દેવાયત ખવડની મહા શિવરાત્રી જેલમાં કે ભવનાથ તળેટીમાં ? જામીન અરજીના ચુકાદા પર નિર્ભર

દેવાયત ખવડની મહા શિવરાત્રી જેલમાં કે ભવનાથ તળેટીમાં આવતી કાલે જામીન અરજીના ચુકાદા પછી નક્કી થશે. \"\"

રાજકોટ : દેવાયત ખવડ મયુરસિંહ રાણા નામના શખ્સ ઉપર જીવલેણ હુમલો કરવાના આરોપમાં 19 ડીસે.થી જેલમાં છે. આ કેસમાં હવે ચાર્જશીટ પછીની જામીન અરજી ઉપર સુનાવણી થઇ ગઇ છે હવે આવતીકાલે તેનો ચુકાદો આવી શકે છે. કેસની વિગત મુજબ હત્યા પ્રયાસમાં દેવાયત ખવડ, બનાવ વખતે કાર ચલાવી રહેલ તેનો મિત્ર કિશન દિલીપભાઇ કુંભારવાડીયા અને હુમલામાં સાથે રહેલ હરેશ ઉર્ફે કાના રબારીને આરોપી દર્શાવ્યા છે. અગાઉ સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીની ચાર્જશીટ પહેલાની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી. જે પછી હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારેલી પણ દેવાયત ખવડે તે વિથડ્રો ફાઇલ કરતા પ્રથમ વચગાળાની જામીન અરજી દેવાયતે કરેલી પણ તે રદ થતા સાથે સાથે ચાર્જશીટ પછીથી રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેના પર ગઇકાલે સોમવારે સુનાવણી થઇ હતી.જેમાં દેવાયત ખવડના એડવોકેટ સ્તવન મહેતા અને એ.કે. જોશીએ દલીલો કરી હતી કે, આ કેસમાં ચાર્જશીટ થઇ ગઇ છે. ફરીયાદી બે મહિના પહેલા જ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થઇ ગયા છે. તમામ નિવેદનો નોંધાઇ ચુકયા છે. તમામ પુરાવા આવી ગયા છે. સીસીટીવી ફુટેજ કબ્જે છે. જેથી હવે છેડછાડ થઇ શકે તેમ નથી. ટ્રાયલમાં આરોપીને દોષી માની શકાય નહીં તે નિર્દોષ હોય છે તેવું માનવામાં આવે છે. પોલીસે સમગ્ર તપાસ પુર્ણ કરી દીધી છે.આરોપી માટે બેલ ઇઝ રૂલ અને જેલ ઇઝ એકસેપ્શન એટલે કે, આરોપી માટે જામીન હક અને જેલ અપવાદ છે. જેથી જામીન મુકત કરવા અરજ કરી હતી. જેમાં સરકાર પક્ષે વાંધા લેવાયા હતા. હવે આ જામીન અરજી પર આવતીકાલે સેશન્સ કોર્ટ નિર્ણય જાહેર કરી શકે છે.

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી રાજકોટ.

\"\"