નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું મામેરું ભરવા ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા હતા એ વાત વાંચી અને સાંભળી હતી પણ દુનિયાએ આજે જોયું કે એક અનાથ દીકરીનું મામેરું ભરવા આખું ગામ આવ્યું

સંકલન : રણજીત ચૌધરી – માવસરી
રાજસ્થાનના નેઠરાણા ગામના જોગારામ બેનીવાલની દીકરી મીરાના લગ્ન હરિયાણાના બાગડ ગામના મહાવીર સાથે થયા હતા. મીરા અને મહાવીરને ભગવાને મીનુ અને સોનુ નામની બે દીકરીઓ આપી પરંતુ પ્રભુએ જાણે કે મીરાની કસોટી કરવી હોય એમ એના પતિ અને સસરા બંનેનું અવસાન થયું. મીરાએ એકલા હાથે પોતાની બંને દીકરીઓને મોટી કરી અને ઉંમરલાયક થતાં તેના લગ્ન નક્કી કર્યા.
દીકરીને ત્યાં લગ્નપ્રસંગ આવે એટલે પિયરમાંથી ભાઈ પોતાની લાડલી બહેન માટે મામેરું લઈને આવે એવી આપણી પરંપરા છે. દીકરીઓના લગ્નનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ મીરાની મૂંઝવણ વધતી ગઈ કારણકે મીરાના માતા-પિતાનું અવસાન થયું હતું અને તેના એક માત્ર ભાઈ સંતલાલે સન્યાસ લઈ લીધો હતો. નાની ઉંમરમાં જ સાધુ થયેલા ભાઈનું પણ અવસાન થયું હતું.
દરેક બહેનને ઈચ્છા હોય કે એમના સંતાનના લગ્નપ્રસંગે પિયરીયામાંથી ભાઈ ખાસ હાજર રહે. મીરાનો ભાઈ તો ભગવાન પાસે પહોંચી ગયો હતો આમ છતાં મીરા દીકરીઓના લગ્નનું નિમંત્રણ આપવા પિયરના ગામમાં ગઈ અને ભાઈની સમાધિ પર જઈને નિમંત્રણ કાર્ડ મૂક્યું. જાણે કે ભાઈ જીવિત હોય એમ મામેરું લઈને વહેલા વહેલા આવવા માટે સમાધિને વિનંતી કરી.
ગામલોકોને આ વાતની જાણ થઈ એટલે ગામના તમામ લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે મીરા આપણા ગામની દીકરી છે એટલે એના પિતા કે ભાઈની ગેરહાજરીથી મીરાનો પ્રસંગ અઘુરો ન રહે એ આપણે બધાએ જોવાનું છે. આપણે બધા એના ભાઈઓ જ છીએ. આખા ગામે સાથે મળીને મીરાને મામેરું કરવાનું નક્કી કર્યું. લગ્નના આગલા દિવસે મામેરાની વિધિ વખતે નેઠરાણા ગામમાં જેટલા વાહનો હતા તે બધા વાહનો લઈને ૭૦૦ જેટલા લોકો રાજસ્થાન અને હરિયાણાની બોર્ડર પર આવેલા મીરાના સાસરિયામાં પહોંચ્યા.
વિશ્વમાં કદાચ પહેલી વખત મામેરું લઈને આટલી મોટી સંખ્યામાં મામેરિયાઓ આવ્યા હશે. મીરા અને એની બંને દીકરીઓની આંખમાંથી હર્ષના આંસુ સતત વહી રહ્યા હતા. તમામ મામેરીયાઓને તિલક કરીને એનું સ્વાગત કરવામાં અને મામેરા વધાવવામાં મીરાને ૫ કલાકનો સમય લાગ્યો. ગામલોકોએ પોતાની યથાશક્તિ ૧૦ લાખ જેવી માતબાર રકમનું મામેરું કર્યું અને મીરા તથા એની દીકરીઓ માટે કપડાં સહિતની અનેક ભેટો પણ લાવ્યા.
નરસિંહ મહેતાની દીકરી કુવરબાઈનું મામેરું ભરવા ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા હતા એ વાત વાંચી અને સાંભળી હતી પણ દુનિયાએ આજે જોયું કે એક અનાથ દીકરીનું મામેરું ભરવા આખું ગામ આવ્યું.
મિત્રો, ગામડામાં શિક્ષણ ઓછું હશે, સુવિધાઓ ઓછી હશે, સંપતિ પણ ઓછી હશે પરંતુ હજુય પ્રેમ અને લાગણી અકબંધ હોય એવું અનુભવાય. મીરા કઈ જ્ઞાતિની છે એ જોયા વગર જ ગામની તમામ જ્ઞાતિઓએ સાથે મળીને ગામની દીકરીનો પ્રસંગ શોભાવ્યાની આ ઘટના આપણને ભણેલા લોકોને ઘણું ઘણું શીખવી જાય છે.