ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું ૧૦૬ વર્ષની ઉંમરે અવસાન

શ્યામ શરણ નેગીએ 2022ની વિધાનસભા ચૂંટણી માટે 2 નવેમ્બરે જ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું. જે તેમના જીવનનું 34મી વખતનું મતદાન હતું.

હિમાચલ : ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું ૧૦૬ વર્ષની ઉંમરે અવસાન થયું તેમના મૃતદેહને તિરંગામાં લપેટીને શોંગથોંગમાં સતલજના કિનારે આવેલા સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોમગાર્ડ બેન્ડ વગાડીને રાજ્યકક્ષાના સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કિન્નોર પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. નેગીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના રહેવાસી 106 વર્ષીય શ્યામ સરન નેગીએ શુક્રવારે બપોરે લગભગ 2 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. આઝાદી પછી, જ્યારે ભારતમાં 1951-52માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે શ્યામ સરન નેગીએ તેમાં મતદાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને નેગીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શ્યામ સરન નેગીની પ્રશંસા કરી અને તેમને દેશના લોકતંત્રને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ કડી ગણાવ્યા. તેમણે લખ્યું કે નેગીનો મત આપવાનો ઉત્સાહ આપણા યુવા મતદારોને પ્રોત્સાહિત કરે છે.