કલમના કસબી સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" એડમિન પેનલ

કલમના કસબી
શીર્ષક: વસંત પંચમી

રાજવી હજુ ૧૯મા વર્ષમાં પગરણ માંડી રહી હતી, ત્યાં જ એના લગ્નની વાત ચાલી.એને અંદરખાને એવી ઈચ્છા ખરી કે એનો ભરથાર સૈન્યમાં હોય. એમાં જ્યારે ઉમેદસિંહની વાત આવી તો એ રાજી રાજી થઈ ગઈ.બચપણથી જ મા વિના મોટી થઈ જેમાં અપમાન ,નફરત અને ક્રોધ જ હતાં.પિતા પણ માતાના મોત માટે એને જવાબદાર ગણતાં.લગ્નની વાત રાજવી માટે થોડા પ્રેમ , પ્રશંસા અને કદરનાં અમીછાંટણા લાવી .ઉમેદસિંહે રાજવીને તસવીરોમાં જ જોઈ હતી . મોબાઈલ યુગના આ યુગલનો પરિચય અને પરિણય એમાં જ સમાયો.
બધું જ સ્વપ્ન જેવું લાગી રહ્યું હતું રાજવીને .આટલો સ્નેહ, લાગણી કે ફિકર આજ સુધી એણે અનુભવી નહોતી…એક સૂકા ભઠ જીવનમાં જાણે વસંત !ઉમેદસિંહ સાથેના આ સુંવાળા સુવાસિત દિવસો જાણે નજરાઈ ગયાં.ઉમેદ સિંહે પાછા આવી ખૂબ સોણલાં સજાવવાની ઉમેદ જગાવી હતી,પણ..રાજવીની ભાગ્યરેખા જ ટૂંકી હતી.ઉમેદસિંહ આતંકવાદીઓને હાથે વીરગતિ પામ્યો.રાજવી તો સાવ અવાચક થઈ ગઈ.નફરત કરવાવાળામાં હવે સાસરિયાંનો ઉમેરો થયો.પિતાને ત્યાં પાછી આવી હવે તો નજરકેદ થઈ ગઈ.વિધવાનું લેબલ જે લાગ્યું.ચારેબાજુ સહરાના રણ જેવી શુષ્કતા.રાજવીનો એકમાત્ર સહારો એટલે એનાં પુસ્તકો. એનાં સહારે એણે દિવસો કાઢવા માંડયા.કોઈ આશા, કોઈ અપેક્ષા વિના. રણબીર એ જ ગામમાં રહેતો એક એવો જ કમનસીબ યુવાન હતો જેનાં પિતા ખૂની હતાં,મા એને મૂકી ભાગી ગઈ હતી.આપબળે શિક્ષણ મેળવી એણે ગામમાં એક નાનકડી દુકાન ખોલી હતીપુસ્તકોની. શહેરમાં જતાં એક વાર હડફેટે આવી જતાં એક પગ ખોઈ બેઠો.રણવીરે આ અકસ્માત બાદ હાથ હેઠાં મૂકી દીધાં. જીંદગી એક યંત્રની જેમ પસાર કરવા લાગ્યો.રણબીરને ગામનાં એક વડીલે રાજવીની કમનસીબીની વાત કરી અને બંને એકબીજા માટે એકદમ યોગ્ય સાથી બની શકે એમ સૂચવ્યું.એ જ વડીલે રાજવીનાં પિતા સાથે વાત કરી.રાજવી માટે ખૂબ સંવેદનશીલ વાત હતી.ત્રણ વર્ષ વીતી ગયાં હતાં ઉમેદસિંહની વિદાયને.પણ સમાજમાં એની ગર્વાન્વિત પત્ની તરીકે જીવવાનું બહુ દોહ્યલું હતું.
રણબીર -રાજવીએ સાથ નિભાવવાનું નક્કી કર્યું.એકની શારિરીક ખોડ,બીજીનો સામાજિક દંશ. રણબીરે આજ સુધી ન પામેલ લાગણી મેળવી અને રાજવીએ સમાજમાં સ્થાન.વસંતપંચમી બન્નેના જીવનમાં મહોરી ઊઠી.
માયા દેસાઈ

