રાજકોટ શહેર પોલીસ દ્વારા નશાનો કાળો કારોબાર કરનાર પેડલર યુવતીની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત : રાજકોટ શહેર SOG પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે નામચીન ડ્રગ્સ-પેડલર યુવતી અમી ચોલેરાની ધરપકડ કરી છે. પોલીસે અમી પાસેથી 12.36 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ-તપાસમાં અમી ફ્રૂટ્સના વેપારી જલાલ કાદરી પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવતી હતી, આથી પોલીસે જલાલ કાદરીની પણ ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં અમી ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટથી ધનવાન યુવાનોનો સંપર્ક કરી તેને નશાના રવાડે ચડાવતી હતી. અમી એક ગ્રામ ડ્રગ્સની પડીકી અઢી હજારમાં વેચતી હતી. રાજકોટ શહેર SOG પોલીસની ટીમ 31 જાન્યુઆરીના રોજ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ બાતમીના આધારે શહેરના રેસકોર્સ નજીક બાલભવન પાસે પ્રમુખ સ્વામી પ્લેનેટેરિયમ બહારથી MD ડ્રગ્સના જથ્થા સાથે ડ્રગ્સ-પેડલર અમી ચોલેરાને ઝડપી પાડવામાં આવી હતી. એક્ટિવા પર સવાર અમીને અટકાવી તલાશી લેતાં પોલીસને તેની પાસેથી 12.36 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. અમી પાસેથી પોલીસે કુલ 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ જણાવ્યું હતું કે યુવાધન નશાના રવાડે ન ચડે એ માટે મિશન \’\’નો ડ્રગ્સ ઇન રાજકોટ’ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત 31 જાન્યુઆરીના રોજ રાજકોટ એસઓજી દ્વારા આ ગુનાની આરોપી અમી દિલીપભાઈ ચોલેરાની 12.36 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડી લેવામાં આવી હતી. આ યુવતી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે. અમી અગાઉ પણ NDPS એક્ટના ગુના હેઠળ પકડાઇ હોવાનું બહાર આવ્યું છે.અમીની વધુ પૂછપરછ કરતાં તે ફ્રૂટ્સના વેપારી જલાલ કાદરી પાસેથી ડ્રગ્સ લાવતી હોવાનું ખૂલ્યું છે, આથી પોલીસે જલાલની પણ ધરપકડ કરી લીધી છે. અગાઉ અમી પકડાઈ હતી ત્યારે પોલીસ દ્વારા તેનું એક મહિના સુધી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ એમાં સફળતા મળી નહોતી. અમીની મોડસ ઓપરેન્ડી એવી છે કે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ મારફત મોટા ઘરના યુવાનો હોય તેનો કોન્ટેક્ટ કરતી હતી. બાદમાં તેની સાથે સંબંધો વિકસાવી તેમને નશાના રવાડે ચડાવતી હતી. એક ગ્રામ ડ્રગ્સની એક પડીકી અઢી હજારમાં વેચતી હતી. ડ્રગ્સ-પેડલર અમી પોતે ડ્રગ્સ વેચતી અને પોતે પણ સેવન કરતી હતી.વર્ષ 2021 દરમિયાન રાજકોટમાં યુવા ક્રિકેટરની માતાએ મહિલા પેડલર સુધા ધામેલિયા સામે આક્ષેપ કર્યા હતા અને તેનો પુત્ર ડ્રગ્સના રવાડે ચડી ગયો હોવાનું જણાવ્યું હતું. આ પછી પોલીસે રાજકોટની એક હોટલમાં રેડ કરતાં અમી ચોલેરા અને મહિલાનો પુત્ર મળી આવ્યાં હતાં. આ દરમિયાન અમી પાસેથી ડ્રગ્સ મળી આવતાં ક્રાઇમ બ્રાન્ચે અમી વિરુદ્ધ NDPS એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે આ સમયે રાજકોટ શહેર પોલીસ અમીને ડ્રગ્સની ચુંગાલમાંથી બહાર લાવવા પ્રયાસ કર્યા હતા. આ સમયે અમી પોલીસ બનવા માગતી હોઈ પોલીસ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકે એ માટે તૈયારીઓ, ફિઝિકલ ફિટનેસ માટે પ્રેક્ટિસ અને તાલીમ પણ આપવામાં આવી રહી હતી. જોકે તેનામાં કોઈ સુધારો ન આવતાં ધીમે ધીમે તે પેડલર બની ગઈ અને MD ડ્રગ્સના જથ્થા સાથે મળી આવતાં પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમીએ કોલેજના 19 વિદ્યાર્થીઓને ડ્રગ્સ એડિક્ટ કરવા પ્રયાસ કર્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે. જોકે પોલીસે આ વિદ્યાર્થીઓનાં માતા-પિતાને બોલાવી કાઉન્સેલિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી રાજકોટ