દહીસરમાં ડમ્પર ચાલકની બેદરકારીને કારણે 8 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો

મુંબઈ: દહિસર (પૂર્વ), રાવલપાડા વિસ્તારમાં ગુરુવારે બપોરે એક ડમ્પર ચાલકે ટક્કર મારતાં વિદ્યા સંતોષ બનસોડે (ઉંમર 8)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ રાવલપાડા વિસ્તારમાં માહોલ તંગ છે અને સ્થાનિક પોલીસ, ટ્રાફિક વિભાગ અને ડમ્પર ચાલકો સામે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષમાં રાવલપાડા વિસ્તારમાં ડમ્પર ચાલકોની બેદરકારીના કારણે ત્રણથી ચાર બાળકોના કચડાઈને મોત થયા છે. આ સ્થળે બંને બાજુ ગેરકાયદેસર રીતે બેઠેલા ફેરિયાઓને કારણે ભીડના સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અને નાગરિકોને રસ્તા પર ચાલતા વખતે અકસ્માતનો ભય રહે છે. સ્થાનિક રહેવાસીએ નામ ના આપવાની શરતે કહ્યું કે કહેવાય છે કે આ ફેરિયાઓને ઉપર કેટલાક રાજકીય નેતાઓનો હાથ અને સાથ હોય એવું લાગે છે એ માટે જ વારંવાર ફરિયાદ કરવા છતાં નગરપાલિકા પ્રશાસન અને ટ્રાફિક પોલીસની મિલીભગતથી ફેરિયાઓ રસ્તા પર બેસી ગયા છે. દહિસર વિસ્તારમાં ચાર પૈડાવાળી હાથગાડીઓની સંખ્યા વધી જવાને કારણે અનેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. એસ એન. દુબે રોડ પર ડમ્પર સહિતના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં અહીથી વાહનોની અવરજવર ચાલુ હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, માર્ચ મહિનામાં એક રાજકીય પદાધિકારીએ ડમ્પર ચાલકોના બેદરકારીભર્યા વાહન ચલાવવા અંગે દહિસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી