સર તખ્તસિંહજી હોસ્પિટલના કોરોનાના દર્દીઓને પ્રેરણાત્મક ગાથા અને સંસ્કૃતની ઋચાઓ સંભળાવી ‘આત્મવિશ્વાસના ઇન્જેક્શન’ આપવાનો નવતર અભિગમ
ભાવનગરના શિક્ષક સાગર દવે પ્રેરણાના પિયૂષથી દર્દીઓમાં કોરોનાનો ડર હટાવી હકારાત્મકતા ભરી શાતા આપી રહ્યાં છે
જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર : માતૃશ્રી નયનાબેનને કોરોનાની બીમારીમાં ગુમાવ્યાં બાદ સાગર દવે દરરોજ કોરોનાના વોર્ડમાં જઈ કોરોનાના દર્દીના મનમાં આનંદના ફુવારા ફેલાવે તેવી વિધાયક ગાથાથી દર્દીઓમાં પોઝિટિવિટી ભરે છે પર પીડાને પોતાની પીડા સમજી ભયના ઓથાર હેઠળ રહેલાં કોરોનાના દર્દીઓને મનથી મજબૂત ફરવાનો નૂતન અભિગમ
વર્તમાનમાં એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.તો તેની સામે હોસ્પિટલો પણ કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી છે.કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દર્દીઓને હોસ્પિટલના બિછાના પર લાંબો સમય સુધી સારવાર લેવી પડી રહી છે. તેવા સમયે દર્દીઓની શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્યની પણ ખરેખરી કસોટી થાય છે.
સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની શારીરિક રીતે તો પૂરતી કાળજી લેવાય જ છે. આ ઉપરાંત ભાવનગરના શિક્ષક સાગર દવે પ્રેરણાના પિયૂષથી દર્દીઓમાં કોરોનાનો ડર હટાવી હકારાત્મકતા ભરી શાતા આપી રહ્યાં છે.
સાગર દવે દ્વારા સર તખ્તસિંહજી હોસ્પિટલના કોરોનાના દર્દીઓને પ્રેરણાત્મક ગાથા અને સંસ્કૃતની ઋચાઓ સંભળાવી ‘આત્મવિશ્વાસના ઇન્જેક્શન’ આપવાનો નવતર અભિગમ અપનાવી ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં ટાઢક મળે, તે માટે સવાર-સાંજ આરતી, સ્તુતિ, ધાર્મિક ભજનોના શ્રવણ સાથે વાતાવરણ હળવું બનાવવામાં આવ્યું છે.
સામાન્ય રીતે કોરોનાના વોર્ડમાં વધુ દિવસો સુધી રહેવું પડે ત્યારે કોરોનાના મોટાભાગના દર્દીઓ કોરોનાના ડરથી ભાંગી પડતા હોય છે. આવા દર્દીઓને મનની મજબૂતી આપવા અને તેમને સાજા કરવાનો નવતર અભિગમ સર તખ્તસિંહજી હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
વ્યવસાયે શિક્ષક એવા ભાવનગરના શ્રી સાગર દવે પ્રેરણાત્મક કિસ્સાઓ, વાર્તાઓ, દુહા-છંદ, સંસ્કૃતની ઋચાઓ તથા શ્લોક દ્વારા કોરોના દર્દીઓના મનને શાંતિ મળે અને તેમના સ્વાસ્થ્યમાં સુધાર આવે તે માટે સવાર-સાંજ પ્રેરણાના પિયૂષ ખાવાનું કામ કરી રહ્યાં છે.
સાગર દવેના માતૃશ્રી નયનાબેન કે જેઓ ૧૫ દિવસ પહેલા જ કોરોના સામેનો જંગ હારી ગયાં હતાં. તેમાંથી પ્રેરણા લઈને કોરોનાના વોર્ડમાં જે ભયનું વાતાવરણ દર્દીઓ વચ્ચે હોય છે તેને હળવું કરવાં માટે દરરોજ સર તખ્તસિંહજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં જઈને એક કલાક સુધી પ્રેરણાત્મક વાતો દ્વારા દર્દીઓનું મન બહેલાવવાનો તથા તેમને મનથી મજબૂત કરવાનું ઉમદા કાર્ય તેઓ કરી રહ્યાં છે.
‘શબ્દના અજવાળે’ કોરોનાગ્રસ્ત દર્દીઓને જીવવાની જીજીવિષા જગાવવાને પોતાનું પરમ કર્તવ્ય સમજતાં ભાવનગરના શિક્ષક સાગર દવેએ આઠ વર્ષ સુધી પોરબંદરના સાંદિપની આશ્રમમાં વ્યાકરણાચાર્યનો અભ્યાસ કર્યો છે અને તેથી તેમનું સંસ્કૃત પર ભારે પ્રભુત્વ છે. તેઓ કહે છે કે, કુદરતે આપેલી શક્તિઓનો “પર પીડાને પોતાની પીડા” સમજીને સમુચિત ઉપયોગ કરીએ અને તેનાં દ્વારા અન્ય લોકોના ચહેરા પર આનંદની છોળો લાવીએ તે પ્રભુ સેવાનું કામ છે. દયા બધાં કરે છે પરંતુ જે કરુણા અનુભવે..તે કામે લાગી જાય છે.આજના જમાનામાં ‘યોગી ન થઈ શકાય તો કંઈ નહીં પરંતુ બીજાને ઉપયોગી થઈએ’ અને એક સારો “યોગ્ય વિચાર, યોગ્ય વ્યક્તિ” સુધી પહોંચે તે માટે નિમિત્ત બનીએ તે ખરી સેવા છે.
