Home Story સાહિત્ય વારસો વાર્તા સ્પર્ધા

સાહિત્ય વારસો વાર્તા સ્પર્ધા

633
0

વાર્તા શીર્ષક :- ઠરેલો ચૂલો

ઝૂંપડીના ફળિયામાં આવી તેણે પત્નીને સાદ કર્યો, “એ..હાંભળે સે કે ? આઈજ રાંધૈણ સઈઠ સેને તી ઊનાં થેપલાં મળ્યાંસે; તો સોકરાંવને ખવરાવી દે, કાઈલ સાઈતમ ને પરમ દિ’ એ આઈઠમ થાહે,આઈજ સૂલા ઠારવાના થાહે.” ટૂટેલી ફાટેલી છત વાળા ઝૂંપડા માંથી પત્નીનો અવાજ આવ્યો,” હા,ઈ તમી કીધું ઈ હારૂં કીધું; આ હુંએં ઠારી નાખુંસું સૂલો” તેણીએ કોણ જાણે કેટલાએ દિવસથી ના સળગેલા ચૂલામાં પાણી નાખી ઠરેલા ચૂલાને ઠારીને જર્જરીત ઓઢણીનો છેડો પાથરી પગે લાગીને બોલી,” હે માતાજી મારી માવળી, સંધાઈના સોરુની રક્ષ્યા કઈરજો.”
લેખક :- હરસુખભાઈ સુખાનંદી સીતારામ
કેશોદ

વાર્તા શીર્ષક :- બાળકની વ્યથા

આશ્રમની દેખરેખ કરતાં સીમાબેને બાળકોને સાતમ આઠમના તહેવારનું માહત્મ્ય વાર્તા રૂપે સરસ રીતે સમજાવ્યું હતું. સાતમના દિવસે ચૂલો ન પેટાવાય એટલે છઠના દિવસે જ બાળકોએ નક્કી કરી લીધું હતું કે કાલ સાતમના દિવસે તે બધાં ઠંડું ભોજન કરશે. ભારતીય સંસ્કૃતિનું પાલન થતું જોઈ સીમાબેન ખુશ થયાં.
બે દિવસ પછી જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી માટે અનાથાશ્રમમાં બાળકો ખૂબ જ ઉત્સાહિત હતાં. કૃષ્ણ કોણ બનશે? એ વાત પર સહુનો એક જ મત,
“આપણાં સહુનો લાડકો નંદન જ કૃષ્ણ બનશે.”
વાંકળીયા વાળ, પાણીદાર આંખો, ઘઉંવર્ણો વાન પણ તેજોમય ચહેરો. કૃષ્ણ બનવાનો મોકો પોતાને મળશે એ વાતે આઠ વર્ષનો નંદન ખુશ હતો. આખાં દિવસની દોડધામ અને તૈયારી પછી થાકીને આજ બધાં બાળકો વહેલાં જ સુઈ ગયાં હતાં.
વહેલાં પરોઢિયે સીમાબેનના રૂમનો દરવાજો ખખડતાં,
“અત્યારે કોણ હશે?”
આવો વિચાર કરતાં આંખો સાફ કરી ચશ્માં પહેરતાં એમણે દરવાજો ખોલ્યો. સામે હેબતાઈ ગયેલો મનન,
“દીદી જલ્દી… જો… જોવો તો નંદન… નંદનને શું થયું છે!!”
પેટમાં ફળકો પડતાં સીમાબેને એકદમ દોટ મૂકી. એમના પગ નંદનના પલંગ પાસે જઈ થંભ્યાં. નંદનને જોતાં તેમના મુખમાંથી ચીચ પડી ગઈ.
“નંદન આ શું થયું છે!?”
પોતાનાં આખાં શરીર પર લાલ ચકામાને જોતો હીબકાં ભરતો નંદન એટલું જ બોલી શક્યો,
“કદાચ મારી મા ચૂલો ઠારતાં ભૂલી ગઈ હશે.”
સીમાબેન સાથે દરેકની આંખે અનરાધાર શ્રાવણ વરસી પડ્યો.
© લેખક :-નેહા બગથરીયા*
જુનાગઢ

વાર્તા – શીર્ષક – મેળો

કોરોના ને લીધે મેળાઓ બંધ હતાં, ઘરેથી મળેલી મેળાખર્ચીની રકમ માંથી, નવા વસ્ત્રો, રમકડાં ને કાર્ટૂન વાળા માસ્ક ખરીદી ને ગરીબ બાળકોમાં વહેચણી કરી ને, ત્યાં,,,,,,તો…..!
ઝુંપડાઓ માં ભરાઈ ગયો, ઓચિંતો મેળો ખુશીની સાતમ – આઠમનો,
લેખક :ભરત ગોસ્વામી ભાવુક

વાર્તા – શીર્ષક:”મેળો”

“એ હાલો મોટીબેન તમારે મારી હારે મેળામાં આવવું છેને?”
ભાભીને મેળામાં જવાનો ધમકારો વર્તાઈ આવતો હતો. એટલે મંદબુદ્ધિની નણંદને ઘરે મુકવી યોગ્યના લાગતા, સાથે લઈને જવા પરાણે તૈયાર કર્યા.
રંગમતીના મેદાનમાં મેળો બરાબર જામ્યો…”હૈસા..હુયસા”ના અવાજ કરતા ફજતફાળકા વાળા બઘડાતી બોલાવતા હતા.
“મોટીબેન આંય હંસાડી હારે ઉભા રહેજો હોને.. હું છોકરાઓને ચકેડીમાં બેહાડીને આવું…હો..? “
મોટીબેને મુક સંમતિ આપી હોય એમ હંસાડી સાથે ઉભા ઉભા ભીડમાં ભળતી ભાભી સામે જોયે રાખ્યું . ફજતનો કિચુડાટ… ફાજતમાં ભરાવેલાં પિતળનાં થાળાનો મંજીરા જેવો, અવાજ…લોકોનો ઘોંઘાટનો અવાજ આ બધું મોટીબેનનાં સુના મનમાં કોલાહલ ભરી દીધો..
“દીપ…ક દિપક…” ની બૂમો પાડતાં રંગમતીના ભરેલા જળમાં વરસો પહેલાં ફજત માંથી ફંગોડાયેલા, વ્હાલા એકના એક દીકરા દીપકને બચાવવા ફરી દોટ મૂકી…
ઈલા આર. મિસ્ત્રી”કલમ”
અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here