રાજકોટમાં મહિલા સાથે છેતરપિંડી કરનાર તાંત્રિકની ધરપકડ

રાજકોટ : \”બધુ સારું થઈ જશે, બધુ સારું થઈ જશે\” કહીને તાંત્રિકે 2 લાખથી વધુની રકમ મહિલા પાસેથી પડાવી, મહિલાએ બાબાની વાતમાં આવી સોનાના દાગીના પણ ગીરવે મૂક્યા
રાજકોટમાં વધુ એક વખત અંધશ્રદ્ધાનો ભોગ બની લાખોની છેતરપિંડી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કોઠારીયા રોડ પર મહાત્મા સોસાયટીમાં રહેતી મહિલાને તમારી બધી સમસ્યાનો હલ થઈ જશે કહીને લાખો રૂપિયાની ઠગાઇ તાંત્રિક દ્વારા કરવામાં આવી છે. સમગ્ર બનાવને લઈને મહિલાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજસ્થાનથી તાંત્રિકને ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બનાવની વિગત અનુસાર, રાજકોટમાં કોઠારીયા રોડ પર મહાત્મા સોસાયટીમાં રહેતા ભાવનાબેન વાઘેલાએ ફરીયાદ નોંધાવી. જેમાં તેમણે જણાવ્યું કે, અગાઉ અકસ્માત થયો ત્યારે તેમણે માથાના ભાગે ઇજા પહોંચી ત્યારથી માથાનો દુખાવો થઈ રહ્યો હતો. સમસ્યાના નિરાકરણ માટે અનેક ઉપાયો અજમાવ્યા પરંતુ પરિણામ શૂન્ય આવતા એક દિવસ ટેલિવિઝન પર તાંત્રીક જયોતિષની જાહેરાત જોઈ અને તેમાં ફોન કોલ કરી વાતચીત કરી હતી. આ તાંત્રિકનું નામ ઈશ્વર રાધા વલ્લભ જ્યોતિષ હતું. મહિલાએ તેની બીમારી વિશે વાત કરી અને તાંત્રિકે બધી સમસ્યાનો હલ થઈ જશે કહીને પહેલા વિધીના નામે પહેલા રૂ.૨૫૦૧ પડાવ્યા. ત્યારબાદ અલગ અલગ વિધિના નામે તાંત્રિકે મહિલા પાસેથી થોડા થોડા કરીને રૂ.૨.૭૩ લાખની રોકડ પડાવી હતી. તાંત્રિકને પૈસા આપવા માટે સોનાના દાગીના પણ ગીરવે મૂક્યા હતા. બાદમાં મહિલાએ તાંત્રિક બાબા ઈશ્વર જોષીને ફોન કરીને કહ્યું હતું કે, તમને આટલા બધા રૂપીયા આપ્યા છતાં માનસીક બેચેનીમાં કે ધંધામાં કોઈ ફેરફાર તો થયો નથી ત્યારે તાંત્રિકે ફરી, છેલ્લી વિધી કરવાની બાકી છે, વિધીના ૩૫ હજાર મોકલી દયો તમારું બધુ કામ પુરું થઈ જશે તેવું કહ્યું હતું. અંતે મહિલાની આંખ ઊઘડી અને બાદમાં તેમણે ભક્તિ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.પોલીસે ગુનો નોંધી રાજસ્થાનના પાલી શહેરમાંથી ઈશ્વર રાધા વલ્લભ જ્યોતિષની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