ગુજરાત : રાજકોટ શહેરમાં છેલ્લા એકાદ મહિનાથી ક્રિકેટ રમતા કે રમ્યા બાદ હાર્ટએટેક આવતા મોત થવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે માત્ર 20 દિવસમાં આવી જ ચોથી ઘટના સામે આવી છે. જેમાં હાર્ટએટેક આવતા માત્ર 31 વર્ષના યુવા પત્રકારે જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના રેસકોર્સ ખાતે આવેલા માધવરાવ સિંધિયા નામના ગ્રાઉન્ડમાં જીગ્નેશ ચૌહાણ નામના પત્રકાર ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે અચાનક ઢળી પડતા તેમને સારવારમાં ખસેડી લેવામાં આવ્યા હતા. જોકે સારવાર મળતા પહેલા યુવાન પત્રકારે દમ તોડ્યો હતો. અને ફરજ પરના ડોક્ટર્સ દ્વારા હાર્ટએટેકને કારણે મોત નિપજ્યું હોવાનું જણાવાયું હતું. જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટના રેસકોર્સ ખાતે આવેલ માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે મીડિયા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ દરમિયાન યુવા પત્રકાર જીગ્નેશ ચોહાણ ક્રિકેટ રમતા ઢળી પડતા તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફત ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પોતાની સાથે તેઓ જિંદગી હારી ગયા હતા. અને હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી હાર્ટએટેકનું કારણ આપ્યું હતું. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી આવી હતી. અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી જરૂરી તપાસ હાથ ધરી છે.મૃતક જીગ્નેશ ચોહાણ છેલ્લા લાંબા સમયથી મીડિયા સાથે સંકળાયેલા છે. અને નામાંકિત પેપરોમાં તેઓ હાલ કામ કરી રહ્યા છે. તેઓના પિતા પણ વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હોય પોતે એકમાત્ર પરિવારનો આધારસ્તંભ હતા. જો કે આજરોજ અકાળે તેમનું મૃત્યુ થતા પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે. રાજકોટમાં ક્રિકેટ રમતા રમતા કે રમ્યાના તરત બાદ અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. થોડા દિવસો પહેલા જ ક્રિકેટ રમવાના કારણે બે વ્યક્તિના મોત થયા હતા. ત્યારે બે દિવસ પહેલા પણ એક યુવાનનું ક્રિકેટ રમતા મોત થયું હતું. અને આજે વધુ એક યુવાનનું ક્રિકેટ રમતા મોત થયાના સમાચાર સામે આવ્યા છે.
અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