Home Culture સાહિત્ય વારસો વાર્તા સ્પર્ધા ૧૯

સાહિત્ય વારસો વાર્તા સ્પર્ધા ૧૯

1173
0

સાહિત્ય વારસો વાર્તા સ્પર્ધા ૧૯

શીર્ષક: નવઘરુ

પાવળિયો ડાકલાના પડામાં ફુંકો મારી દાંડી ઉપર દાંડી ચોડે છે. ડાકલું ડાહડૂમ..ડાહડૂમ..
વાગી રહ્યું છે.. ભૂવાએ કાળોતરની જેમ ફુંફાડો મારી હાકોટો કર્યો,”હે….હે…આ બાઈને નવઘરુ શે નવઘરુ.”
ચમનાની પત્ની છૂટાવાળ ઘૂમાવતી, દાંત કચકચાવી, બંગડીઓ ખખડાવી, કિકિયારીયો કરતી, ખડખડાટ હાસ્ય કરી બરાડી, “હા…હા…મારુ ધૂપ લાય…નકે..કાસોને કાસો ભરખી જઈશ.”
“હળવી રે છપરપગી ! ઘાયણ રાખ તને ઓળસી” અબીલ, ગુલાલ, અત્તર, બંગડી, બોપટ્ટી, કંકું, મેંસ, ચોટલો, સિંદૂર, પાંચ હજાર રૂપિયા, કિલો પેંડા-ચવાણું લઈ પોટલું બાંધી હાથમાં ખુલ્લી તલવાર સાથે “આવી તો કેટલીય બલા-આળો કાઢી નાખી.” આમ ફાંકા મારતો ભૂવો આગળ જાય છે.
ચાર રસ્તે તલવારથી કુંડાળું કરી નીકળ્યા. કાળી રાત્રી ખાવા કરતી હતી.વગડો આખો ટમરાંના અવાજ અને શિયાળવાંની લાળીઓથી ગમગીન હતો.યુવાનો એકબીજાની જીગરે સાથે ચાલ્યા જતા હતા.
સાંકડા નેળિયામાં આ બધાએ પ્રવેશ કર્યો.જાળામાં ઓથે લપાઈને બેઠેલું હોલું ફડફડાટ કરતું ઉડ્યું. બધાનાં રૂવાડાં ખડાં થઈ ગયાં. ભુવાના હાથમાંથી તલવાર અને નવઘરાનો સામાન સરી પડ્યો.
રઘુ રબારી “રાઘવ વઢિયારી”

શીર્ષક:- અંધશ્રદ્ધા

જો વ્હાલી તું રહી ભણેલી અને જીવણ રહ્યો અભણ. તું ભલે અત્યારે એના પ્રેમમાં ગાંડી થઈ છો પણ ભણતર જરૂરી છે. અને ગામ તો જો, છેક કચ્છનાં ખડીર પંથકમાં છેવાડાનું ગામ. નાનું ખોબલા જેવું. હિના આખરે ભાગી ગઈ. એની મમ્મીના ડુસકાં પણ એણે ના સંભળાયા, એ પરણી ગઈ, જીવણ તો એની સંગતમાં ભણ્યો પણ એની મા અને બહેન એની સાક્ષરતા સ્વીકારી ના શક્યા. ઍક રાત્રે એની ત્રણ વરસની દીકરી તાવથી ધગધગે, અને તાવ કોઈ રીતે ઉતરવાનું નામ ન લે. એની નણંદ જીવલી એને રમાડવાને બહાને લઇ ગઈ મંગુ ડોશી પાસે. મંગુ ડોશીએ તો ધગધગતો સળિયો લીધો અને દીકરીનાં થાપા પર ધગધગતા ડામ દીધા. દીકરીના ઉંહકારા એને છેક ઓરડે સંભળાયા, સાથે એની મા ના પણ… વર્ષા ભટ્ટ (વૃંદા) અંજાર

શીર્ષક:-આંધળી લગની*

શિવ ભક્ત અખિલેશ દરેક કામની શરૂઆત મહાકાલના આશીર્વાદ લઈને જ કરે. નાની વયમાં જ મહાકાલના આશીર્વાદથી અખિલેશ ઉતરોતર પ્રગતિના શિખરો સર કરતો ગયો.
શિવ મંદિર પાછળના પટાંગણમાં સાધના કરતાં અઘોરીની નજરમાં અખિલેશ અને તેની પત્ની વસી ગયાં હતાં. શિવના સાક્ષાત દર્શનની લાલસામાં અખિલેશ અઘોરીની વાતોમાં તણાતો ગયો.
“મહાકાલને પ્રસન્ન કરવાં હવન કરવો પડશે, પણ એ પહેલાં તારે બધી માયા મહાકાલના ચરણમાં અર્પણ કરવી પડશે તો જ શિવ દર્શન થશે.” અઘોરીની વાતથી સહમત અખિલેશે બધી કમાણી સાથે લાવી અધોરીના ચરણોમાં મૂકી. તેમજ પોતાની પ્રાણ પ્યારી આન્યાને સાથે લઈ હવન કરવાં બેઠો. હરખે શિવ દર્શનની ઘેલછામાં તે હવન અને પૂજામાં લીન થઈ ગયો.
આંખો ખૂલતાં ખબર પડી આજ બે દિવસે તે ભાનમાં આવ્યો છે. તેની શ્રધ્ધા અંધશ્રધ્ધામાં પલટી અને અનર્થ થતાં તે રોકી ન શક્યો. અખિલેશની અંધશ્રધ્ધાએ માસુમ જીવ હવસનો શિકાર થયો.
© લેખિકા :-નેહા બગથરીયા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here