રાજકોટ શહેરનાં એરપોર્ટ ખાતે સુરક્ષામાં મોટી ચૂંક

ગુજરાત: રાજકોટ શહેરનાં એરપોર્ટ ખાતે સુરક્ષામાં મોટી ચૂંક થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં એક વ્યક્તિ વીઆઇપી ગેટ તોડી રીક્ષા સાથે રનવે સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ફરજ પર હાજર CISF જવાનો દોડી ગયા હતા અને આ અજાણ્યા રિક્ષાચાલકને તરત ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ CISF દ્વારા તેનો કબ્જો સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ફ્લાઈટ એકાદ કલાક મોડી થઈ હતી.જાણવા મળતી વિગત મુજબ આજે બપોરે ચાર વાગ્યા આસપાસ ઈન્ડિગોની બેંગ્લોર જતી ફ્લાઈટ ઉડાન ભરવાની તૈયારીમાં હતી. બરાબર આ સમયે નશામાં ધૂત એક રીક્ષા ચાલક કોઈ કંઈપણ સમજે તે પહેલાં જ વીઆઇપી ગેટ તોડીને રીક્ષા સાથે રનવે નજીક એપ્રન સુધી પહોંચી ગયો હતો. જોકે આ ઘટનાને લઇ ફરજ પર તૈનાત CISFના જવાનો તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને આ શખ્સને રીક્ષા સાથે ઝડપી લીધો હતો બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ પણ દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં ઝાડપાયેલો શખ્સ દારૂના નશામાં ધૂત હોવાનું જાણવા મળતા CISF દ્વારા તેનો કબજો ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવ્યો હતો. સાથે જ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને ઉતારી સુરક્ષા માટે બધાનો સામાન સહિતની વસ્તુઓની ફેર ચકાસણી કરવામાં આવી હતી. આ કારણે ફ્લાઈટ તેના નિયત સમય કરતાં એકાદ કલાક મોડી થઈ હતી. રીક્ષા સાથે જ એક વ્યક્તિ વીઆઈપી ગેટથી છેક રનવે સુધી પહોંચી જતા સુરક્ષામાં ગંભીર બેદરકારીના આરોપો પણ લગાવાઈ રહ્યા છે. જોકે આ શખ્સ કોણ છે અને તેણે શા માટે આ હરકત કરી છે તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે

અહેવાલ ભરત ભરડવા / રોહિત ભોજાણી
રાજકોટ