તૌકેતે વાવાઝોડાના સંભવિત નુકસાનીથી બચવા જિલ્લા ખેતીવાડી અધિકારીની ખેડૂતોને અપીલ

તૌકેતે વાવાઝોડાના સંભવિત નુકસાનીથી બચવા જિલ્લા ખેતીવાડી અધિકારીની ખેડૂતોને અપીલ
ખેડૂતોને સાવચેતી અને સલામતીના યોગ્ય પગલાં લેવા ભલામણ

કિરીટ સુરેજા
મોરબી :
તૌકેતે વાવાઝોડા થી સંભવિત નુકસાની ટાળવા ખેડુતોને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા હાલમાં ખેતરમા ઉભા પાક જેવા કે, ઉનાળુ મગફળી, તલ, બાજરી, ઘાસચારો, શાકભાજી વગેરે પાકમાં જોખમ ઘટાડવા ખેડૂતોએ નીચે મુજબની સાવચેતી અને સલામતીના પગલાં લેવા ભલામણ કરવામાં આવે છે.
વાવાઝોડાના કારણે તેજ પવન તથા છુટાછવાયો હળવાથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂતોએ હાલ ઉભા પાકમાં પિયત આપવાનું કે દવા છાંટવાનું ટાળવુ .ખેતરમાં ઉભા પાકની કાપણી મુલતવી રાખવી અને પાણીના નિતારની યોગ્ય વ્યવસ્થા કરવી. અગાઉ કાપણી કરેલ પાકના થ્રેશર અને ખળાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા અથવા તાડપત્રી/ પ્લાસ્ટિક થી ઢાંકવું તેમજ ઢગલાની ફરતે માટી ચઢાવી ઢગલામાં પાણી જતુ અટકાવવું. નવા પાકનું વાવેતર હાલ પુરતો ટાળવુ.
બાગાયતી પાકોમાં ફળોની સમયસર વીણી કરીને વાવાઝોડા સામે રક્ષણ માટે ટેકા મુકવા તથા મોટા ઝાડ જોખમી હોય તો તેનુ કટિંગ કરવું. ફળ પાકો/શાકભાજી ઉતારીને બજારમા વરસાદ પહેલાં જ પહોંચાડી દેવા.
ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા. પશુઓ ને વિજળીના થાંભલા કે ઝાડ નીચે ન રાખતા સલામત સ્થળે રાખવા અને દોરી/ સાંકળ થી બાંધવાનું ટાળવું. રાસાયણિક ખાતર કે નવુ ખરીદેલ બિયારણ પલળે નહીં તે મુજબ સુરક્ષિત જગ્યાએ રાખવુ. વેચાણ અથવા સંગ્રહ માટે લઇ જવાતી ખેતપેદાશો તાડપત્રીથી ઢાંકી ને જ લઇ જવી. ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છંટણી અવશ્ય કરવી. વધુ માહિતી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી અથવા કિસાન કૉલ સેન્ટર ના ટોલ ફ્રી નંબર 1551 (18001801551) નો સંપર્ક કરવા વિનંતી.

\"\"