નવાગઢની ધરતીના વિખરાયેલા મોતીવાત છે. ઉત્તમ શિક્ષક અને ગ્રંથપાલ હાસમભાઈ બેલીમની,,
લેખક : વૃજલાલ રાદડીયા – જેતપુર/નવાગઢ
ગુજરાત : આ વાત છે એ સમયની જ્યારે નવાગઢની બુનિયાદી શાળાનો સમય સવારે અગિયારથી સાંજના પાંચ સુધીનો હતો,ધોરણ ૧ થી ૭ ના બધા વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં આવેલ લીમડા નીચે ક્રમમાં ગોઠવાઈ ગયા. પ્રાથનાની શરૂઆત થઈ નટુ માસ્ટર તબલા વગાડે છે ને મનસુખ માસ્તર હાર્મોનિયમ, ધોરણ ૭ ના બે વિદ્યાર્થીઑ ઊભા થઈ પ્રાર્થના ગવરાવે છે, \”પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને,આપે વિદ્યા કેરું જ્ઞાન આપે વિદ્યા કેરું જ્ઞાન\” પ્રાર્થના પૂરી થયા પછી હેડ માસ્તર ( મ, ઈ, વ્યાસ ) મનસુખ ઇશ્વર વ્યાસે ઊભા થઈને પરિણામ જાહેર કર્યું સરકારના પરિપત્રના અનુસંધાને બધા વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ પાસ કરી ઉપલા ધોરણમાં બેસાડવામાં આવશે અને નિશાળના પટાંગણમાં લીમડા નીચે બધા વિદ્યાર્થીઓ એ ખુશ થઈને રિડીયા રમણ મચાવી દીધી, કોઇએ ખુશીમાં ઠેકડા માર્યા, કોઈએ દફતર ભટકાવ્યા. કોઇએ ચિચિયારી બોલાવી કોઈએ સિટીઓ વગાડી,ધમાલ પુરી થયા પછી વેકેશન ખૂલવાની તારીખ આપી, અને હાસમ બેલીમ ઊભા થયા તેમણે ધોરણ ૫ ના વિદ્યાર્થીઓને કાલે દફતર લઈ ચાર દિવસ સ્કૂલે આવવા સૂચના આપી, ધોરણ ૫ ના વર્ગ શિક્ષક પોતે હતા.૧૯૭૪નું વર્ષ ગુજરાતમાં નવનિર્માણ આંદોલનનું વર્ષ આ આંદોલનમાં જેતપુરમાં તોફાનો પણ ખૂબ થયેલા. પુરા ગુજરાતમાં બધાજ વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ પાસ કરેલા. પણ હાસમ સાહેબને પોતાનો વિદ્યાર્થી આ રીતે પાસ થાય તે ન ગમ્યું. વિદ્યાર્થી પોતે ક્યાં છે તે તેની સમજણમાં હોવું જોઈએ. ચાર દિવસ સુધી પોતે પોતાના ક્લાસના વિદ્યાર્થીઓ પરીક્ષા લીધી. પરીક્ષા પૂરી થયા પછી એક એક વિદ્યાર્થીને બોલાવી તે ક્યાં કાચો છે તે વિગતે સમજાવી વેકેશનમાં ત્યારી કેવી રીતે કરવી એ સમજાવી વિદાય આપી. સમય અને શિસ્તના આગ્રહી ગ્રે કલરનો શર્ટ અને કાળું પેન્ટ, ચોવિસિયું સાઇકલ તેમનો કાયમી સિમ્બોલ અને વિદ્યાર્થીઓને ભણાવવાની અને સમજાવવાની રીત બધાથી નિરાલી. નવાગઢ ગ્રામપંચાયતમાં વલ્લભભાઈ હાપાણી તલાટી મંત્રી હતા. મંત્રી કર્મનિષ્ઠ અને હોશિયાર હતા. તેમને સરપંચને વાત કરી ગામમાં એક પુસ્તકાલય હોવું જોઈએ. સરપંચ અને મંત્રીના પ્રયાસોથી તે શક્ય બન્યું. નિશાળ અને પંચાયતના વિશાળ દરવાજાની બાજુએ આવેલ એક રૂમ પુસ્તકાલય માટે ફાળવવામાં આવ્યો,પુસ્તકાલયની સ્થાપના પછી સંચાલન કરવાનો કળશ બેલીમ સાહેબ પર ઢોળવામાં આવ્યો. લાઇબ્રેરીયન તરીકેનો કોર્ષ સાહેબે કરેલ નહિ પણ તેમની આવડતથી ખૂબ સરસ રીતે પુસ્તકોની માવજત કરતા તેમને પોતાનેએ ખ્યાલ હતો કે સારા વિચારોના બીજ પુસ્તકાલયોમાં મળે છે. પુસ્તકો મનના મેલ ધોવાનું કામ કરે છે. સારા સમાજનું નિર્માણ પુસ્તકો જ કરી શકે,પોતે સમયના આગ્રહી ટાઇમ ટુ ટાઇમ પુસ્તકાલયને સમય આપે. થોડા સમયમાં પુસ્તકાલયમાં ઘણા સભ્યો થયા. પુસ્તકો સાચવવાની અને પરત સોંપવાની બાબતે ખૂબ કડક હતા. વાંચક પુસ્તક વાંચતા જયાં પહોંચ્યા છે તે જોવા પાનું બેવડું ન વાળે તે માટે ખાસ એક જાડા કાગળનો ટુકડો પુસ્તક સાથે આપે અને પુસ્તક પુસ્તકાલયમાં પરત આવે ત્યારે પુસ્તકના પૂઠાથી માંડી પાના સુધી તેમની પરીક્ષામાંથી પાસ થાય. જરૂરી મરામત થઈ જાય.નવાગઢ જેતપુર નગરપાલિકામાં ભળ્યું, ત્યારબાદ પણ લાયબ્રેરી ચાલુ રાખવામાં આવી, બેલીમ સાહેબ જન્નત નસીન થયા ત્યાં સુધી ખૂબ ઓછા માન્યામાં ન આવે તેવા પગારે લાયબ્રેરી ચાલુ રહી. એમને તો પુસ્તકો સાથે પ્રીત હતી. પણ એમના ગયા પછી પુસ્તકો વાંચનારની સંખ્યા નથી રહી. જેતપુરમાં પણ બસસ્ટેન્ડ પાસે એકમાત્ર લાયબ્રેરી આવેલ છે. તેમાં પણ વાંચનાર વગર પુસ્તકો રુદન કરતા હોય તેવું લાગે છે.મારા મિત્ર રોહિત પટેલ સાથે પુસ્તકાલય બાબતે વાત થઈ અને અમે બંનેએ એ સમયના નવાગઢના જાહોજલાલી વાળા પુસ્તકાલયની મુલાકાત લીધી,એ પુસ્તકોની હાલત જોઈને બેલીમ સાહેબ ખૂબ યાદ આવ્યાં,,, ત્યાં તો છે બધું ભૂત રૂંવે ભેંક ાર,,
વિશેષ આભાર : ગુણવંત ધોરડા – જેતપુર