કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગુજરાતના ભાવનગરની ૩ આશાસ્પદ યુવતીઓનું મૃત્યુ
ઉતરાખંડ : કેદારનાથ ધામ પાસે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું જેમાં 3 યુવતી અને બે પાયલોટ સહિત સાત પ્રવાસીઓ હતા માહિતી મુજબ આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે તમામ 7 લોકોના મૃત્યુ થયા છે.
કેદારનાથ પાસે સર્જાયેલી દુર્ઘટનામાં ભાવનગરના બારડ પરિવારના ઉર્વિ બારડ (ઉ.વ.૨૫), કૃતિ બારડ (ઉ.વ.૩૦) તથા પૂર્વા રામાનુજ (ઉ.વ.૩૬)ના મૃત્યુ થયા છે. તેઓએ આર્યન એવિએશન ગુપ્તકાશી મારફત આ યાત્રાનું બુકિંગ કર્યું હતું.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્રિય ઊડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, આ દુર્ઘટના બાબતે રાજ્ય સરકારના સંપર્કમાં છીએ. સરકાર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે.
તા. 17ના રોજ ગુપ્તકાશીથી કેદારનાથની ઉડાન ભરી હતી. કેદારનાથથી ગુપ્ત કાશી પરત આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના થઈ હોવાની માહિતી મળી છે. ઓનલાઇન બુકિંગ કરવા સમયે ઓળખપત્ર આપ્યા હતા તેના પરથી તેમની ઓળખ થઇ છે.