રંગીલા રાજકોટમાં પોલીસનો ખૌફ દિન-પ્રતિદિન ઓસરી રહ્યો છે ?

રંગીલા રાજકોટમાં પોલીસનો ખૌફ દિન-પ્રતિદિન ઓસરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

રાજકોટ : શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સપ્તાહ પૂર્વે જાહેર રસ્તા પર રોડ બંધ કરી કેક કટિંગ કરતા શખ્સોએ પોલીસ સાથે ઝપાઝપી કરી તે ગુનામાં મુખ્ય આરોપીઓ આજ સુધી પોલીસને હાથ નથી લાગ્યા ત્યાં વધુ કેટલાક અવાર તત્વો એ પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ રવિવારે રાત્રીના માલવિયાનગર પોલીસના જ કાર્યક્ષેત્ર હેઠળ આવતા આનંદ બંગલા ચોક નજીક સામાન્ય રસ્તા પર જતા લોકોની ગાડીઓના કાચ ફોડ્યા હતા. જો કે આ ઘટનાનો વીડિયો વાઇરલ થતા પોલીસે 3 શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ભોગ બનનાર નંદીશ કવૈયાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે રાત્રીના પસાર થઈ રહ્યા હતા. એ સમયે આનંદ બંગલા ચોક નજીક 3 શખ્સો અંદરો અંદર ઝઘડી રહ્યા હતા. અને અમારી ગાડી ત્યાંથી પસાર થતા તેના પર લાકડી વડે હુમલો કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. હું મારા પરિવાર સાથે બેઠો હતો. મારી બેબી પણ મારી સાથે હતી. એ પણ ડરી ગઈ. આમાં અમારો કોઈ વાંક નથી. અમે નીકળી ગયા તેઈ થોડી વાર બાદ પોલીસ ત્યાં આવી હતી અને એ ત્રણ શખ્સોને લઇ ગઈ હતી. આ અંગે ફરીયાદી નંદિશ નટવરલાલ કવૈયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાની કાર લઇને જતા હતા ત્યારે 4થી 5 અજાણ્યા ઇસમો જાહેરમાં એક્સેસ રોડની વચ્ચે ઉભુ રાખી મારામારી કરતા હોય ત્યારે નંદિશભાઇએ પોતાની કારનુ હોર્ન વગાડતાં આવારા તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને નંદિશભાઇની કારના આગળના કાચમાં અને પાછળના કાચમાં ધોકો મારી કાચ તોડી નાખ્યા હતા.આ મામલે માલવીયાનગર પોલીસે આઇ.પી.સી કલમ-160, 427, 114 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબનો ગુન્હો દાખલ કરી તથા સી.સી.ટી.વી ફુટેજ આધારે આરોપીઓની ઓળખ મેળવીને ગણતરીની કલાકમાં ત્રણેય આરોપી આકાશ લોધા, ધવલ લોધા અને ભાવિન દેવડાની ધરપકડ કરી હતી.નોંધનીય છે કે એક સપ્તાહ પૂર્વે માલવિયાનગર પોલીસના જ કાર્યક્ષેત્રમાં આવતા સ્વામિનારાયણ ચોક પાસે દીકરાનો જન્મદિવસ ઊજવવા પરિવાર અને તેના મિત્રોએ રસ્તા વચ્ચે 5 કાર ઊભી રાખી રોડ બ્લોક કર્યો હતો. આથી માલવિયાનગર પોલીસની ટીમ પહોંચી હતી અને બે મહિલા સહિત 9 શખસને ટ્રાફિકને અડચણરૂપ ન થવાનું કહેતા તમામ ઉશ્કેરાયા હતા. બાદમાં પોલીસ સાથે ઝપાઝપી કરી ઘર્ષણ કર્યું હતું. જેમાં 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે 5 આરોપીની હજુ શોધખોળ ચાલુ છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓમાં આવારા તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ ના રહ્યો હોય તેમ તેઓ દિવસે ને દિવસે ગુનાખોરી તરફ વળી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ

\"\"
જાહેરાત