ગુજરાત : સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીની મચ્છુ નદી પરના લાકડા અને વાયરના આધારે 765 ફૂટ લંબાઈ અને 1.25 મીટરની પહોળાઈ ધરાવતા ઝૂલતા પુલનું નિર્માણ 1877માં 3.5 લાખના ખર્ચે પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા મકરાવવામાં આવ્યું હતું. શરૂઆતના સમયમાં પુલનો ઉપયોગ રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી ઝૂલતો પુલએ યુરોપિયન શૈલીનું સ્થાપત્ય છે જેનું ઉદ્ઘાટન 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં જાણીતી મોરબીના ઓરેવા ગ્રુપ દ્વારા આ પુલની દેખરેખ કરવામાં આવતી હતી. સમારકામ હેતુ છેલ્લા 6 મહિનાથી બંધ કરવામાં આવેલ પુલનું થોડા દિવસ પહેલા ઓરેવા ગ્રુપના જયસુખ ભાલોડિયાના પૌત્રીના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ પુલના સમારકામ જીંદાલ ગ્રૂપને આપવામાં આવ્યું હતું અને તેમણે 25 વર્ષની ગેરેન્ટી આપી હતી. તે સાથે સરકાર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ અને સરકારી વિભાગની 3 એજન્સીઓની તપાસ બાકી હતી. હાલ રાજ્ય સરકારે સમિતિ બનાવી તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધી બચાવકાર્ય ચાલી રહ્યું છે અને મૃતકોની સંખ્યા વધી રહી છે.