રાજકોટમાં ફરી એક વખત વકીલ ઉપર હુમલાની ઘટના બની છે. ઘરેલુ હિંસા કેસમાં ફરિયાદી પક્ષના વકીલ પર આરોપીએ જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપો વકીલો દ્વારા કરવામાં આવ્યા હતા
ગુજરાત : રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે કોર્ટ શરૂ થઈ એ સમયે ઘરેલુ હિંસા મામલે કોર્ટમાં વકીલ હર્ષ ભીમાણી એ જજ સમક્ષ આ કેસ બાબતે રજૂઆત કરી હતી જે પૂર્ણ થયા બાદ અશોક કાવટિયા નામના શખ્સે કોર્ટ પરિસરમાં વકીલ હર્ષ ભીમાણીને ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ સમયે ત્યાં વકીલો ભેગા થઈ ગયા અને આરોપીને ઝડપી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા લઈ ગયા હતા. વકીલો એવો પણ આરોપ લગાવ્યું હતું કે આરોપીએ તેમના કેસમાંથી હટી જવા વકીલને ધમકી આપી હતી. આ ઘટના બાદ વકીલોમાં એક આક્રોશની લાગણી જોવા મળી હતી. ત્યારે આ અંગે બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખે જણાવી હતું કે આ મામલે આગામી સમયમાં પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે. તેમજ કોર્ટ પરિસરમાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવશે તેમણે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેટલાક શખ્સો દારૂ પીને કોર્ટ પરિસરમાં આવી જતા હોય છે ત્યારે આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને થોડા સમય પહેલા પણ રાજકોટમાં સરકારી વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. વારંવાર બનતી આવી ઘટના અટકે તેવી પણ વકીલો માંગ કરી રહ્યા છે.
અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