◆ બે ઝાડ વચ્ચે જાડી દોરી બાંધીને ભીખુ હાથમાં લાંબી લાકડી લઈને બેલેન્સ કરીને ચાલી રહેલો, એના ખભા પર એની 2/3 વર્ષની બાળકી ઉભી હતી… અને નીચે એની ઘરવાળી માણકી સ્ટીલની થાળી પર નાની લાકડી વડે ઘા કરીને કર્ક્સ આવાજમાં વગાડી રહી હતી…
જમીનથી લગભગ 8/10 ફૂટની ઉંચી દોરી, એના પર ઉભેલો 5 ફૂટનો ભીખુ, અને એના ખભાપર બાળકી.. જોનારાના જીવ અધ્ધર હતા… જો જરાપણ બેલેન્સ બગડે તો બાળકી નીચે પછડાઈ શકે એમ હતું…
◆ પેટ કરાવે વેઠ,એ વાક્યને યથાર્થ કરતું દૃશ્ય લોકો જોઈ રહ્યા હતા… એક ડબ્બો ખખડાવીને લોકોનું ધ્યાન આકર્ષિત કરતી ભીખુની બીજી બાળકી લોકો પાસેથી આ સરકસ જોવાના પૈસા ઉઘરાવી રહેલી અને લોકોપણ ખુશીથી એમાં પોતાનો ફાળો આપી રહેલા…
દોરી પર સરકસ કરતા ભીખુને પરસેવો બાઝી રહેલો… એના માથાનો પરસેવો એની આંખમાં આવી રહેલો જેના કારણે એને આંખમાં બળતરા થતા, એ છતાંપણ એ જેમતેમ કરીને દોરીના બીજા છેડાપર પહોંચી ગયો…
◆ નાના મોટા સૌએ તાળી વગાડીને એને વધાવી લીધો, અનેક લોકોના શ્વાસ ઊંચે ચડી ગયેલા… આટલી નાની બાળકીને લઈને આવા ખતરનાક ખેલ કોઈ કેમ કરતું હશે??
લોકો સીટી વગાડીને એનું સ્વાગત કરી રહેલા, પૈસા પણ સારા એવા જમા થયેલા… દોરીથી નીચે ઉતરીને ભીખુ પોતાની બાળકીને ચૂમવા લાગ્યો… *એનું કપાળ અને હાથ ચૂમી રહેલો, એની લાલઘૂમ આંખના કિનારે આશું આવીને રોકાઈ ગયેલા…
◆ ઘણાં લોકો ભીખુની બહાદુરીના વખાણ કરી રહેલા… આમ દોરીપર એક છેડાથી બીજે છેડે જવું કઈ ખાવાનું કામ નથી… ભીખુ તો મર્દ છે. વગેરે વગેરે…
એક નેતા ટાઈપ માણસે ભીખુની તારીફ કરીને 100 રૂપિયા ઇનામમાં આપ્યા, અને જો ફરી એકવાર આ કરતબ કરે તો રૂપિયા 1000 હજાર આપવાની વાત કરી… ત્યાંતો લોકો હોંકારો કરવા લાગ્યા, ભીખુ… ભીખુ… કરીને લોકો એને પાનો ચડાવવા લાગ્યા…
◆ જો ભીખુ આ કરતબ ફરી એકવાર કરે તો એને બીજા હજાર, પંદરસો મળી શકે…
પેટમાટે કેટલું જોઈએ!!… ભીખુ પોતાની નાની બાળકી સામે જોઈ રહેલો, માણકી એની પાસે આવીને ઉભી રહી, એની આંખોમાં આશું હતા.
ત્યાંજ પેલા નેતા ટાઈપ માણસે એને કહ્યું ભીખુ તું બહાદુર છો, તારી માટે તો આ રમતની વાત કહેવાય… ફરી એકવાર જો કરતબ દેખાડશે તો તને ઘણાં પૈસા મળી શકે એમ છે. જા કરતબ દેખાડ…
◆ ભીખુની આંખમાં મજબૂરી હતી પણ પૈસાની લાલચ ન હતી… એ ધીરેથી ઉભો થયો… બધાની સામે હાથ જોડીને ઉભો રહ્યો… તમને મારા પર એટલો વિશ્વાસ છે??
કુંડાળું કરીને ઉભેલા દરેક લોકોએ એકજ આવાજમાં હાં કહી…
જો તમને મારાપર એટલોજ વિશ્વાસ છે. તો! શું તમારું બાળક મને આપશો!!*
અચાનક માહોલ બદલાઈ ગયો,જે લોકો ભીખુને પાનો ચડાવી રહેલા એ લોકો…
ભીખુને ચપ્પલ અને લાત ઘુંસા મારી રહેલા, ભીખુની બંને બાળકી અને માણકી રાડારોળ કરવા લાગ્યા,
◆ લોહીથી લથપથ ભીખુ કણસી રહેલો, એના ડબ્બામાં જમા થયેલા પૈસા પણ તમાસગીર લોકો લઈ ગયા…
◆ C. D. Solanki
◆ Mob. 8108641599