અંજના ગોસ્વામી એટલે..ભાવનગરના પ્રસિદ્ધ ક્વયિત્રી, ફેશન ડિઝાઇનર, વકીલ, ગીતકાર

\"\"

ગુજરાત : ભરૂચ જિલ્લાના કરગટ ગામમાં મનહરગીરી અને શારદાબેન બે દીકરા અને એક દીકરી સાથે હસતા રમતા જીવન પસાર કરે. મનહર ગિરિ બેંકમાં નોકરી કરતા. દીકરીએ છાણા થાપવા, બળતણ માટે લાકડા વીણવા જવાનું હોય કે પછી કૂવા પર પાણી ભરવા જવાનું હોય દરેક કામ કર્યા છે અને સાથે સાથે ગરબા રમવા, નૃત્ય કરવું ગમતું અને વિશેષ ગાવાનો શોખ જેને કારણે પહેલા ધોરણથી શાળામાં પ્રાર્થના માટે પહેલી પસંદ હતી. લાડકોડમાં ઉછરેલી એ દીકરી એટલે ભાવનગરના પ્રસિદ્ધ ક્વયિત્રી અંજના ગોસ્વામી જેમનું ઉપનામ છે અંજુમ આનંદ.
અંજના ગોસ્વામી એટલે એક સરળ, સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાના ધ્યેય સાથે શરૂઆત કરનારા અને અચૂક અઢળક સફળતા પ્રાપ્ત કરે છે. અંજનાએ શરૂઆતી ભણતર પછી શિક્ષિકાની નોકરી શરૂ કરી અને તે અરસામાં એલ.એલ.બી.ના અભ્યાસ માટે એડમિશન લીધું. સવારના ૬ વાગે કૉલેજ જવાનું ત્યાંથી બપોરના સમયે શાળામાં અને સાંજે ૭.૦૦ વાગે ઘરે પહોંચવાનું. થોડા મહિના પછી અંજનાએ જે શાળામાં અભ્યાસ કર્યો હતો એ શાળામાં કમ્પ્યુટર શિક્ષિકા તરીકે નોકરી મળી અને જે શિક્ષક ભણાવતા એમની સાથે સ્ટાફ રૂમમાં બેસવાનો આનંદ પણ હતો અને અનુભવ પણ રોમાંચક રહ્યો.
એલ.એલ.બી. ના પ્રથમ વર્ષનું પરિણામ આવે તે પહેલાં અંજનાને બેંકમાં કાયમી નોકરી મળી ગઈ. ત્યારે તેમના પિતાએ કહ્યું બેંકની સારી નોકરી મળી છે હવે આગળ ભણવાની જરૂર નથી હકીકતે એમને એ ચિંતા હતી કે અંજના બેંકની નોકરીની સાથે એલ.એલ બી.નું ત્રણ વરસનું ભણવાનું કેવી રીતે પૂરું કરશે. પરંતુ અંજનાની જીદ સામે તેમણે નમતું મૂક્યું અને અંજનાએ નોકરીની સાથે ભણવાનું શરુ કર્યું જે બહુ કઠિન હતું આખો દિવસ એક જવાબદારી વાળી નોકરી ત્યારબાદ ભણવાનું પણ આ સમયમાં ઘર પરિવાર સહિત બેંકના મેનેજર અને સહયોગીઓ સાથ આપ્યો અને અંજનાએ વકીલાતની ડિગ્રી મેળવી. અંજનાના લગ્ન નક્કી થયા આનંદ ગોસ્વામી સાથે જે વ્યવસાયે ડોકટર હતા. લગ્ન પછી શરૂઆતમાં સુરત ત્યાર પછી 2007 માં તેઓ બેંકમાં રાજીનામું આપી ભાવનગરમાં સ્થાયી થયા. ત્યાર બાદ અંજનાંએ એક દીકરીને જન્મ આપ્યો જેનું નામ મહેક રાખવામાં આવ્યું. આ દરમિયાન અંજનાને ગાવાનો શોખ હોવાથી તેઓ એક સિંગર તરીકે પણ પ્રસ્થાપિત થયા. અને કાર્યક્રમો આપવા લાગ્યા.થોડા વર્ષ પછી જે બેંકમાં નોકરી હતી એ બેંકની એક શાખા ભાવનગરમાં શરૂ થઈ અને અંજના ને તેમાં ફરી નોકરી મળી ગઈ
બે વર્ષ નું ઘરમાં નાનકડું સંતાન અને આખો દિવસ નોકરી ખરેખર પડકારજનક કહેવાય પણ એ પડકાર અંજનાએ હસતા મોઢે સ્વીકારી લીધી કારણ કે મજબૂત મનોબળ અને પતિ આનંદ અને માતા – પિતા સમાન સાસુ સસરાનો અમૂલ્ય સહયોગ હતો.. અંજના એ 2013 માં ફરી બેંકમાં રાજીનામું આપ્યું અને એક ફેશન ડિઝાઈનર તરીકે કારકિર્દી બનાવવા \”અંજુમ ફેશન ડિઝાઈનર\” નામ થી પોતાનું બુટિક ખોલ્યું તે દરમિયાન તેમને બેસ્ટ કલેક્શનનો એવોર્ડ પણ મેળવ્યો. 2015માં તેઓ એ દીકરાને જન્મ આપ્યો. ઘરની જવાબદારી અને બન્ને બાળકોની ઉછેરની જવાબદારીના કારણે તેઓએ બુટિક બંધ કરી ઘરેથી કામ શરુ રાખવાનો નિર્ણય કર્યો.
આમ ભરૂચના નાનકડા ગામ કરગટ થી ભાવનગર સુધીની સફરમાં સતત સફળતા મેળવનાર અંજના ગોસ્વામી ને કોલેજના સમયથી લખવાનો શોખ હતો. છંદ વગર તેઓ પોતાની ઊર્મિઓને વાચા આપતા. પણ જવાબદારીઓ વચ્ચે એ શોખ ભુલાવા લાગ્યો પણ ૨૦૧૮માં સુરતના ખ્યાતનામ કવિ કિરણસિંહ ચૌહાણે વોટ્સએપના માધ્યમથી છંદનું પ્રાથમિક જ્ઞાન આપી ગીત અને ગઝલ લખતા શીખવાડ્યું. અંજના ગોસ્વામીને સાહિત્યના ક્ષેત્રમાં આવ્યાને થોડો સમય થયો હતો ત્યારે અમેરિકાની એક કંપનીને ત્રણ ગીત પસંદ આવતા તેનું ફિલ્માંકન કરી રજૂ કર્યા.

