Home Story સાહિત્ય વારસો વાર્તા સ્પર્ધા-૧૬

સાહિત્ય વારસો વાર્તા સ્પર્ધા-૧૬

976
0

સાહિત્ય વારસો વાર્તા સ્પર્ધા-૧૬

વાર્તા શીર્ષક :-આવડત

હું અનાયાસે રાત્રે ઊંઘમાંથી જાગી ગયો. એક સ્વપ્ન જોયું કે હું એક ગામડામાં ફરતો ફરતો જઈ ચડ્યો અને ત્યાંના આદિવાસીઓ પોતાનાં ગુજરાન માટે વાંસમાંથી વિવિધ જાતનાં બાસ્કેટ, ટોપલી, ટોપલાં અને રમકડાં બનાવી રહ્યા હતાં. આ એમની આવડત જોઈ વિચાર્યું કે જેમ આ આવડતને વધુ ખીલવવા માટે એને એક વૈશ્વિક વ્યવસાય સાથે જોડીએ.
આ વિચારને અમલમાં મુક્યો અને એક વેબસાઈટ બનાવી.
WWW.Adivasi.com આ સાઇટ પર આદિવાસીઓ દ્વારા બનાવેલ વિવિધ વાંસની વસ્તુઓ પ્રદર્શિત કરી અને ત્યાં થોડાં દિવસોમાં તો જાણે અકલ્પનિય એવાં અઢળક ઓર્ડરો મળવા લાગ્યાં.
આમ,એક ગ્રામ્ય વિસ્તારની આવડત આજે વૈશ્વિક સ્તરે આવકનો સ્તોત્ર બની આદિવાસીઓનાં જીવનમાં અંધારમાંથી અજવાળું પાથરી દીધું.
લેખક :-જયદીપભાઈ દવે ધરમપુર (jd) સ્મિત

વાર્તા શીર્ષક :- આવડત

સુધીરના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાય આવતી હતી. પત્નીએ ચિંતાનું કારણ પુછ્યું, તો તે બોલ્યો, “જોને ગામડેથી પિતાજીએ બિયારણ લેવા પાંચ હજાર રુપિયા મંગાવ્યા છે. વિચારું છું કે શું કરવું ! મોકલવા તો પડશે જ,”
“ચાલો પહેલાં જમી લ્યો પછી બધું ઠીક થઈ જશે.”
પત્નીએ આશ્વાસન આપ્યું. ભૂખ મરી ગઈ હતી પણ પત્નીના આગ્રહ ખાતર જમવા બેસી ગયો.
જમી લીધા પછી પત્નીએ તેના હાથમાં નોટોની થપ્પી મૂકીને કહ્યું, “લ્યો, પુરા પાંચ હજાર છે.”
તે અચરજ પામ્યો, આની પાસે આટલા પૈસા આવ્યા ક્યાંથી ! પત્ની સમજી ગઈ ને બોલી,” ચિંતા કરોમાં ચોરી નથી કરી, આતો તમે ઘર ખર્ચના આપતા એમાંથી કરકસરથી બચેલાં લક્ષ્મીજી છે !”
એ સમજી ગયો કે આ સ્રીઓની આવડત છે,
આપણું કામ નહીં !!
લેખક :- હરસુખભાઈ સુખાનંદી સીતારામ
કેશોદ

વાર્તા શીર્ષક :-હુન્નર

રમીલાબેન હાથમાં, ચોળી બ્લાઉઝ લઇને …કંચનબેનના ઘરે આવ્યા.
“કંચનબેન…આ જરા મને સાંધી આપોને…મારે સાંજે ગરબામાં પહેરવું છે.”
“ના..હો…મારે નોરતાના ઓર્ડરમાંથી સમય જ નથી મળતો”ધડ દઈને કંચનબેને ના પાડી દીધી .
છ છ દિવસથી આ ધક્કા ખાતા ભણેલ બેનને જોઈ બાજુવાળા પુષ્પાબેનથી ના રહેવાયું, અરે…રે ભણેલ ગણેલા થઈને અભણ સામે જી બાપા કરવાના …પાંચ મિનિટનું કામ છે .
અમારે ચકુડીને તો નિશાળમાં બધું શીખવે, કોઈની લાચારી તો નય.
રમીલા સ્વગત બોલી “અમારા વખતમાં આવું શીખવતા હોત તો ?”
પછી તે ફાટેલા બ્લાઉઝના કાંણા માંથી આરપાર સિલાય કરતી કંચનબેનને જોઈ રહી.
લેખક: ઝાલા રામી ડી. સંદેશી
વેરાવળ ગીર સોમનાથ

વાર્તા શિર્ષક :- આવડત

સુધીરના બોસનો ફોન આવ્યો કે એ સહપરિવાર તેના ઘરે ડિનર માટે આવી રહ્યા છે! સુધીર તો ખુબ ચિંતામાં આવી ગયો કારણ કે કોરોનાને કારણે હોટલમાંથી પાર્સલ લાવી શકાય નહી અને ઘરમાં શાકભાજી પણ હતા નહી! બોસ પહેલીવાર પધારી રહ્યા હોવાથી એમની સરભરાનો આ રૂડો અવસર એ ચૂકી જવા ઈચ્છતો ન હતો, પણ હવે શું કરવું એની ચિંતા ઘેરાઈ ગઈ!
પોણી કલાક બાદ બોસ સાગમટે પધાર્યા. સુધીરની પત્નિ મીરાએ ખુબ આદર પૂર્વક આવકાર આપ્યો અને સૌ ડાયનીંગ ટેબલ તરફ આવ્યા, ભોજન સામગ્રીનું સુશોભન જોઈને બોસને એમના ગામડાના મંદિરનું અન્નકુટનું દ્રશ્ય આંખોમાં ઉભરાઈ ગયું.
ખડા મસાલાથી વઘારેલું ઢોકળીનું શાક, રજવાડી વઘારેલી ખીચડી, હાથેથી ડિઝાઈન પાડીને ઘડેલા બાજરીના રોટલા, પારંપરિક રીતથી બનાવેલી બિરંજ સેવ, સોડમથી મઘમઘતા અથાણા અને ઘણીબધી વાનગીઓ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું બધાને! વળી મીરાએ શ્લોક પઠન કરીને પ્રેમ અને આગ્રહ પૂર્વક પીરસીને બધાને જમાડ્યા. લાલ અને લીલા રંગની બાંધણીમાં સજ્જ થયેલી મીરા જાણે સાક્ષાત અન્નપૂર્ણાનું સ્વરૂપ જોઈ લ્યો! તેની વાતચીત કરવાની આદરભરી છટાથી તો એ ઘડીભરમાં બોસના પત્નિની સખી બની ગઈ. ગૃહલક્ષ્મીના બધાજ લક્ષણો ધરાવતી મીરાની સુજબુજ અને આવડતથી સુધીરનો માન-મોભો ખુબ વધ્યો, પ્રભાવિત થયેલા બોસના મગજમાં એની એક આગવી છાપ અંકિત થઈ.
મીરાના ઓછા ભણતર અને ગામડાની રહેવાસી હોવાથી સદાય એને ગમાર સમજનાર સુધીરને આજે પત્નિ પર ભારોભાર ગર્વ થયો!
આખરે મીરાએ સાબિત કરી બતાવ્યું કે આવડત ક્યારેય માત્ર ભણતર કે ઉચ્ચ શહેરોને આધીન નથી હોતી, એના માટે જરૂરી છે ગણતર અને સંસ્કારોનું પાલન.
લેખક :- નીલમ પ્રતિક વ્યાસ “દુર્ગા”
સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here