપેક્ષા જ ન રાખવી. જ્યારે જેટલો સથવારો મળે એટલો માણી લેવાનો.
અપેક્ષા વધે તો ઈચ્છાઓ પણ વધે, ઈચ્છાઓ વધે તો અસંતોષ પણ વધે.
મુક્તિ લાડ..
મુંબઈ

વિષય – ચિત્ર પરથી રચના
શીર્ષક – વચન

મંદિરમાં ટોળું જામ્યું હતું. સૌની નજર વર-વધુનાં શૃંગારમાં મરણતોલ હાલતમાં પડેલાં દિવ્યા અને મયંક પર હતી. તેને રમાબાઈનાં ગુંડાઓ ગોળી મારી ભાગી ગયાં હતાં. લગ્ન કરાવી રહેલા પંડિતે એમ્બ્યુલન્સ બોલાવી અને પોલીસને જાણ કરી.બંનેની પ્રેમ નીતરતી આંખો મૂક સંવાદ કરી રહી હતી. બંનેનાં હૃદયમાં એકબીજા પ્રત્યે આદર,દરકાર અને વિશ્વાસ અતુલનીય હતાં. બંનેનાં સ્મૃતિપટ પર તેમની પ્રેમની ક્ષણો ફરી વળી. અનાથ મયંકને તેનાં કાકા-કાકીનાં ગુસ્સાથી દિવ્યા બચાવતી હતી. દિવ્યાએ કદી તેને એકલતાનો અનુભવ નથી થવા દીધો. તેનાં માતાપિતાનું સ્વપ્ન સાકાર કરવા હંમેશા મયંકને અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યું હતું. અહીં પણ પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો જ હાથ હતો. દિવ્યાને લીધે જ મયંક ડૉક્ટર બની શક્યો. દિવ્યાનો દારૂડિયો બાપ જ્યારે તેની માતાને મારતો ત્યારે તેનાં મનમાં પુરુષજાતિ માટેની ધૃણા મયંકે જન્માવતાં અટકાવી હતી. તેની માતાને પિતાની મારથી બચાવવા સામનો કરવાની હિંમત મયંકે આપી હતી. તેની માતાનાં અકાળ મૃત્યુનાં અસહ્ય દુઃખમાંથી બહાર આવવું મયંકના સાથ વગર અસંભવ હતું. પૈસા માટે પોતાની દીકરીને રમાબાઈનાં કોઠામાં વેચવાનું પાપ પણ તેનાં બાપે કરી નાખ્યું. ત્યાંથી જીવનાં જોખમે તેને ભગાડી ઈજ્જત સાથે મયંક તેને જીવનસાથી બનાવવાં મંદિર લાવ્યો હતો. લગ્નથી બંધાયેલાં સંબંધો જ સાચા એવું નથી.અમુક વિવાહિતો જે સપ્તપદીનું મૂલ્ય જાળવતાં નથી, તેમને શરમાવે એવો બાળપણનાં મિત્રોનો પરસ્પર પ્રેમ હતો કે તેમણે વચન આપ્યાં વગર જ તેને નિભાવી જાણ્યાં હતાં.તેમણે સાબિત કર્યું હતું કે પ્રેમ એટલે ફક્ત રોમાંચ નહીં પણ નિસ્વાર્થ સમર્પણ. જીવનભર આટલાં કષ્ટો વેઠયાં પછી પણ નિયતિને તેમની ખુશી જાણે મંજૂર ન હતી.જે લાલ રંગ તેમનાં સુખી જીવનનું અને જન્મોજનમનાં સાથનું પ્રતીક બનવાનો હતો તે તેમનાં જીવનનો અંત બનીને આવ્યો. મયંકે હળવેથી આંગળીઓ પરોવી દિવ્યાનો એક હાથ પકડ્યો અને બીજા હાથે પોતાના રક્તથી ખરડાયેલાં શરીર પરથી લોહી લઈ તેનો સેથો પૂર્યો.ત્યાં જ ધબકાર બંધ થયાં. બંનેની આંખો મીંચાઈ ગઈ. એટલામાં એમ્બ્યુલન્સ આવી.સૌ જોઈને દંગ રહી ગયાં કે બંનેની લાશ એકબીજાનો હાથ છોડવા તૈયાર ન હતી.
ચાર્મી મજીઠીયા \”ચારુ\”