કોરોનાના દર્દીઓના મનને મજબૂત કરવા “તોરા મન દર્પણ દિખલાયે”, “યે વક્ત ભી ગુજર જાયેગા”,”ડર કે આગે જીત હૈ’ , ‘મન ચંગા તો કથરોટ મેં ગંગા’ જેવી ઉક્તિઓને વાસ્તવમાં ચરિતાર્થ કરવાનો સ્તુત્ય પ્રયાસ સાગર દવે દ્વારા કરવામાં આવી રહ્યો છે.
“હું સ્વસ્થ છું,મારામાં સાજો થવાની શક્તિ છે, હું મનથી મજબૂત છું, હું કોઈપણ પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહી શકું છું, દરેક ક્ષણ અને દરેક દિવસે મારૂં શરીર તંદુરસ્ત થતું જાય છે.’’ આવા હકારાત્મકતાથી ભરેલા શબ્દો દ્વારા સાગર દવે કોરોનાના વોર્ડમાં રહેલાં નેગેટીવ વાતાવરણમાં વિધાયક રીતે સકારાત્મકતાનો સંચાર કરે છે. તેમણે કહ્યું કે, તેમના માતૃશ્રી નયનાબેન જ્યારે સર તખ્તસિંહજી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં હતા. ત્યારે સર તખ્તસિંહજી હોસ્પિટલના ડો. અધિશભાઈ અને સિક્યુરિટી ઇન્ચાર્જ શ્રી અનિલભાઈએ તેમને તેમની માતા સાથે પ્રેરણાત્મક વાતો કરતાં જોઇને. તેમના વિચારો હોસ્પિટલમાં રહેલા અન્ય દર્દીઓ સાથે પણ વહેંચવા માટે અપીલ કરી હતી.
તેમની અપીલ અને વિશ્વાસને ધ્યાનમાં લઇ તેમજ ડો. અધિશભાઈ અને શ્રી અનિલભાઈના સહકારથી અને સર તખ્તસિંહજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડૉ. જયેશ બ્રહ્મભટ્ટની કોરોના વોર્ડમાં પૂરતું સંરક્ષણ લઈ ની.પી.ઈ. કીટ પહેરીને જવાની સગવડ દ્વારા હું છેલ્લા પંદર દિવસથી આ કાર્ય કરી રહ્યો છું.
તેઓ વધુમાં ઉમેરે છે કે, મારા માતૃશ્રીના તર્પણ તરીકે અન્ય કોઈની પણ માતા પોતાનાથી વિખુટી ન થાય તે માટે દરરોજ એક કલાક જુદા-જુદા વોર્ડમાં જઈને પ્રેરણાત્મક વાતો દ્વારા કોરોના વોર્ડમાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરું છું.
કોરોના વોર્ડમાં રહેલા દર્દીઓ મનથી જીવવાની આશા ગુમાવી ચુક્યા હોય છે. તેવાં વાતાવરણ વચ્ચે પોતે પી..પી.ઈ. કીટ પહેરીને હેડફોન દ્વારા કોરોના વોર્ડમાં સ્પીકર દ્વારા બોર્ડના તમામ દર્દીઓને પોઝિટિવ ઊર્જા વિશે વાત કરે છે.
દર્દીઓને હૃદય,માથા શિખા પર હાથ રાખીને શબ્દોની શક્તિ દ્વારા શરીરને સુરક્ષિતતા અને કવચ આપવાનું કામ તેઓ વેદ -ઋગ્વેદની ઋચાઓને સ્વરબદ્ધ રીતે ગાઈને રજૂ કરે છે.
પોતાના સગા પણ કોરોના પોઝિટિવ વોર્ડમાં જતાં ડરે છે તેવા વાતાવરણમાં શ્રી સાગરભાઇ કોરોના વોર્ડના દરેક બેડ પાસે જઈ દર્દીઓને શાતા આપવાનું કામ કરે છે.
તેઓ કહે છે કે, વિપરિત પરિસ્થિતિઓમાં મન તો હંમેશા નકારાત્મક જ વિચારે છે. ત્યારે મારા કર્મથી જો કોરોનાના દર્દીઓને ‘દવા સાથે દુઆ’પણ મળશે અને તેમની મનની સંકલ્પ શક્તિથી મનમાં આનંદના ફુવારા ફેલાશે, તેઓના દર્દને ઓછું કરી શકાશે તો આ મારો પ્રયત્ન લેખે લાગશે.
આજે જ્યારે કોરોના સંક્રમણરૂપી મહામારીના કારણે લોકો શારીરિક- માનસિક ભય સાથે અસ્વસ્થતા અનુભવી રહ્યાં છે, ત્યારે સર તખ્તસિંહજી હોસ્પિટલના કોરોના વોર્ડના દર્દીઓ શ્રી સાગર દવેની પ્રેરણાત્મક વાતોમાંથી પિયુષ મેળવી મનને મક્કમ બનાવવાં સાથે કોરોનાને હરાવવા કટિબદ્ધ બન્યા છે.