રાજકોટમાં નશાકારક કફ સિરપનું બેફામ વેચાણ, 23 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

રાજકોટ શહેરમાં યુવાધનને બરબાદ કરવાનું વ્યવસ્થીત ષડયંત્ર ચાલી રહ્યું છે. દારૂના ધંધાર્થીઓની સાથે ડ્રગ માફીયાઓ પણ બેફામ બની ગયા છે ત્યારે બીજી બાજુ દવાના નામે નશાકારક કફ સિરપનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. જેમાં એસઓજીને મળેલી ચોકકસ બાતમીના આધારે રૈયા રોડ અમૃત પાર્કમાં છાપો મારી એક શખ્સની કફ સિરપની 13,338 બોટલો સાથે ધરપકડ કરી એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અંગેની મળતી વિગત મુજબ રાજકોટમાં યુવાધનને બરબાદ કરવા કફ સિરપના નામે નશાકારક બોટલોનું છાને ખુણે ધુમ વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે એસઓજી પીઆઈ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે રૈયા રોડ અમૃત પાર્ક શેરી નં.7માં આવેલ મકાનમાં છાપો માર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી કોઈપણ જાતના પાસ પરમીટ કે આધાર વગર રૂા.23,07,900ની કિંમતની 13,338 બોટલ કફ સિરપની મળી આવતાં શીતલ પાર્ક-5માં રહેતા મીતેષપરી રાજેશપરી ગોસાઈની ધરપકડ કરી મોબાઈલ ફોન સાથે 23,12,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ડો પાર્થરાજ સિંહ ગોહિલ (ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ)એ જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલ કફ સિરપની બોટલોનું એફએસએલ અધિકારી તેજલ મહેતાએ પૃથ્થકરણ કરતાં કફ સિરપની બોટલમાંથી નાર્કોર્ટીકસના ઘટકો મળી આવ્યા હતાં. જેનો નશા તરીકે ઉપયોગ થતો હોવાનું જણાવ્યું હતું.
એસઓજીએ નાર્કોર્ટીકસ એકટ હેઠળ ગુનો નોંધી આરોપી મીતેષપરી રાજેશપરી ગોસાઈની ધરપકડ કરી હતી. આગવી ઢબે પુછપરછ કરતાં નશાકારક કફસિરપનો જથ્થો આદીપુર રહેતા બનેવી સમીર ગોસ્વામીએ ટ્રાન્સપોર્ટ મારફત વેચાણ અર્થે મોકલ્યો હોવાનું ખુલતા પોલીસની એક ટીમ આદીપુર જવા રવાના થઈ ગઈ છે.
અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