વિષય-ચિત્ર પરથી સ્પર્ધા
શીર્ષક-સાથી ભવોભવનાં

ગોળ રૂપાળા ચહેરા પર કાજળઘેરી બંધ કરેલી આંખે જ્યારે પૂજા સૂર્યને અર્ધ્ય આપતી ત્યારે સાક્ષાત દેવી લાગતી.
સંજય પણ સ્વભાવે સમજુ અને શાંત હતો. બંનેની જોડી ભગવાને જુગતે બનાવી હતી.
લાલજીની સેવા કરી સંજયને પ્રસાદ આપતા પૂજા બોલી,\” શું વિચાર્યું ? ટિફિન સર્વિસ ચાલુ કરવી છે ને? ચાલે તો ઠીક નહીંતો બીજું કંઈ વિચારશું\”. \”એજ વિચારું છું, મન નથી માનતું પરણીને આવી ત્યારથી તેં જવાબદારીનો બોઝ ઉપાડ્યો છે. હવે તને સુખ આપવાંનાં બદલે કામ કરાવું! ગામનાં રાંધણાં કરાવું ? તારી રસોઈ ખાનાર જિંદગીભર તેનો સ્વાદ ન ભૂલે પણ.\” \” પણ,શું? આપણું સુખ-દુઃખ અલગ છે! આ મહામારીને કારણે મોલમાં રહેલો સ્ટેશનરીનો શોરૂમ બંધ થયો. ઉપરાંત સ્કૂલ કોલેજ પણ બંધ! સામાન કેમ વેચવો? હવે જમાં પૂંજી પણ ખૂટવા લાગી છે, જીવનનિર્વાહ માટે બંને સાથે મળીને કામ કરીશું. સપ્તપદીનાં સાત વચનો પણ નિભાવીશું.\” કોરોનાની મહામારીને કારણે ઘણાં કુટુંબમાં રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો. તેમ આ ફેમિલીને પણ થયો. સંજયની આનાકાનીનાં અંતે એક અઠવાડિયા પછી પોતાની લગ્નતિથીને દિવસે ટિફિન સર્વિસનું કામ ચાલુ કરવાનું નક્કી કર્યું. સરસ મેસેજ બનાવ્યો\’ઘર જેવા શુદ્ધ અને સાત્વિક ભોજન માટે અમારો સંપર્ક કરો, પૂજા ટિફિન સર્વિસ\’ બધાં ગ્રુપમાં ફોરવર્ડ કરી દેતા,ફટાફટ ટિફિનનાં ઓર્ડર મળી ગયાં કારણકે પૂજાની રસોઈનો સ્વાદ ઘણાં એ માણ્યો હતો. હકારાત્મક જવાબો મળતાં બંનેનો ઉત્સાહ વધી ગયો. દુઃખનાં ઓછાયા લઈને આવતાં દિવસો સમય જતાં સુખમાં પરિવર્તિત પામ્યાં. સ્વાદ અને ગુણવત્તાનાં કારણે સમય જતાં ઘણાં ટિફિનનાં ઓર્ડર બુક થયાં. બંનેની મહેનત રંગ લાવી. નામ અને દામ પણ મળ્યા. \”સંજય, યાદ છે ને?લાગે તો તિર નહીં તો તુક્કા એવું વિચારી ટિફિન સર્વિસનું કાર્ય ચાલુ કર્યું હતું પણ હવે એ આપણી આજીવિકાનું સક્ષમ સાધન બની ગયુ ખરુંને? \”
\” હા, આપણી સહિયારી મહેનત રંગ લાવી ને લોકોનો પ્રતિસાદ પણ સારો મળ્યો. કાલે આપણી લગ્નનતિથિ પણ છે ને? તો ચાલ, આ વાત પર થઈ જાય એક સેલ્ફી? સેલ્ફી લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સંજયે સ્ટેટ્સ મૂક્યું. \’સાથી ભવોભવનાં\’.

