જૂનું ગોદડું તમારા લકઝરીયસ આવાસનાં સ્ટોરેજમાં એક જૂનું ગોદડું ગડીવાળીને રાખી મૂકી રાખજો. જેમાં તમારી માતાએ તમારા જ સ્વજનોનો જૂનાં કપડાં કાપી, ગોઠવીને તમારી પતંગની દોરની રઝળતી લચ્છીનાં દોરા વડે, કામગરા હાથથી એનાં ટેભાં લીધાં હશે.

એ પાલવ,
જે તમારાં ઈષ્ટ માટે ઈષ્ટદેવ સામે પથરાયો હશે…..

એ પાલવ ,
જેની નીચે સંતાડીને માતાએ તમને અમૃત પાયું હશે.
ને પછી દુધિયાંહોઠ લૂછી આપ્યાં હશે. …..

એ પાલવ,
જેનાં છેડે બાંધેલો રૂપિયો તમને ભમરડો ખરીદવા મળ્યો હશે અને જેની નીચે તમને પિતાના રોષથી બચવા શરણું મળ્યુ હશે…..

એ પાલવ,
તમે પડી આખડીને આવ્યાં હશો ત્યારે તમારા ધૂળ મિશ્રિત આસું લૂછયાં હશે ને છાનામાનાં પોતાની આંખમાં આવેલ અશ્રુ પણ લૂછી લીધું હશે….

તમારા લક્ઝરીયસ બ્લેન્કેટમાં જયારે અનિદ્રા સતાવેને મારા વ્હાલાં ત્યારે એ પાલવવાળા ભાગને તમે છાતી નજીક રાખી એ ગોદડું ઓઢી તો જોજો.
તમને એક નાના બાળક જેવી મીઠી ઊંઘ આવી જશે…

જીજ્ઞા કપુરિયા \”નિયતી\”