*સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" કલમના કસબી એડમિન પેનલ

કલમના કસબી ગૃપ

શીર્ષક:- આવી વસંત
આવી વસંત
આવી વસંત, આવી-આવી વસંત,
ઢગલા ફૂલોના લાવી વસંત……
પર્ણોના પગથારે અડ્ડો જમાવીને,
ઝાકળ-બિંદુમાં જોને
ચમકે વસંત!
તરુવરની શાખાની કૂંપળે-કૂંપળે,
ખેલંતી, ખીલંતી જોને
મહોરે વસંત!
કુંજન્તી કળીઓની પાયલ પહેરીને,
મલપતી ચાલે ઓ આવે વસંત….
ખીલ્યાં ફૂલોની નજરું ઉતારતો,
ગુંજે ભ્રમર, કહે આવી વસંત!
મન તણાં ઉપવનની કેડીએ કેડીએ
પ્રીત તણાં પગરવ માંડે વસંત…..
માણી લે જીવ આ વાસંતી વૈભવને;
મૂક કોરે પાનખર, વધાવી લે વસંત!!
ભગવતી પંચમતીયા \’રોશની\’

શીર્ષક:- મા સરસ્વતી
પાનખરમાં વસંત ઝૂમી ઊઠી,ખોઈ બેઠી
મુજને, પામી મા સરસ્વતી તુજને.
હું ઋતુઓનો રાજા વસંત,વસંતપંચમીએ
કરું વધામણાં મા સરસ્વતી તુજને .
હું મોકલું કેસૂડાંનો રંગ મા સરસ્વતી,
વસંતમાં કરું તારાં વધામણાં.
પર્ણ પર્ણ મીઠાં મધુર કોરસ ગાતા,
વસંતને વધાવો આજ અબીલ ગુલાલથી.
હું મોકલું પીળાં પુષ્પોની છાબડી,
મા સરસ્વતી તારાં ચરણોમાં કરું વધામણાં.
વંદન કરું મા સરસ્વતી તને,
પીળા વસ્ત્ર ધારણ કરી પૂજા પ્રાર્થના કરું
મા સરસ્વતી.
અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી દિવ્યપ્રકાશનું
પ્રાગટ્ય એટલે બ્રહ્માજીની પુત્રી મા સરસ્વતી નાં જન્મનાં વધામણાં .
મા સરસ્વતી નાં આગમનની અમે છડી પોકારી,
મયૂરાસને બિરાજમાન આવી સવારી.
ચારેય હાથ પૈકી એકમાં વેદો, બીજામાં વીણા,
ત્રીજામાં કમળપુષ્પ અને ચોથે માળા.
મયુર વાહન પર બિરાજમાન,શ્રધ્ધા
આસ્થાની દેવી મા સરસ્વતી તને શત શત પાયવંદન.
શ્વેત વસ્ત્રધારિણી, હંસ વાહિની, ભવતારિણી
કમલનયની, મયુરવાહિની મા સરસ્વતી.
મારી કવિતાનાં શબ્દે શબ્દે મા સરસ્વતી,
તાણાંવાણે તું ગુંથાય મા સરસ્વતી.
હું કલમની કસબી મીનુ, મારી કલમ પર રહે,
સદાય મા સરસ્વતી તારો અમર સાથ.
મીના માંગરોલીયા.મીનુ

શીષૅક …સોહામણી પ્રકૃતિ
આવી રે ખુશહાલી, રૂડો આવ્યો રે વસંત,
ફાગણને સંગ આજ, રૂડો લાવ્યો રે રંગત.
વાસંતી વાયરાની ઠંડી લહેર રે ફેલાય,
પ્રકૃતિને સોહામણા શણગાર સોહાય.
જ્યાં પાનખરની પાનની ખરખર થતી,
ત્યાં કોયલના કુંજનનું ગુંજન હવે,
અને આંબાડાળે મ્હોરની કૂંપળ હવે.
ત્યાં ફૂલોનું સામૉજ્ય એવું તો સજૉય
જ્યાં મધુસુદન આવીને ખુબ હરખાય.
નવ યુગલોની તરવરાટની ઋતુ વસંત,
તારી પાઘને મારી ચુનર રંગાવાની ઋતુ વસંત.
આપણો પ્રણય પાંગરવાની સોનેરી ઋતુ વસંત.
પાયલ ગાંધી \”યામી\” અમદાવાદ.

શીર્ષક : વસંત
નવોઢાના સાજ શણગાર સજીને આવી છે વસંત ઋતુ,
ઘૂંઘટની આડમાં કેસુડાના અંગેઅંગમાં ખીલ્યું જોબનિયું.
હ્રદયના ખૂણે બેઠી બેઠી કોયલડી ગાઈ રહી છે પ્રેમગીતો,
ફૂલ થવાની મારે ક્યાં ના છે ? ચૂમવા આવે કોઇ પતંગિયું.
સૂર્યના કિરણની માફક મારા તનને ઘણાં સ્પર્શી ગયાં,
મારી રુહને ચૂમવા છેક હ્રદયના ઊંડાણ સુધી ગયા.
ફૂલને કાંટા સાથે પાકી દોસ્તી થઈ ગઈ મજાની હવે,
મીઠો વાયરો અને કૂણી કૂંપળને ફૂટ્યો મૂછે દોરો.
લાગણીના ફણગા ફૂટ્યાં છે હવે કોઈ શ્વાસ આપે તો,
આખરી ઈચ્છા એના અંગે ચંદન રૂપે મને ચોળે તો.
સીમા પરમાર \”અવધિ\” ભરૂચ