પૂજા (અલકા) કાનાણી

વિષય – ચિત્ર પરથી રચના
શીર્ષક – કન્યાદાન

દીકરીનો હાથ જમાઈનાં હાથમાં મૂકી હસ્તમેળાપ થાય.બે કુંવારા હાથનો પ્રથમ સ્પર્શ, રોમ રોમ રોમાંચિત થઈ જાય.હાથમાં હાથ રાખી મંગળફેરા ફરાય ત્યારબાદ લાડલી દીકરીને જમાઈને વિધિવત્ સોંપવાની વિધિ એટલે કન્યાદાન. આજકાલ કન્યાદાન શબ્દ સોશ્યલ મીડિયા પર જોરશોરથી ચર્ચાય રહ્યો છે. આધુનિક વિચારસરણી ધરાવતો વર્ગ કન્યાદાન શબ્દની વિરૂધ્ધ છે.ક્યાંક વાંચવામાં આવ્યું છે કે,દાન કરેલી વસ્તુ પાછી નથી લેતાં,તો દીકરીને સાસરામાં દુઃખ પડે ત્યારે પિતાને ત્યાં પરત કેવી રીતે આવે, એનું તો કન્યાદાન થયેલું હોય.માટે કન્યાદાન શબ્દ વાપરવો ન જોઈએ. લગ્ન વિધિ પૂર્ણ થાય એટલે દીકરીનાં માવતર દીકરીનો હાથ જમાઈના હાથમાં આપે અને ગોર મહારાજ શ્ર્લોક બોલી પૂજા કરાવી કન્યાદાનની વિધિ કરાવે. મારાં વાંચવામાં આવ્યું છે કે, કન્યાદાન એટલે કન્યાનું દાન એ અર્થઘટન જ ખોટું છે.ખરેખર તો કન્યાદાન એટલે એટલે દીકરીનું દાન નહીં પરંતુ ગોત્ર દાન. દીકરી, લગ્ન થતાં જ પિતાનું ગોત્ર છોડી પતિનું ગોત્ર અપનાવે છે.દીકરીને પતિનાં ગોત્રમાં જવાની માવતર રજા આપે છે જે વિધિને કન્યાદાન કહેવાય છે. પિતા પોતાનું ગોત્ર અગ્નિમાં દાન કરે છે અને પતિ અગ્નિની સાક્ષીએ પત્નીને પોતાનું ગોત્ર આપી એનો પોતાનાં ગોત્રમાં સમાવેશ કરે છે.આમ દીકરી પણ પોતાનાં મનનાં માણીગરનો હાથ ઝાલી પિતાનું ગોત્ર છોડી નવાં ગોત્ર સાથે પોતાની જિંદગી જોડી દે છે. લગ્ન થતાં જ દીકરી પિતાનું ગોત્ર છોડી પતિનું ગોત્ર અપનાવે અને એ ગોત્રનાં રીતરિવાજો મુજબ એનાં નવજીવનની કેડી કંડારે.
લગ્ન પછી દીકરી માટે પિતાનું ઘર પારકું થતું નથી.પિતાની સાથે એને પતિનું ઘર પણ મળે છે.
કોઈક સંજોગોમાં લગ્ન સંબંધ ન ટકતાં વિચ્છેદ ઊભો થાય તો દીકરી પિતાને ત્યાં જ આવે છે.
માવતર માટે પોતાની દીકરી કોઈ ચીજ વસ્તુ નથી કે દાન આપે.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

