
અમદાવાદ : ગાંધી નિર્વાણ દિને ઐતિહાસિક સાબરમતી જેલ ખાતે બંદીવાન-ભાઈઓ દ્વારા સ્વરાંજલિ – મૌનાંજલિ અર્પણ થઈ. અમદાવાદ મધ્યસ્થ જેલના જેલ અધિક્ષક ડો. મહેશભાઈ નાયક (આઈપીએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, નાયબ જેલ અધિક્ષક દિગ્વિજયસિંહ રાણા અને રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિ. મોટી સંખ્યામાં બંદીવાન-ભાઈઓની હાજરી રહી. ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડે મેઘાણી-ગીતોની હ્રદયસ્પર્શી રજૂઆત કરી. આઝાદીની લડત વખતે 11 – 20 માર્ચ 1922 દરમિયાન મહાત્મા ગાંધીને અહિ રખાયા હતા.આઝાદીની લડત વખતે મહાત્મા ગાંધીને અમદાવાદ સ્થિત ઐતિહાસિક સાબરમતી જેલ (હાલ અમદાવાદ મધ્યસ્થ જેલ)નાં જે ગાંધી યાર્ડમાં રખાયા હતા ત્યાં બંદીવાન-ભાઈઓ માટે ગાંધી નિર્વાણ દિને સ્વરાંજલિ – મૌનાંજલિના કાર્યક્ર્મ `ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે’નું આયોજન કરાયું હતું. જેલનાં બંદીવાન-ભાઈઓ દ્વારા ગાંધી નિર્વાણ દિને સહુ પ્રથમ વખત આવી ભાવાજંલિ અર્પણ થઈ જે ખાસ ઉલ્લેખનીય છે.
મહાત્મા ગાંધીએ જેમને `રાષ્ટ્રીય શાયર’નાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતોની ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડે હ્રદયસ્પર્શી રજૂઆત કરી હતી. બંદીવાન-ભાઈઓએ પણ બખુબી સાથ આપ્યો હતો. 11 વાગે સાયરન વાગતા જ ઉપસ્થિત સહુએ સામૂહિક મૌનાંજલિ અર્પણ કરી હતી.
અમદાવાદ મધ્યસ્થ જેલના સાહિત્ય-પ્રેમી જેલ અધિક્ષક ડો. મહેશભાઈ નાયક (આઈપીએસ), નાયબ જેલ અધિક્ષક દિગ્વિજયસિંહ રાણા અને રાકેશભાઈ દેસાઈ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, નવજીવન ટ્રસ્ટના પ્રશાંતભાઈ દયાલ અને કિરણભાઈ કાપુરે, અમેરિકા સ્થિત વૈજ્ઞાનિક ડો. અક્ષયભાઈ શાહ, અનારબેન શાહ, જતીનભાઈ ઘીયા, સિનિયર જેલર એ. આર. કુરેશી, બી. આર. વાઘેલા અને ડી. ડી. પ્રજાપતિ, જેલર (ગૃપ-2) એમ. એમ. દવે, વેલ્ફેર ઓફીસર પ્રદીપભાઈ પંચાલની ઉપસ્થિતિ રહી. મોટી સંખ્યામાં બંદીવાન-ભાઈઓની હાજરી રહી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ડો. મહેશભાઈ નાયક (આઈપીએસ), પિનાકી મેઘાણી અને પ્રશાંતભાઈ દયાલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ગાંધી જયંતીએ નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રાયોજિત ગાંધી-વિચાર પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્ર્માંકે ઉત્તીર્ણ થનાર બંદીવાન-ભાઈઓનું અભિવાદન પણ કરાયું હતું.
આ કાર્યક્ર્મ માટે ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટના અધિક પોલીસ મહાનિર્દેશક ડો. કે. એલ. એન. રાવ (આઈપીએસ), અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ડો. મહેશભાઈ નાયક (આઈપીએસ) તથા જેલ પ્રશાસનનો લાગણીભર્યો સહયોગ રહ્યો હતો. આપણા સ્વાતંત્ર સંગ્રામ અને તેમાં નામી-અનામી સ્વાતંત્ર-સેનાનીઓએ આપેલ આહૂતિ-બલિદાનથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી, છેલ્લા 10 વર્ષથી સતત, પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ગાંધી નિર્વાણ દિને મહાત્મા ગાંધીનાં વિવિધ સ્મૃતિ સ્થળોએ આવાં પ્રેરક કાર્યક્ર્મનું આયોજન થાય છે.
