ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કાગળ ઉપર રાજકોટમાં એડિશનલ કલેક્ટરની નેમ પ્લેટવાળી ગાડીમાંથી દારૂ પકડાયો

ગુજરાત : રાજકોટમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે આજે ફરી એક ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે.
શહેરમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે? શહેરમાં આજે શીતલ પાર્ક ચોક નજીક રૂડાના એડિશનલ કલેક્ટરની નેમપ્લેટવાળી એક કાર મળી આવી હતી. જેને સ્થાનિકોએ અટકાવી તો કારમાં દારૂની બોટલ સાથે નશામાં ધૂત ડ્રાઈવર ઝડપાયો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના શીતલ પાર્ક ચોક નજીક રૂડાના એડિશનલ કલેક્ટરની નેમપ્લેટવાળી કાર પસાર થઈ રહી હતી. જેને નિહાળીને સ્થાનિકોને શંકા ઊપજી હતી. જેથી કારને અટકાવતા તેમાં ગાડીમાં કોઈ અધિકારી હાજર ન હતા માત્ર ચાલક દારૂના નશામાં મળી આવ્યો હતો. અને તેમાં તપાસ કરતાં દારૂની બોટલ પણ મળી હતી. જેથી તુરંત સ્થાનિકોએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે કલ્પેશ રત્નાભાઈ મોરી નામના ચાલકની અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે કલ્પેશ આઉટ સોર્સીંગ એજન્સીનો કર્મચારી છે. ત્યારે આજે રવિવારની રજામાં રૂડાના એડિશનલ કલેક્ટરની નેમ પ્લેટ સાથે ગાડી લઇ કલ્પેશ શા માટે નીકળ્યો તે પણ એક સવાલ છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