રાજકોટના સર્વેશ્વર ચોક વિસ્તારમાં અસામાજીક તત્વોની વધતી જતી રંજાડનો ખુદ કોંગ્રેસ આગેવાનને અનુભવ થતા આ મામલે ક્રાઈમ બ્રાંચ સુધી રજૂઆત ઉઠી છે
રાજકોટ : ગુજરાતમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહેશ રાજપુત રાજકોટના યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોક પાસે પોતાની ગાડી પાર્ક કરતા હતા ત્યારે અપશબ્દો બોલતા શખ્સોને તેમણે ટપારતા આ લુખ્ખા તત્વોએ છરી મારવાની ધમકી આપી હતી તે સમયે લોકોના ટોળા એકઠા થતા બંને શખ્સોની ધોલાઈ કરી હતી બાદ તેઓ નાસી છૂટયા હતા. આ અંગે મહેશ રાજપુતે ક્રાઈમ બ્રાંચને લેખીત રજૂઆત કરી તાત્કાલીક કાર્યવાહી કરવા માંગણી ઉઠાવી છે. પોલીસ કમિશ્નર અને ક્રાઈમ બ્રાંચમાં લેખીત રજુઆતમાં મહેશભાઈ રાજપુતના જણાવ્યા મુજબ તા.1ના રોજ રાત્રે 8 કલાકની આસપાસ સર્વેશ્વર ચોક ખાતે અજાણ્યા બે વ્યકિતઓ નંબર વિનાના હોન્ડા મો.સા. જેની પાછળની બ્રેક લાઈટની નીચે પોલીસ લખેલ હતુ તેવા અજાણ્યા વ્યકિતઓ સર્વેશ્વર ચોક ખાતે લોકો સાથે બેફામ ગાળાગાળીઓ બોલી રહ્યા હતા. તે સમયે હું પણ તે ચોકમાં મારી ગાડી પાર્ક કરી રહ્યો હતો.ત્યારે આ લોકોએ મને પણ ગાળો આપી હતી તેથી તેઓને ટપારતા તેઓ ત્યાંથી ચાલ્યા ગયેલ ત્યારબાદ ફરીથી આવી મારી સાથે ગાળાગાળી કરેલ અને મને છરી પરોવી દેવાની ધમકી આપેલ. ત્યારબાદ માણસોનુ ટોળુ ભેગુ થઈ જતા થોડોક મેથીપાક ટોળાએ આપતા બંને ત્યાંથી ભાગી છૂટેલ હતા. બંને અસામાજિક તત્વો ફૂલ દારૂ પીધેલા હતા અને જતા જતા ફરીથી ગાળો અને ધમકી આપી ભાગ્યા હતા. આ ચોકની અંદર બહેન-દીકરીઓની બહુ જ અવરજવર હોય સાંજના સમયે નાસ્તો કરવા અને જમવા માટે પણ બહેન-દીકરીઓ એકલી આવતી હોય ત્યારે આ ચોકમાં આવારા તત્વો પડયા-પાથર્યા રહેતા હોય તેથી આ ચોકમાં એક પોલીસમેનની ડયુટી લગાવવી મને જરૂરી લાગી રહ્યુ છે તેમજ આ ચોકની અંદર પોલીસ કંટ્રોલ રૂમના કેમેરાઓ પણ રાખવા મારા મત મુજબ જરૂરી છે. ત્યારે ઉપરોકત વ્યકિતઓનો ફોટો અમોએ પાડી લીધેલ છે અને ગઈકાલે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એલ.એલ.ચાવડાને પણ અમોએ મોકલી આપેલ છે ત્યારે આ લુખ્ખાઓની સામે તાત્કાલીક કાર્યવાહી કરી પોલીસનો અસલી મીજાજ દેખાડવો જરૂરી હોય જેથી કરી આ વિસ્તારમાં બહેન-દીકરીઓ સલામત રીતે આવી-જઈ શકે તેમ અંતમાં જણાવ્યુ છે.
અહેવાલ – : ભરત ભરડવા / રોહિત ભોજાણી રાજકોટ