“મમતાનું ઝરણું”
નવ્યાનું દિલ આજે જોરશોરથી રડતું હતું. આમ તો ખુશીનો અવસર હતો. ઘરનાં બધાં ઈશ્વરની પ્રાર્થના કરી રહ્યાં હતાં કે, નવ્યા એક સુંદર અને તંદુરસ્ત બાળકને જન્મ આપે. કોઈ અડચણ ઉભી નાં થાય. પણ.. નવ્યા એકલી અંદર અંદર રડી રહી હતી. આમ તો તે આજે બીજી વાર માતા બનવા જઈ રહી હતી. પહેલા પણ ફૂલ જેવો દિકરો રાહુલ ઈશ્વરે દીધો હતો . ઘરમાં સંયુક્ત કુટુંબ એટલે રાહુલ નો ઉછેર સારી રીતે કરી રહ્યા હતાં. બધાં સુખી હતા. આજે સૌનાં ચહેરા પર હોસ્પિટલમાં એક આનંદ છલકાતો હતો કે, હમણાં એક કિલકારી ગુંજી ઉઠશે! અને હોય પણ કેમ નહિ… આવવા વાળું એ બાળક પતિની ઈચ્છાથી જેઠાણીની ખાલી કુખ ભરવાનું હતું. ત્યાં જ એક ડૂસકાંનો અવાજ આવ્યો. અને હોસ્પિટલમાં શાંતિ ફરી વળી.
રૂપલ મહેતા (રુપ ✍️) અમદાવાદ
એસિડ એટેક
વર્ષા અને વનરાજ બંને એકજ કોલેજમાં સાથે અભ્યાસ કરતા. વર્ષા ભણવા ગણવામાં ખૂબ હોંશિયાર હતી. કોલેજમાં સાથે હોવાથી વનરાજ વર્ષાને દિલ દઈ બેઠો. એક દિવસ બંને સાથે ચાલતા હતા ત્યારે વનરાજે વર્ષાને દિલની વાત કહી. કહેતાની સાથે જ વર્ષા ખૂબ ખખડીને હસવા લાગી અને બોલી ” હું તને મારો બેસ્ટ ફ્રેન્ડ માનું છું. તારી અને મારી વચ્ચે પ્રેમ ન થઈ શકે! “
બે દિવસ પછી વર્ષા એકલી બસ સ્ટોપ પર ઊભી હતી ત્યાં અચાનક વનરાજ બાઈક લઈ બે મિત્રો સાથે આવ્યો. તેના હાથમાં એસિડની બોટલ હતી અને સામે વર્ષાનો ચહેરો. ત્યાં જ વનરાજના ખિસ્સામાં રહેલો મોબાઈલ રણક્યો. સામે તેની બહેનનો કણસતો અવાજ સાંભળતા જ તેને એસિડની બોટલનો ઘા કર્યોં.
© લેખક :- લુહારિયા બળદેવ(મહેસાણા