વિષય – ચિત્ર પરથી રચના
શીર્ષક – ઉર્વીશ

વડીલોની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યાં હતાં તે એક રંજ હતો ઉર્વશીના મનમાં ,પણ અનિશના પ્રેમે એ મૂળથી
ધોઈ નાખ્યો.ત્યારે અનિશે એક સુંદર શિલ્પ લાવીને ઉર્વશીને ભેટ આપ્યું . એ શિલ્પમાં એક સ્ત્રીનો નાજુક હાથ અને
તેને મજબૂત ટેકો આપતો એક પુરુષનો હાથ હતો.આ શિલ્પની માફક ઉભય સાથ નિભાવવાના કોલ દોહરાવ્યા હતાં ,\’ઉર્વીશ\’ નામ આપ્યું એને.એ જ એમનું પ્રેમ પ્રતિક. બંનેની જોડી સમય સાથે વધુ મજબૂત બની. કેટલાંક ઈર્ષાળુ મિત્રોએ પણ તેમને વિખેરવા પ્રયત્ન કર્યાં. આ પકડને કોઈ ઢીલી ન કરી શક્યું. તે દિવસે અનિશ ઓફિસમાં વધુ કામ હોવાથી મોડું થશે એમ જણાવી શાળા સમયની એની દિલોજાન મિત્ર શલાકાને મળવા બારોબાર જતો રહ્યો.લાગણીઓની આપ લે થયાં બાદ શલાકા સાથે પાછાં આવતાં ગંભીર અકસ્માત થયો.બંનેને ગંભીર ઈજા થઈ. અનિશ બેશુદ્ધિમાં પણ શલાકાનું નામ બબડતો હતો તેથી ઉર્વશી તો તદ્દન અવાક્ હતી.સારવાર દરમ્યાન અનિશનો જમણો હાથ કાપવાની વાત આવી ,એની જિંદગી માટે આ કપરો નિર્ણય લેવાનો હતો.આ એ જ હાથ હતો જે પકડી ઉર્વશી બધું છોડીને આવી હતી.
અનિશ હાથ કાપવાની વાતથી ખૂબ નિરાશ હતો.આટલી મોટી જીંદગી સામે પડી હતી. તેને આ અપંગતા સાથે કેમ પાર કરી શકાશે એ વાતે અનિશ ભાંગી પડ્યો.ઉર્વશી એને કહેતી ,\”હું છું ને !બધું ઠીક થઈ જશે , આપણું \”ઉર્વીશ \” યાદ છે ને !એ પકડ ઢીલી નહીં પડે જોજે !\” હોસ્પિટલના આંગણામાં જ પગે લંગડાતી શલાકા
મળી , ઉર્વશી ન ઓળખતી પણ શલાકાએ સામેથી બોલાવી ,રૂમ નંબર પૂછ્યો.એને જોયાં બાદ ઉર્વશી થોડી વિચલિત થઈ,એક કંપનીમાં ઉચ્ચ હોદ્દા પરહોવાનું જણાવ્યું ત્યારે શલાકા જરા ચમકી.અનિશને આમે ય આવી સ્ત્રીઓ માટે આકર્ષણ હતું. ક્યાંક એનું વ્યક્તિત્વ અનિશને આંજી ગયું કે શું? મને દરેક વાત કરનારો મારો પિયુ કેમ મને એના વિશે કંઈ ન બોલ્યો ? ઓપરેશન ખર્ચ માટે પાસબુક શોધતાં અનિશનાં ખાનામાંથી એક લેડીઝ ઘડિયાળ મળ્યું .. ઉર્વશીનું મન વળી ચગડોળે ચઢ્યું.એણે સજળ નયને \’ઉર્વીશ\’ને ખોળામાં લઇ હાથ ફેરવવા માંડ્યો . ક્યાંક ગીત વાગી
રહ્યું હતું.. હાથ છૂટે ભી તો રિશ્તે તોડા નહીં કરતે…

માયા દેસાઈ
મુંબઈ ભારત.

સંકલન : જીજ્ઞા કપુરીયા