ભારતને પહેલો ક્રિકેટ વિશ્વકપ જીતવામાં મહત્વની ભૂમિકા કપિલ દેવની

ભારતીય ક્રિકેટ ટીમે ૧૯૮૩માં તે સમયની સહુથી મજબૂત વેસ્ટ ઇન્ડીઝ ટીમને હરાવી વિશ્વ કપ જીત્યો હતો. જે કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું પરંતુ જ્યારે નેતૃત્વ મજબૂત અને સંઘ ભાવના પ્રબળ હોય ત્યારે અશક્ય કામ શક્ય બને છે.
ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર કપિલ દેવના નામથી દરેક ભારતીય પરિચીત છે પછી એ ક્રિકેટ પ્રેમી હોય કે ક્રિકેટમાં જરા પણ રૂચીના ધરાવતા હોય. કપિલ દેવ રામલાલ નિખંજનો જન્મ ૬ જાન્યુઆરી ૧૯૫૯ના ચંડીગઢમાં થયો તેમના જીવનની પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ૧૬ ઓકટોબર,૧૯૭૮માં પાકિસ્તાન સામે રમ્યા હતા. અને અંતિમ ટેસ્ટ ૧૯ માર્ચ ૧૯૯૪માં ન્યૂઝીલેન્ડ સામે રમ્યા જ્યારે પહેલી એકદિવસીય મેચ ૧ ઓક્ટોબર ૧૯૭૮માં પાકિસ્તાન સામે રમ્યા અને છેલ્લી એકદિવસીય ૧૭ ઓક્ટોબર ૧૯૯૪માં વેસ્ટ ઇન્ડિઝ સામે રમ્યા બાદ નિવૃત્તિ જાહેર કરી હતી. કપિલ દેવ ભારત તરફથી ૨૨૫ વન-ડે મૅચ રમ્યા, જેમાં તેમણે કુલ ૩૭૮૩ રન બનાવ્યા છે. આ દરમિયાન કપિલ દેવની સ્ટ્રાઇક રેટ 95.07 રહી. કપિલ દેવે ટેસ્ટ કારકિર્દીમાં ૪૩૪ વિકેટ લીધી હતી અને એકદિવસીય મેચમાં ૨૫૩ વિકેટ લઈ તે સમયના સહુથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા હતા.
કપિલદેવ એટલે દેશદાઝ અને આત્મવિશ્વાસથી ભરપૂર ૧૯૮૩ના વિશ્વકપ શૃંખલાની ઝીમ્બામ્વે સામેની રમત દરમ્યાન ભારતની ઓછા રનમાં પાંચ વિકેટો પડી ગઇ ત્યારે કપિલદેવે કપ્તાન તરીકે પોતાની ભૂમિકા ભજવી આક્રમક રીતે રમી અણનમ ૧૭૫ રન બનાવ્યા અને વિજય મેળવ્યો હતો.૧૭૫ રન જે એ સમયનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત જુમલો હતો. આ વિક્રમ ઘણાં વર્ષો સુધી અકબંધ રહ્યો હતો. એ જ પ્રમાણે વિશ્વ કપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમ ૧૮૩ રન બનાવીને આઉટ થઈ ત્યારે માનો કે વેસ્ટ ઇન્ડિઝ વિશ્વકપ જીતી ગઈ એ પ્રકારનો માહોલ હતો. પરંતુ ભારતીય ટીમ કંઇક અલગ જ મૂડમાં ફિલ્ડિંગમાં ઉતરી હતી. શરૂઆતમાં વિકેટો મળી પછી બેટીંગમાં તે સમયના સહુથી ધૂંઆધાર વિવિયન રિચાર્ડ્સ આવ્યા અને આક્રમક શરૂઆત કરી મદનલાલની બોલિંગમાં ત્રણ ચોગ્ગા લગાવી ચૂક્યા હતા. કપિલદેવ બીજા કોઈને ઓવર આપવા વિશે વિચારી રહ્યા હતા. ત્યારે જ મદનલાલે તેમને વધુ એક ઓવર આપવા માટે કહ્યું અને કપિલ દેવે વિશ્વાસ રાખી ફરી મદનલાલને બોલિંગ આપી ત્યારે મદનલાલે વિચારી રાખ્યું હતું કે રિચર્ડ્સને એક \’શૉર્ટ\’ બૉલ કરીશ. અને પહેલા કરતાં વધારે ઝડપથી બૉલિંગ કરી જેણે પિચને ઝડપથી \’હિટ\’ કરી અને રિચાર્ડ્સે બૉલને હુક કરતા સમયે \’મિસટાઇમ\’ કર્યો અને બોલ હવામાં હતો ક્રિકેટની ભાષામાં કહેવાય કે કેચ હતો નહી બનાવ્યો એ રીતે કપિલ દેવે લગભગ 20-25 ગજ પાછળ તરફ ભાગીને પોતાની આંગળીઓની ટિપ પર એ કૅચ કર્યો જે અશક્ય હતું. એ પછી વિશ્વની સહુથી મજબૂત ટીમને એ સમયે નબળી ટીમ ગણાતી ટીમે હરાવી ઇતિહાસ રચ્યો. જેમાં સંપૂર્ણ ટીમ અને વિશેષ કપિલદેવનો મહત્વનો ફાળો હતો.
ઇ. સ. ૨૦૦૨માં વિઝ્ડને કપિલદેવને \”સદીનાં ભારતીય ક્રિકેટર\” તરીકે ઓળખાવ્યા. ઓક્ટોબર ૧૯૯૯ થી ઓગસ્ટ ૨૦૦૦ સુધી, ૧૦ માસ તેઓ ભારતીય ક્રિકેટ ટીમનાં પ્રશિક્ષક તરીકે રહ્યા. કપિલ દેવ પોતાની છેલ્લી મેચ ઑક્ટોબર 1994માં રમ્યા હતા. ત્યાર સુધી ક્રિકેટની દુનિયામાં બૅટ્સમૅનનો તોફાની સમય શરૂ થયો નહોતો. જોકે તમને એ જાણીને અચરજ થશે કે વન-ડેમાં કપિલ દેવનો આ સ્ટ્રાઇક રેટ સચીન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, વિવિયન રિચાર્ડ્સ અને યુવરાજસિંહ કરતાં પણ વધારે છે.
કપિલ દેવની તંદુરસ્તીનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે ટેસ્ટમૅચમાં 184 દાવમાં બેટિંગ કરવા છતાં તેઓ કયારેય રનઆઉટ નથી થયા. ૨૨૧ વન-ડે મૅચમાં બેટિંગ કરવા છતાં તેઓ ફકત ૧૦ વખત રનઆઉટ થયા છે. કપિલ 16 વર્ષ લાંબી કારકિર્દીમાં કયારેય પણ ફિટનેસને કારણે ડ્રૉપ નથી થયા. 1984માં ઇંગ્લૅન્ડની સામે કોલકાતા ટેસ્ટમાં જો ટીમ મૅનેજમૅન્ટે એમને ડ્રોપ ન કર્યા હોત, તો સળંગ 131 ટેસ્ટ રમવાનો વિક્રમ એમના નામે હોત.
ક્રિકેટની દુનિયાના ભારતનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરનાર કપિલ દેવ એટલે આજના યુવાનો માટે પ્રેરણા કહી શકાય.