કલમના કસબી સ્પર્ધા – ૧૭

શીર્ષક – શિવ (હાઈકુમાળા)

પરમ તત્વ
ને સનાતન સત્ય,
જીવ ને શિવ.
ત્યાગી અમૃત
વિષપાન ગ્રહણે,
તું નીલકંઠ.
શ્રાવણ માસે.
બિલીપત્ર અર્પણ
શિવલિંગને.
પોઠિયો નંદી,
આજીવન સેવક
ને સાથીદાર.
અવતરણ
ગંગામૈયાનું, જટા
મહાદેવની.
કાયાએ ભસ્મ,
રૂદ્રાક્ષ, ડમરું ને
ત્રિશૂલ શસ્ત્ર.
કૈલાસવાસી,
અર્ધનારીશ્વર કે
શિવશંકર.

પ્રકૃતિ \’પ્રીત\’

શીર્ષક : જય ભોળાનાથ ઝાલો મારો હાથ

ચઢાવું ફુલ-હાર ને ધતૂરો ય સાથ,
હાથ મારો ઝાલજો હે ભોળાનાથ,
હું છું બટુક બ્રાહ્મણ; તું મારો પ્રાણનાથ,
આવ્યો શરણે તારે હે મારા દીનાનાથ,
ન કોઈ છપ્પનભોગ, માત્ર જળથી ય રીઝનાર!
ભોળો ભૂખ્યો ભાવનો, વિષ પણ પ્રેમે પિનાર!
કરમાં છે ત્રિશુળ ને ડમરું સંગાથ,
ભસ્મ ચોળી અંગે; ત્રિપુંડ છે લલાટ,
શોભા તુજ વર્ણવવા નથી શબ્દો પાસ,
આનંદ અનેરો અનુભવુ જ્યાં તારો સહવાસ,
આદી તું, તું જ અંત, અનંત ને અમાપ!
લળી લળી વંદુ તુજને હે જગતનાં તાત,
તું જ ભોળો, તું જ શિવ, તું જ મહાકાળ!
હું અબુધ; જો થાય ચૂક, લેજે સદા તું સંભાળ.

વૈશાલી મહેતા.

શીર્ષક :- હે ભોલે

બાળ આવ્યો શરણે તારી,
હે, ભોલે
રહેજે સાથે મારી….!
દુનિયામાં ભીડ છે ભારી,
હે, ભોલે
હાથ પકડી લેજે ઉગારી…!
હું અબૂધ અજ્ઞાની,
હે, ભોલે
જ્ઞાનનો તું ભંડારી…!
વિષ પીધું જગ ઉગારી,
હે, ભોલે
તું કહેવાય જટાધારી…!
સુખ, સમૃદ્ધિ સૌને અર્પી,
હે, ભોલે
તું પહાડોનો નિવાસી..!
પૂરી કર \”આકાંક્ષા\” મારી,
હે, ભોલે
લેજે મને તું ઉગારી….!

શીલા પટેલ \”આકાંક્ષા

શીર્ષક – ભોળાનાથ

એક ભોળો બીજા ભોળોને પ્રેમથી ભજે,
નિઃસ્વાર્થ જે ભજે, પ્રભુ એના પર રીજે.
ભક્તોનો સહવાસ ત્યાં સદાશિવનો વાસ,
કણકણમાં વસનારાનો મળે સઘળે આભાસ.
જેની પાસે કાયમ સહુ આશિષ માંગવા આવે,
બાળ નાનું, પ્રભુ કેમ છો ? પૂછવાને આવે.
નાનો ભક્ત કરે ત્રિપુંડ શિવ ભાલે,
ભવભવના દુઃખ પાર કરે બમબમ ભોલે.
બિલ્વપત્ર,ધતૂરો, ભભૂત, રુદ્રાક્ષથી શોભે મહાયોગી,
નમઃ પાવૅતી પતયે હર હર મહાદેવ જાપથી રહો નિરોગી.

હિના મહેતા ( સૃષ્ટિ)

શીર્ષક : જોગીડો જટાધારી

‌જોગીડો જટાધારી

શંભુ લાગે રે સોહામણો
જોગીડો જટાધારી (૨)
ભોળો રૂડો ને રૂપાળો
ભભૂત ભેખધારી(૨)
શંભુ લાગે રે સોહામણો…
શિવ વ્યાઘ્ર ચર્મધારી
સંગ પાર્વતી છે નારી (૨)
ગણેશ કાર્તિક સંગે
થયા નંદીની સવારી
શંભુ લાગે રે સોહામણો…
ગળામાં પહેર્યા સર્પો
કાનમાં કુંડળ સર્પો (૨)
પહેર્યા બાજુબંધ સર્પો
સુંદિર સર્પધારી (૨)
શંભુ લાગે રે સોહામણો…
ભાલે બીજ ચંદ્ર ધારી
સોહે ત્રિનેત્ર ભારી (૨)
જટામાં ગંગે પ્યારી
ડમરૂં ત્રિશુળ ધારી (૨)
શંભુ લાગે રે સોહામણો…
ભોળા ભાંગના છે ભોગી
યુગોના છે યોગી (૨)
કરે રોગીને નિરોગી
ચંદન લેપ ધારી (૨)
શંભુ લાગે રે સોહામણો…
દેવોને અમૃત આપ્યું
ગળે વિષને સ્થાપ્યું (૨)
ધરે બાલુડાં ચરણોમાં
બિલીપત્ર તારી (૨)
શંભુ લાગે રે સોહામણો…..

અમૃતાબા ડી. જાડેજા

શીર્ષક:- શિવશંકરનો ચેલો

નાનો હતો ત્યારે સૌ,
કહેતા મને ભોળો.
હું શિવશંકરનો ચેલો
માથે રાખું હાથ,
ચડાવું ફૂલનો હાર.
હું શિવશંકરનો ચેલો.
ગળામાં છે રુદ્રાક્ષ,
ૐ શિવશંકર જાપ.
હું શિવશંકરનો ચેલો.
એકમુખી દ્વિમુખી,
પંચમુખી કહેવાયો.
હું શિવશંકરનો ચેલો.
શ્રધ્ધા વિશ્વાસની,
લીધી છે જોળી.
હું શિવશંકરનો ચેલો.
જીવનો શિવ બેઠો,
અંગે ભભૂત લગાવી.
હું શિવશંકરનો ચેલો.
૧૦૮ નામ જાપથી,
હું આશુતોષ કહેવાયો.
હું શિવશંકરનો ચેલો.
કોટી કોટી પ્રણામ,
કોટી કોટી વંદન.
હું શિવશંકરનો ચેલો.

મીના માંગરોલીયા મીનુ.

કલમના કસબી સંચાલક: જીજ્ઞા કપુરિયા “નિયતી” એડમિન પેનલ