અત્યાર સુધીમાં અંજના ગોસ્વામીના ૧) યાદ આવી ગઈ નવલી નવરાત્રિ, ૨) વહાલનો દરિયો, ૩) શબ્દનાં ફૂલ, ૪) ઓ રાણી, ૫) યાદ, ૬) તું છબી જો તારી તાજી મોકલે, ૭) યાદ કર, ૮) ઇન્ડિયા કર દિખાયેગા અને ૯) યાદ તારી ૧૦) શ્રી વલ્લીનું ગુજરાતી વર્જન જે ખૂબ વાયરલ થયુ ૧૧) યારી આ તારી મારી.. મ્યુઝિક આલ્બમ રજૂ થયા છે.

અંજના ગોસ્વામીએ ભાવનગરના રેડિયો સ્ટેશન તેમજ આકાશવાણી રાજ્કોટ અમદાવાદ કેન્દ્ર સહિત અનેક નામાંકિત ચેનલો પરથી કાવ્ય પઠન કર્યું છે. અનેક જાણીતા સામયિકોમાં કવિતાઓ અને રચના વારંવાર પ્રકાશિત થાય છે ભાવનગરની શિશુવિહાર બુધસભા સંસ્થા સન્માન કરવામાં આવ્યું છે.
લજ્જા ફાઉન્ડેશન દ્વારા Sheroes.. Lajja ICONIC AWARDS 2021.મળ્યો છે. ભાવનગરની વિવિધા ગ્રૂપ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું છે.
નિજાનંદ પરિવાર તરફથી 2022માં સન્માન કરવામાં આવ્યું. મોરારી બાપુનાં શુભાશિષથી ચાલતી સંગીતની દુનિયા ચેનલમાં અંજનાની રચના સ્થાન પામી છે. મોરારી બાપુ માટે લખેલ ગઝલ માટે ગુજરાત દેવ ભૂમિ દ્વારકાંની સરકાર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ -ભાટીયા તરફથી વિશિષ્ટ સન્માન\’ કરવામાં આવ્યું હતું. અનેક માન સન્માન અને એવોર્ડ મેળવ્યા છે પરંતુ એમને સહુથી વધુ આનંદ થયો જ્યારે પ્રસિદ્ધ ગુજરાતી ગઝલ ગાયક મનહર ઉધાસે તેમના એક આલબમમાં અંજના ગોસ્વામીની એક રચના પસંદ કરી આટલા વરસોમાં પ્રથમવાર એવું બન્યું છે કે કોઈ મહિલાની રચનાને આલબમમાં લેવામાં આવી હોય.
અંજના ગોસ્વામી માટે ૨૦૨૧ની સાલ યાદગાર બની રહી કારણ કે એ વર્ષે તેમનો પહેલો ગઝલ સંગ્રહ \”યાદ કર\” પ્રસિદ્ધ થયો. \”યાદ કર\”ને અદભુત સફળતા મળી લોકોએ વિશેષ મોટા મોટા કવિઓએ નોંધ લીધી.
અંજના ગોસ્વામી પારિવારિક કે સામાજિક ફરજ ક્યારેય ચૂકતા નથી તેમના પતિ આનંદ ગોસ્વામી જે ડોકટર છે એમનો સમય સાચવવો, દીકરી મહેક અને દીકરા ક્રીશિવનો ઉછેર, સામાજિક ક્ષેત્રે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહેવું અને એ સાથે ગણપતિ બાપામાં અથાગ શ્રદ્ધા ધરાવતા ગણેશોત્સવમાં સ્વયંના હાથેથી બાપાની માટીની મૂર્તિ બનાવે છે.
અંજના ગોસ્વામી સખીઓને કહે છે મારા જીવનના અનુભવોના આધારે બસ ખાલી એંટલુ જ કહેવું છે કે જીવનમાં હાર કદી નહિ માનવાની. જે કંઈ પણ આપણા જીવનમાં થાય છે એ હમેશા આપણા સારા માટે જ થતું હોય છે. જો તમે મન મક્કમ રાખી જતું કરવાની ભાવના કેળવો તો તમે જીવન માં ઘણું બધું પામી શકો એમ છો. જે વસ્તુ વ્યક્તિ કે વાત તમને દુ:ખી કરે કે તકલીફ આપે એને ભૂલતા શીખો.. અને જે વસ્તુ વ્યક્તિ કે કોઈની વાત તમને સુખ આપે તો એને અપનાવતા યાદ રાખતા શીખો. કારણ કે એક નકારાત્મક વિચાર આવનારા સો સુખોથી આપણને વંચિત કરી નાંખે છે અને એક હકારાત્મક વિચાર આપણને સો દુ:ખો સામે લડવાની હિંમત આપે છે. હમેશાં હસતા રહો અને જીવનની દરેક ક્ષણો ને માણતા શીખો.