સાહિત્ય વારસો વાતૉ સ્પર્ધા:-૧૭
વાર્તા શિષૅક:- દીકરી
ઉમંગી અને ઉત્સવ બંને અજયભાઈ અને અનુબેનના જોડિયા બાળકો, અજયભાઈ બહુ પૈસાદાર તો ન કહી શકાય પણ ધંધામાંથી એટલું તો મેળવી જ લેતા કે સારી રીતે રહી શકે અને બાળકોને સારૂં શિક્ષણ અપાવી શકે.
ઉત્સવ ભણવામાં થોડો નબળો પણ ઉમંગી તો ભણતર સહિત બધી બાબતમાં અવ્વલ.ઉમંગીની પહેલેથી જ ડોક્ટર બનવાની ઇચ્છા એટલે તો એણે બારમાં ધોરણ સાયન્સમાં એટલી મહેનત કરી ૯૭% મેળવ્યા તે બહુ જ ખુશ હતી તેનું એમબીબીએસમાં ફ્રી સીટ પર એડમીશન મળી જશે તે નક્કી જ હતું. પણ ત્યાં જ અજયભાઈએ કહ્યું કે ધંધા હવે પહેલાં જેવા ચાલતા નથી અને ઉત્સવને બાર સાયન્સ માં ૭૫% જ હોય અને તેને એમબીબીએસ જ કરવું છે તેથી તેનું એડમીશન પેમેન્ટ સીટ પર જ લેવું પડશે.ઉમંગીને ભલે ફ્રી સીટ પર એડમીશન મળે પરંતુ તેના ભણતરનો બીજો ખર્ચ તો થાય નેં? જે હું કરી શકું તેમ નથી.આ સાંભળી ઉમંગીની પોતાની ડોક્ટર થવાની ઇચ્છા ગુંગળાઈ ગઈ!
:- મેઘલ ઉપાધ્યાય રાજકોટ
વાર્તા શિષૅક :- સ્ત્રીની ગૂંગળામણ
વર્કિંગ વુમન સાથે હાઉસવાઈફની ગૂંગળામણ
રોજનાં કરતાં આજે જરા વધુ ખુમારી સાથે એક નવા આત્મવિશ્વાસ સાથે ઓફિસ જવા નીકળી. હાઉસવાઈફ સાથે વર્કિંગવુમન. આ બે જિંદગી જીવતી એક સ્ત્રીની વાત. ઘણી બધી જવાબદારીઓ સાથે રોજ સવારે ઉઠવાનું અને પોતાની ઘણી અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ સાથે રાતે શયન કરવાનું. વર્કિંગવુમન માટે સૌથી મોટો જો કોઈનો આધાર હોય તો એ એના પતિનો હોય છે. પણ,જો એ આધાર જ ન મળતો હોય તો? રોજની જેમ જ આજે સવારે ઊઠીને બધું કામ કરીને કલાયન્ટ વિઝીટ માટે તૈયાર થતી હતી. નજીવા કારણસર ઘરમાં બોલવાનું થઇ ગયું. રોજ જ કંઈ ને કઈ,નાનું મોટું થતું રહેતું, પણ આજે વાત મારા સ્વમાન પર આવીને અટકી. એટલે મનને જરા વધુ ઠેસ લાગી. છેલ્લે ઘરનાં સભ્યો તરફથી વિકલ્પ આપવામાં આવ્યો કે પૈસા કમાવવા હોય [આ શબ્દો પર વધુ વજન પડે છે], તારું પ્રોફેશન સંભાળવું હોય, તો એ તારી જવાબદારી પર. તારી કાળજી તારે રાખવાની, બાળકોની, એમનાં સ્કૂલ કે ઘરની જવાબદારી તારા શિરે. [10 વર્ષમાં ઘરનાં વ્યક્તિઓ એ ના જાણી