હાઇવે પર જોખમી રીતે બાઇક રેસ કરતા યુવકોનો વિડીયો વાયરલ

રાજકોટ – જામનગરનો વિડિયો હોવાનું કહેવાય છે

રાજકોટમાં મોડીરાત્રે નબીરાઓએ સૂતા-સૂતા બાઇક રેસ લગાવી, જોખમી સ્ટંટ કરતા યુવકોનો વિડીયો વાયરલ. \"\"

ગુજરાત : રાજકોટમાં સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવા માટેની ઘેલછા યુવાધનમાં યથાવત જોવા મળી રહી છે.આ પ્રકારના વિવિધ વિડીયો સમયાંતરે સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર જીવના જોખમે બાઈકનાં સ્ટંટનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં રાત્રે નબીરાઓએ તેજીથી બાઈક ચલાવતા હતા અને બાઇક પર સુતા-સુતા બાઈક રેસ કરતા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રાથમિક રીતે મળતી જાણકારી મુજબ આ વિડીયો જામનગર હાઇવે પરનો હોવાનું સામે આવ્યું છે. જોકે આ વિડીયો ક્યારનો છે તેની વિગતો સામે આવી નથી. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જાણવા મળતી વિગત અનુસાર સોશિયલ મીડિયામાં એક વિડીયો ભારે વાયરલ થયો છે. જેમાં નબીરાઓ બાઈક ઉપર સુતા-સુતા રેસ લગાવી રહ્યા હોવાનું જોઈ શકાય છે. આ વિડિયો જામનગર હાઇવે પરનો હોવાનો મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને પોલીસ સતર્ક બની છે. તેમજ નબીરાઓને કાયદાનો પાઠ ભણાવવા માટે તેને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂ કરી છે. અગાઉ એક વર્ષ પહેલા આવી જ એક રેસમાં 2 વ્યક્તિનાં મોત થયા હતા ત્યારે ફરીથી આવી જ એક ઘટના સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

અહેવાલ ભરત ભરડવા / રોહિત ભોજાણી રાજકોટ