કલમના કસબી
વસંત

શિશિર પછી શરૂઆત થાય છે વસંતની. વસંતનું આગમન એટલે જાણે વાતાવરણે એક અદ્ભુત રૂપ ધારણ કર્યું હોય એવું સુંદર અને મનમોહક દ્રશ્ય. વૃક્ષો પર નવી કળી અને નવા પાન-ફૂલનું આગમન જાણે વૃક્ષે લીલી સાડી પહેરી હોય તેવું રમણીય દ્રશ્ય. વાતાવરણમાં એક નવી જ તાજગીનો અહેસાસ. વાતાવરણ નવા ફૂલોની સુગંધથી ચારે બાજુ મહેંકી ઊઠે છે. શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન એટલે વસંત.
વસંત આવતાં જ વાતાવરણ તો ખીલી ઊઠે છે સાથે તહેવારોનું આગમન પણ થાય છે. વસંતપંચમી, શિવરાત્રિ,હોળી-ધુળેટી વગેરે કેટલાય તહેવારો. વસંત પંચમીને તો \”જ્ઞાનપંચમી\” પણ કહે છે. માં સરસ્વતીએ આ દિવસે બ્રહ્માના મુખમાંથી પોતાનું અસ્તિત્વ ધારણ કર્યું હતું તેથી તે દિવસે મા સરસ્વતીનું પૂજન પણ કરવામાં આવે છે. જેમાં પીળા રંગનું ખૂબ જ મહત્વ હોય છે. શિવરાત્રી એટલે મહાદેવજીનો તહેવાર. હોળી ધુળેટી રંગોનો તહેવાર. વસંત આવા તહેવારોના રંગોથી રંગાઇ જાય છે. પવનના વેગમાં એક નવો જ આનંદ હોય છે. કોણ જાણે આ વસંત કેટકેટલા લોકોનું મન હરશે! પ્રકૃતિના ખોળે નવીનતમ સુંદરતાનો અહેસાસ એટલે વસંત.
\”વસંત આવી નવી મહેક લાવી, જીવનમાં નવો ઉમંગ લાવી\”.
મૈત્રી ઉપાધ્યાય-અમદાવાદ

કલમના કસબી સાહિત્ય ગ્રૂપ
શીર્ષક : યાદ

યાદ…પહેલા વરસાદની છાંટથી મહેકી ઉઠેલી માટી જેવું ભીનું ભીનું સંભારણું. વર્તમાન અને ભૂતકાળ વચ્ચે મનમસ્તિસ્કને હિંડોળે ઝૂલાવતું પારણું.
કઠોર હૃદયમાં પણ સંવેદનશીલતાનો ધોધ વરસાવનાર ઝરણું એટલે મનગમતી યાદ. પ્રિયજન સાથેનાં મધમીઠા સહવાસની હોય કે અસહ્ય વેદના આપતાં વિરહની, વ્યક્તિનાં સ્મૃતિપટ પર વીતેલી ક્ષણોનાં અવશેષરૂપે હૃદયની ભીતર જે કંડારાય તે છે યાદ.
કેટલાંક સ્મરણ એવા પણ હોય છે જે વ્યક્તિની અંદર રહેલી લાગણીઓનાં મરણ માટે જવાબદાર હોય છે. જીવનનાં કડવાં અનુભવોથી ઋજુ હૃદયમાં નફરતની તંગ રેખાઓને રચનારું વમળ એટલે અણગમતી યાદ.
યાદોં ફક્ત સજીવ જોડે જ નહી નિર્જીવ વસ્તુ જોડે પણ જોડાયેલી હોય છે. આપણે પૈસાથી ગમે તેટલાં અમીર થઇ જઈએ પણ તેનાં માટે કરેલો સંઘર્ષ અને ગરીબી સાથે જોડાયેલી યાદોં પણ વ્યક્તિનાં જીવનનો અમૂલ્ય ખજાનો હોય છે. વર્ષો જૂની એક નાની અમથી ઓરડી, એનો દરવાજો ખોલતા પ્રસરાતી મહેનતનાં પરસેવાની મંદ-મંદ સુવાસ અને રોમ-રોમને વળગી જતી ભૂતકાળની અનુપમ યાદ. કોઈ હાજર ન હોવા છતાં પણ થતો પૂર્ણતાનો અહેસાસ…બસ એ જ તો છે યાદોંની કમાલ. ભાગદોડ કરતી જિંદગીમાં સમી સાંજનાં સથવારે મનનો બે ઘડીનો વિસામો એટલે મનગમતી યાદ.
ઘણી વાર મનગમતું ના મળે ત્યારે જીવન અણગમતું બની જાય છે…પરંતુ જે મળ્યું છે એ માણીને જીવનમાં નવેસરથી નવી શરૂઆત કરવી જોઈએ અને નવી યાદોં બનાવવી જોઈએ. દરેક વ્યક્તિને જીવન પોતાનું શ્રેષ્ઠ આપવા માટે તૈયાર જ હોય છે, કદાચ આપણું સંકુચિત મન અને હૃદય જ એ નવું સ્વીકારવા તૈયાર નથી હોતું. પરંતુ વિસ્મરણ એ મનુષ્યને કુદરત તરફથી મળેલી અણમોલ ભેટ છે. સમયાંતરે નિકટતમ વ્યક્તિ પણ ભૂલાઈ જતું હોય છે અને અજાણતા જ જીવન જીવાઈ જતું હોય છે. પૃથ્વી પરનાં જીવમાત્રને દુઃખદાયક યાદોંનું વિસ્મરણ કરીને, નવપલ્લવિત યાદોનું સર્જન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના સહ,
પાયલ શાહ \” ઝાકળ \”