પ્રભુની અનુભૂતિ સંસારમાં રહીને પણ થાય છે…પરમ પૂજ્ય સંત જલારામ બાપા આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
ગુજરાત : પરમ પૂજ્ય જલારામ બાપાનો મહિમા વિશ્વ પટલ પર ફેલાયેલો છે. વીરપુરની પવિત્ર ભૂમિ અતિ પવિત્ર બની જ્યારે સંત શિરોમણી જલાબાપાનો જન્મ થયો હશે. તેમના વારસદારો આજેય પણ વીરપુર તેમના અન્નક્ષેત્રમાં તેમના વારા પ્રમાણે દુનિયાના કોઈ પણ જગ્યાએ હોય. વીરપુર તેમના મંદિરે સવારે, બપોરે અને સાંજે આવનાર દરેક ભક્તોને બે હાથ જોડીને કોઈ પણ પ્રકારનું દ્રવ્ય દાન અર્પણ કર્યા સિવાય વિના મૂલ્યે પ્રસાદી ગ્રહણ કરવા વિનંતી કરે છે. વીરપુરનું જલારામ મંદિર એટલે એક પણ પૈસાનું દાન નહી લેનાર વિશ્વનું એકમાત્ર મંદિર કહી શકાય. આવો જાણીએ પરમ પૂજ્ય સંત જલારામ બાપાની જીવનની અતી ઉત્તમ સાદગી અને કઠણ અમુક વાતો. બાપા માંદા પડ્યા વીરબાઈમા અને જલારામ બાપા બંને હવે પાકી વૃદ્ધાવસ્થામાં હતાં. સં. 1935ના કારતક વદ નોમ, સોમવારે વીરબાઈમાએ દેહ-ત્યાગ કર્યો. બાપાએ સાત દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી.
ગુજરાત : બાપાને પણ સ્વાસ્થ્ય સારું રહેતું નહી. રોજ હજારો ભક્તો તેમનાં દર્શન માટે આવતા. વીરબાઈમાને સાધુને અર્પણ કરતાં પહેલાં બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા. હરિરામ હજી બાળક હતા. તેથી ભક્તો ચિંતા કરતા કે કેમ થશે ? પણ બાપા કહે : \” હરિરામનો સહાયક હરિ સમર્થ છે, હું જીવતાં લાખનો અને મૂઆ પછી સવા લાખનો હોઈશ અને એ વાત સત્ય માનજો ! કારણ મારો ઠાકર સમર્થ છે. \”
બાપાની માંદગીમાં ગલાલબહેન એમને જોવા આવ્યાં હતા. વીરપુરથી છ ગાઉ પર ઉમરાળી ગામે ગલાલબહેનના સગા ભાઈ રહેતા હતા ; એથી ગલાલબહેન બાપાને કહે : \” વીરા, હું જરી ઉમરાળી જઈ આવું. \”
બાપા કહે : \” જાઓ, પણ એક રાતથી વધારે રોકાતા નહી ! \”
બાપા દેવ થયા !
ગલાલબહેન ઉમરાળી ગયાં, પણ ભાઈએ એક દીવસ વધારે રોક્યાં. ત્રીજે દીવસે એ વીરપુર આવવા નીકળ્યાં. ત્યાં રસ્તામાં એમને જલારામ બાપા મળ્યાં. એમના હાથમાં પાણીની ભંભલી હતી, અને કહે : \” બહેન, તાપ છે, તું થાકી હશે, તેથી તારા વાસ્તે પાણી લાવ્યો છું. \” આમ કહી એમણે બહેનને ઠંડું પાણી પાયુંને પછી બહેનની જોડે ચાલ્યા. વીરપુર પાસે આવ્યું એટલે કહે : \”બહેન સાધુસંત આવ્યા હશે. હું જરી ઉતાવળો જાઉં. \” એમ કહી એ ઉતાવળે પગલે આગળ ચાલી ગયાને દેખાતા બંધ થયા. ગલાલબહેન વીરપુરના પાદરમાં પહોચ્યાં ત્યાં એમણે ચેહ બળતી જોઇ. આખું ગામ ધ્રુસ્કે ધ્રુસ્કે રોતું હતું.
ગલાલબહેન પૂછે છે : \” હેં ! કોણ ગુજરી ગયું ? \”
જવાબ મળ્યો : \” બાપા દેવ થયા ! \” ગલાલબહેન સ્તબ્ધ થઈ ગયાં, કહે : \” બાપા તો મને હમણા રસ્તામાં પાણી પાઈ ગયા ! \” પછી એ સમજી કે હું ભાઈને ભૂલી, પણ ભાઈ મને ભૂલ્યા નથી.
આ ધરતી પર અમુક સમયે જ અમુક એવી વ્યક્તિ અવતરે છે જેમને ખરેખરા સંત કે બાપુ ગર્વથી કહી શકાય કારણ કે સાચા સંત/બાપુ કે ડોંગરે મહારાજ જેવી વ્યક્તિ સાચો માર્ગ બતાવે છે. કોઈપણ પ્રકારના વિવાદ જીવનમાં ક્યારેય ઊભો થયો નથી.
સંકલન : જગદીશ સોની – અમદાવાદ