શક્યા કે હું પૈસા માટે પ્રોફેશન સંભાળું છું કે મારા સ્વામન,આત્મનિર્ભરતા માટે.] ચુપચાપ બધું સાંભળીને ઓફિસ માટે નીકળી ગઈ. પણ આખો દિવસ મન-મગજ વચ્ચે યુદ્ધ ચાલતું રહ્યું સતત એક ગુંગણામણ અનુભવાતી રહી. શું કરવું શું ન કરવું? સ્વાભિમાન, આત્મનિર્ભરતા [જે આયુના 20માં વર્ષેથી જ રાખી છે.] એને નેવે મૂકી દઉં કે પછી બધું જ સંભાળીને આગળ વધુ. સાંજ થતાં સુધીમાં નિર્ણય લઈ જ લીધો. એ જ નિર્ણયની અસર આજે સવારે મારી ચાલમાં હતી. હવે એક વધુ આત્મસંતોષ સાથે જીવતી થઈ ગઈ કે હું બધું જ સંભાળી શકું છું……
:- મુક્તિ લાડ – મુંબઈ
વાર્તા શિર્ષક :-સ્ત્રીની ગૂંગળામણ
શ્વાસ રૂંધાવાની સાથે ધબકારા પણ ધીમા પડવા લાગ્યા, અને નસોમાં રક્ત પરિભ્રમણ પણ મંદ થવા લાગ્યું માયાબહેનનું. જાણે કોઈ પેનિક એટેક જ સમજી લ્યો!
થોડીવાર બાદ એમને સ્વસ્થતા અનુભવાઈ અને વીસ વર્ષ પહેલાનો ભૂતકાળ ફરી વલયોની જેમ નજર સામે ફરવા લાગ્યો…
કિશોરાવસ્થામાં નજીકના જ સ્વજન દ્વારા થયેલું ઉત્પીડન, કોલેજકાળની રેગીંગની ઘટનાઓ, લગ્ન બાદ પતિ વડે અપાતો શારિરીક ત્રાસ વગેરે…
પણ અસહ્ય માનસિક ગૂંગળામણથી એ ડર્યા નહી! ભણતર અને આત્મવિશ્વાસના ટેકે લડત શરૂ કરી અને અથાગ સંઘર્ષના પરિણામ સ્વરૂપે એમણે એક “મુક્તિ-નિકેતન” નામક સંસ્થાનું નિર્માણ કર્યુ. જેણે જીવલેણ તરસ વેઠી હોય એને જ પહેલો વિચાર આવેને પરબ બાંધવાનો! કુરિવાજો તથા ખોટી મર્યાદાના નામે પીડિત બનેલી દરેક સ્ત્રીઓને માયાબહેન દુઃખમાંથી ઉગારીને સંસ્થામાં સ્થાન આપતાં.
પ્રાંગણમાં મુક્ત મને જીવતી એ દરેક સ્ત્રીઓનો હસતો ચહેરો જ એમની પીડાનું ઓષડ બની રહેતું!
:-નીલમ પ્રતિક વ્યાસ “દુર્ગા”
સુરેન્દ્રનગર
વાર્તા શીર્ષક :- હાશકારો
મધ્યરાત્રિની નીરવ શાંતિમાં ઝૂંપડપટ્ટીની ખખડધજ ઝૂંપડીઓમાં ઉંઘને ખલેલ પહોંચાડતી અને અંધકારને ચીરતી ચીસ વાતાવરણમાં પ્રસરી. કુતૂહલવશ ઉમટેલી ભીડ ચીસની દિશામાં ઢસડાતી ગઈ.
લોહીના ખાબોચિયાં વચ્ચે પડેલો દેહ જોઈ ઓઢણી પાછળ ધબકતાં દરેક હૈયે લગભગ હાશ અનુભવી. દ્રષ્ટિભ્રમની પછેડી ઓઢી કેટલીયે આંખોએ લોહીથી મઢેલી કટારવાળો હાથ ભીડમાં ઓઝલ થવાં દીધો.
© લેખક :-નેહા બગથરીયા*