મુંબઈ : મીરા ભાયંદરના કાશી મીરા વિસ્તારમાં એક બિયર બારનું નામ \’ કેમ છો\’ રાખવાથી અનેક ગુજરાતીઓ નારાજ થયા છે આ બાબતે ભાજપના મા. મંડળ અધ્યક્ષ (બોરીવલી વિધાનસભા) અમર મહેતાએ કહ્યું કે બિયર બારનું આવું નામ રાખવા પાછળ હોટેલ માલિકોનો ગુજરાતીઓની અલગ છાપ ઊભી ચોક્કસ ઈરાદો દેખાય રહ્યો છે. આ બિયર બારના માલિક અને સંચાલકો પર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ સાથેનું આવેદન મીરા ભાયંદરનાં ધારાસભ્ય ગીતા જૈન અને એમ.બી.એમ.સી.ના આયુક્ત દિલીપ ઢોલેને આપવામાં આવ્યું છે.
આ બાબતે ધારાસભ્ય ગીતા જૈનનું કહેવું છે કે અમુક નામ અને વાક્ય સાથે લોકોની લાગણી જોડાયેલી હોય છે દરેક તેનું સન્માન કરવું જોઈએ. સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી આ નામ હટાવવા માટે બનતી કાર્યવાહી કરવામાં આવશે. એમ.બી એમ સી. ના કમિશનરનો ટેલીફોનીક સંપર્ક નથી થઈ શક્યો.
અમર મહેતાએ વધુમાં કહ્યું હતું કે કોઈપણ વ્યવસાયમાં જ્યારે આ પ્રકારના નામ જોડવામાં આવે ત્યારે લોકોની લાગણી દુભાતી હોય છે. શું ગુજરાતી જ ફક્ત બિયર બારમાં જતા હોય છે એ માટે આ નામ રાખવામાં આવ્યું છે ? જ્યાં ગુજરાતી અસ્મિતા નહી જળવાય ત્યાં દરેક પ્રકારે જવાબ આપવા સક્ષમ ગુજરાતી શાંત હોય છે ડરપોક નહી. જો હોટલ માલિક વહેલામાં વહેલી તકે આ નામ નહી બદલાવે તો આંદોલન કરવામાં આવશે.