વલારડીમા વઘાસીયા પરિવાર આયોજીત ધ્વજારોહણ પર્વે પર્યાવરણ અને પ્રકૃતીનાં જતન સંવર્ધન માટે ધરતીપુત્રો સંકલ્પબધ્ધ

વલારડીમા વઘાસીયા પરિવાર આયોજીત ધ્વજારોહણ પર્વે પર્યાવરણ અને પ્રકૃતીનાં જતન સંવર્ધન માટે ધરતીપુત્રો સંકલ્પબધ્ધ

સાડાપાંચ વર્ષનાં ટાબરીયા કર્મ વઘાસિયાએ પોતાની બચત બોક્ષની રકમ ૧૧૧૧૧/ વલારડી દિવ્યાધામ ખાતે થનાર સત્કાર્ય માટે ભેટ ધરી

ધ્વજારોહણ પર્વમાં ભાવિકો ભાવવિભોર : શ્રી વેરાઇ માતાના દિવ્યધામ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી નેજાનું નિરૂપણ સાથે ટ્રસ્ટ એક્ટ અંતર્ગત નવી કાર્યકારીણીએ વિકાસની પથરેખાને નિર્ધારીત કરી

જીતેન્દ્ર દવે દ્વારા
રાજકોટ તા. ૧૫ :
દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા બાબરા તાલુકામાં આવેલું એક નાનકડું ગામ વલારડી આવેલુ છે. વલારડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ નાનકડુ ગામ આજે દેશ અને દુનિયાને પ્રેરક સંદેશો પહોંચતો કરવામાં અગ્રીમ સ્થાને રહ્યુ છે. કેમ કે ગામનાં સીમ વિસ્તારમાં સમસ્ત વઘાસિયા પરિવારનાં સુરાપુરા પાતાદાદાની રણખાંભી દર્શનીય અને પુજનીય બનીને લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહી છે. પાતાદાદાની નિશ્રામાં કરેલી મનોકામનાં અચુક સફળ રહ્યાની દાર્શનિક વાતો અનેક લોકો માટે શ્રધ્ધાબળમાં વધારો કરી રહી છે. અહીં સમસ્ત વઘાસિયા પરિવાર દ્વારા આજે દિવ્યજ્યોતની સાક્ષીએ અને ધર્માનુરાગીઓની પ્રેરક ઉપસ્થીતિમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. સાંપ્રત કોરોનાં સંક્રમણને ખાળવા સરકારશ્રીની માર્ગદર્શીકાને અનુસરીને રાજ્યનાં ૫૯૫ ગામડાઓમાંથી મળેલી શુભકામનાઓ અને સ્વયંસેવકોની ઉપસ્થિતીમાં ઉજવણી કરવામાં આવી હતી.
\"\"અત્રે ઉલ્લેખનિય છે કે દિવ્યધામ વલારડીનાં આસ્થાકેન્દ્ર ઉપરાંત સુરત અને ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં વઘાસિયા પરિવારજનો પ્રકૃતિ સંવર્ધન અને પર્યાવરણનું સંરક્ષણ કરવા સંકલ્પબધ્ધ બનીને કાર્યરત રહ્યા છે. સાથે સાથે સંત ભોજલરામ બાપાનાં સિધ્ધાંતોને આત્મસાત કરીને કુરીવાજોને તિલાંજલી આપી વસુદૈવકુટુંબક્કમની ઉદાત ભાવનાને ચરિતાર્થ કરવા અનેકતામાં એકતાનું ઉદાહરણ ખડુ કર્યુ હતુ. આપણી સંસ્કૃતિ અને આપણી અસ્મિતાનાં મુળબીજ આપણી પૌરાણીક રીતીનિતીઓ અનુસરીને થતા રહ્યા છે. ત્યારે દિવ્યધામ વલારડી ખાતે રાજુભાઇ વઘાસિયાનાં નેતૃત્વમાં નવી કારોબારી ટ્રસ્ટ એક્ટ મુજબ નોંધણી કરીને દિવ્યજ્યોતમંદિર ધ્વજાનાં નેજાતળે સર્વાંગી વિકાસની પથરેખા પર પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ભાવીકો દ્વારા દાનની સરવાણી સાથે આવનાર દિવસોમાં શિખરબધ્ધ નુતન મંદિરનું નિર્માણ થાય તે દિશામાં દિવ્યાધામ કમિટીને આર્થિક બળ પુરૂ પાડવા યથાશક્તિ સહયોગનો ધોધ વહ્યો હતો. ત્યારે જૂનાગઢનાં નાનકડા કર્મ હરેશભાઇ વઘાસિયાએ તેમને મળતી ભેટ-પુરસ્કારની બચત રકમ રૂા. ૧૧૧૧૧/- દિવ્યધામ ખાતે થનાર સત્કાર્ય માટે ભેટ ધરી હતી.
આ ધાર્મિક ધર્મોત્સવની સાથે સાથે સામાજીક પ્રવૃતિના ભાગ સ્વરૂપે યુવાનોએ રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, દિકરીને વધામણા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે બાબરા તાલુકાથી ૧૧ કિમી દુર વલારડી ગામની પાવનભૂમિ ઉપર ૬૦ હજાર ચોરસફુટમાં નિર્માણ પામનાર માતા વેરાઇનાં ભવ્ય મંદિર દિવ્યધામ નિર્માણ સ્થળે બીરાજમાન દિવ્યજ્યોતનું પૂજન ધર્મોત્સવમાં પધારેલસૌ ભાવિકજનોએ કરી બેટી બચાવો, જળ બચાવો, ગાય બચાવો તેમજ સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પો કરી, શહિદ વિર જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. કહે છે કે ચમારડીથી વલારડી જતા વચ્ચે આવતી જીવંત શ્રધ્ધાભાવનાં દ્રષ્ટાંતો રજુ કરતી પાતાદાતાની રણખાંભીનાં અનેક ચમત્કારો માત્ર પરિજનો જ નહીં પણ રાહદારી માત્ર મનોનિત વિચાર માત્રથી પોતાની હાલાકીથી બહાર આવ્યાનાં અનેક કિસ્સા લોકજિહ્વાએ વહેતા થયા છે ત્યારે રાજકોટના રહીશ નટુભાઇ કોટક નામનાં લોહાણા સદગૃહસ્થે તેમની પાતાદાદા પરત્વે કૃતાર્થ શ્રધ્ધાભાવ વ્યકત કરવા સહપરિવાર પધારી પુજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યને સફળ બનાવવા વઘાસિયા પરિવારનાં યુવાનોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન મનીષ વઘાસિયાએ કર્યુ હતુ. આ તકે રાજુભાઇ, દિનેશભાઇ, મનસુખભાઇ, પરશોત્તમભાઇ, અશ્વિનભાઇ, જેન્તીભાઇ, મહેશભાઇ ગોપાલભાઇ, વિનુભાઇ, સહિત વઘાસિયા પરીવારનાં યુવાનોએ ભાવીકોને ભોજનપ્રસાદ સહિતની વ્યવસ્થાઓમાં સાનુકુળતા રહે તે માટે જહેમત ઉઠાવી હતી. હવે પ્રતીદિન દિવ્યધામ ખાતે ધ્વજા ચઢશે જે માટે આગોતરું બુકીંગ થવા લાગ્યુ છે..