રાજકોટમાં આઠ વર્ષની બાળકીનો સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ હત્યા

પોલીસ તપાસમાં બહાર આવેલી સ્ફોટક વિગતો
રાજકોટમાં ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે અવાવરૂ જગ્યાએથી આઠ વર્ષની બાળકીની માથુ છુંદી ઘાતકી હત્યા કરાયેલી નિવસ્ત્ર હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી.
અપહત બાળકીની લાશ મળતાં ગુનાનો ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કરી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી ત્રણેય આરોપીએ પોતાના મિત્રની જ આઠ વર્ષની પુત્રી ઉપર સામુહિક દુષ્કર્મ આચરી પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હોવાની કબુલાત આપી હતી. પોલીસે ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની આઠ વર્ષની બાળકી ગત તા.6નાં રોજ ગુમ થયાની ફરિયાદ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવી હતી. અપહત બાળકીની ભાળ મેળવવા પોલીસ શોધખોળ કરી રહી તે દરમિયાન સાંજના ચારેક વાગ્યાના અરસામાં ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે આવેલી અવાવરૂ જગ્યામાંથી બાળકીની માથુ છુંદેલી હાલતમાં નિવસ્ત્ર લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ માલવીયાનગર ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી, સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને અપહરણની ફરિયાદ નોંધાવનાર બાળકીના પિતાને ઘટના સ્થળે બોલાવતાં પિતાએ લાશ પોાતની પુત્રીની હોવાનું જણાવ્યું હતું.
નિવસ્ત્ર હાલતમાં બાળકીની લાશ મળતાં બાળકી સાથે દુષ્કર્મ થયાની ચર્ચાએ જોર પકડયું હતું. જેને પગલે પોલીસે મેડીકલ રિપોર્ટ માટે સેમ્પલ લઈ એફએસએલમાં મોકલ્યા હતાં અને પોલીસે મૃતક બાળકીના રહેણાંક વિસ્તાર અને ઘટના સ્થળ નજીકનાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી હતી. જે તપાસમાં મૃતક બાળકીના પિતાનો મિત્ર મિતલેશકુમાર ઉર્ફે કાણીયો રામનારાયણ દાસ નામનો બિહારી શખ્સ બાળકીની આંગળી પકડીને લઈ જતો હોવાનું સામે આવતાં પોલીસે મિતલેશ ઉર્ફે કાણીયો રામનારાયણ દાસની વિરમગામથી ધરપકડ કરી હતી અને વિતલેશકુમાર ઉર્ફે કાણીયો બાળકીને લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન જ મિતલેશ કુમાર ઉર્ફે કાણીયોના બે મિત્રો ભરત કેશુભાઈ મિણા (રહે.હાલ લક્ષ્મીનારાયણ મુળ રાજસ્થાન) અને અમરેશ ઉર્ફે બ્રીજેશ શંભુભાઈ કુલદીપ (રહે.હાલ લોહાનગર મફતીયાપરા મુળ યુપી) પણ સીસીટીવી ફુટેજમાં નજરે પડયા હતાં. પોલીસે ઝડપાયેલા મિતલેશકુમાર ઉર્ફે કાણીયોની આકરી પુછપરછ કરતાં મિતલેશ કુમાર અને ભરત મિણા એક જ કારખાનામાં કામ કરે છે. અને નજીકમાં જ રહેતા મિત્રની પુત્રી ઉપર નજર બગડતાં બદદાનતના ઈરાદે બન્ને શખ્સોએ મિત્ર અમરેશ ઉર્ફે બ્રીજેશ સાથે મળી સામુહિક દુષ્કર્મનો પ્લાન બનાવ્યો હતો અને ભરત મિણા અને અમરેશ ઉર્ફે બ્રીજેશ અગાઉથી જ અવાવરૂ જગ્યાએ પહોંચી ગયા હતા અને બાદમાં મિતલેશ કુમાર ઉર્ફે કાણીયો આઠ વર્ષની બાળકીને લલચાવી ફોસલાવી અવાવરૂ સ્થળે લઈ ગયો હતો અને ત્યાં ત્રણેય આરોપીએ પોતાનો ઈરાદો પાર પાડવા આઠ વર્ષની બાળકી ઉપર સામુહિક દુષ્કર્મ આચર્યુ હતું અને બાળકી ત્રણેય શખ્સોને ઓળખથી હોવાથી તેના પિતાને ઘટનાની જાણ થશે તેવી દહેશતે ત્રણેય આરોપીએ બાળકીને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબુલાત આપી હતી. પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
અહેવાલ ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