રોજગારવાંચ્છુ યુવાઓ ૬૩૫૭-૩૯૦૩૯૦ ડાયલ કરીને જિલ્લાની અભ્યાસલક્ષી-રોજગારલક્ષી તથા સરકારી યોજનાઓની માહિતી મેળવી શકશે:મુખ્યમંત્રી
જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર.12 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જ્યંતિ ‘રાષ્ટ્રીય યુવા દિવસે’ રાજ્યના રોજગાર વાંચ્છુ યુવાઓ માટે રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો પ્રારંભ કરાવ્યો હતો. દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો એક કોલ નંબર ૬૩૫૭-૩૯૦૩૯૦ ડાયલ કરીને રાજ્યના કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે.
રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્યમંત્રીએ ઓનલાઇન ભરતી મેળા પખવાડીયું (૧ર જાન્યુઆરીથી રપ જાન્યુઆરી)નો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘હર હાથ કો કામ હર ખેતકો પાની’નું સૂત્ર સાકાર કરીને દરેક વ્યક્તિને યોગ્ય કામ મળે અને તેના થકી જી.ડી.પી. વધે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ‘‘અમારે મન યુવા એ ન્યૂ એઇજડ વોટર નહીં, પરંતુ ન્યૂ એઇજડ પાવર છે’’. યુવાઓની શક્તિ પર નવા ભારતનું નિર્માણ કરવું છે. આ તકે મુખ્યમંત્રીએ એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું.
આ પ્રસંગે ઓનલાઈન કાર્યક્રમમાં ભાવનગર ખાતેથી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર, મદદનીશ રોજગાર નિયામક એસ.પી.ગોહિલ,ભાવનગરના 15 વધુ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા