ગુજરાત : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગત 3 જૂલાઈએ શહેરના હુડકો ચોકડી પાસે સર્વિસ રોડ પર માધવ પાર્કિંગ તેમજ ઢેબર રોડ પરથી શંકાસ્પદ સીરપ ભરેલા પાંચ ટ્રક પકડી પાડ્યા બાદ આ સીરપના નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ આવી જતાં પકડાયેલી સીરપની બોટલમાં નશીલો પદાર્થ મીક્સ કરવામાં આવ્યો હોવાનું ખુલતાં પોલીસે શહેર યુવા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રૂપેશ ડોડિયા સહિત છ લોકો સામે ગુનો નોંધી તમામની શોધખોળ શરૂ કરી છે.ક્રાઈમ બ્રાન્ચે સ્થળ પરથી આયુર્વેદિક સીરપના રૂપકડા નામે મળી આવેલી 73000થી વધુ બોટલો કબજે કરી હતી. સીરપનો આ જથ્થો રૂપેશ ડોડિયાના પડવલા ગામે આવેલા ગોડાઉનમાંથી જ રાજકોટ મોકલવામાંઆવ્યો હોવાનો ખુલાસો થયો છે. ફરિયાદમાં જાણવા મળ્યા પ્રમાણે આરોપીઓ દ્વારા સીરપની બોટલમાં ઈથાઈલ આલ્કોહોલ તેમજ આઈસો પ્રોપાઈલ આલ્કોલનું મીશ્રણ કરવામાં આવતું હતું જેથી આ પીણું વધુ નશાકારક બની જાય છે.આ પ્રકારના આલ્કોહોલનો ઉપયોગ સેફ્ટીક સાફ કરવામાં, મેડિકલ યુઝ તેમજ સેનેટાઈઝરની બનાવટ માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે જેના વારંવારના સેવનથી મોતનો ખતરો પણ રહે છે.પોલીસે અત્યારે ધર્મેન્દ્ર નટવરલાલ ડોડિયા, તેના ભાઈ અને શહેર યુવા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રૂપેશ નટવરલાલ ડોડિયા, મેહુલ અરવિંદ જસાણી, લખધીરસિંહ કાળુભા જાડેજા, અશોક ગગજી ચૌહાણ અને જયરાજ અમરશી ખેરડીયા સહિતના છ લોકો સામે ગુનો નોંધ્યો છે. હાલ આ તમામ ફરાર હોય તેમને તાત્કાલિક પકડી લેવા તજવીજ શરૂ કરાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, શાપર પોલીસે 18 જૂને પડવલાના ઔદ્યોગિક વિસ્તારમાં દરોડો પાડી ડુપ્લીકેટ સીરપ બનાવવાની ફેક્ટરી પકડી પાડી હતી. આ દરોડો જ્યાં પડ્યો તે ગોડાઉન રૂપેશ ડોડિયાનું જ હોવાનું ખુલ્યું હતું ત્યારે રૂપેશ ડોડિયાના ગોડાઉનમાંથી જ ડુપ્લીકેટ સીરપને નશીલી બનાવીને રાજકોટમાં સપ્લાય કરવામાં આવતી હતી.
અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી રાજકોટ