રાજકોટમાં હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભયાત્રા

રાજકોટ : દેશભરમાં ચૈત્ર સુદ પૂર્ણિમા અંતર્ગત હનુમાનજીના જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.રાજકોટ શહેરનાં રામનાથપરા ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી છે. જોકે રામનવમીના દિવસે વડોદરામાં બનેલી ઘટનાને પગલે રાજકોટ પોલીસ ખૂબ સતર્ક જોવા મળી હતી. સઘન બંદોબસ્ત સાથે શોભાયાત્રાનાં રૂટ પર ડ્રોન કેમેરાની મદદથી સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હનુમાનજીની આ શોભાયાત્રામાં \’જય શ્રીરામ\’ના નારા ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું હતું. રાજકોટ શહેરમાં હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે રામનાથપરા ખાતેથી ચાર કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં તાજેતરમાં વડોદરામાં બનેલ અઘટીત ઘટનાને લઈ રાજકોટમાં શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વહેલી સવારથી શોભાયાત્રાના રૂટ ઉપર સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતના અધિકારીઓ તેમજ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આ સાથે શોભાયાત્રાના સમગ્ર રૂટ ઉપર ડ્રોન કેમેરા તેમજ સીસીટીવીની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડોદરા તેમજ ઉનામાં બનેલી ઘટના બાદ સ્ટેટ આઈબી દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટના આધાર પર તમામ શોભાયાત્રામાં તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા આદેશો કરવામાં આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખી પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો હતો. બીજી તરફ આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને ઠેર-ઠેર પુષ્પવર્ષા કરી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ શોભાયાત્રામાં અનેક મુસ્લિમ બિરાદરો જોડાતા કોમી એખલાસનું વાતાવરણ પણ જોવા મળ્યું હતું.
અહેવાલ ભરત ભરડવા / રોબિન ભોજાણી – રાજકોટ