ઘોઘા ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પ્રયત્નોથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું
જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર : કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ઘોઘા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની સારવાર માટેની કોવિડ કેરની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ આ હોસ્પિટલ ખાતે કોવિડ કેર માટે ૨૫ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. આગામી સમયમાં બેડની સંખ્યા વધારીને ૫૦ બેડની કરવામાં આવશે. અને તેમાં જેમ જરૂરિયાત ઉભી થાય તેમ ધીમે -ધીમે વધારો કરવામાં આવશે.
મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા યુદ્ધના ધોરણે ઉભી કરવામાં આવેલ કોવિડ કેર સુવિધાની શરૂઆત મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી દ્વારા કરવામાં આવી હતી
.
આ પ્રસંગે દિવ્યેશ સોલંકીએ જણાવ્યું હતું કે ઘણાં સમયથી મંત્રી પરસોત્તમ સોલંકીની લાગણી અને ઈચ્છા હતી કે ઘોઘા ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવે જેથી ઘોઘા નગરજનોની ઘર આંગણે જ કોરોનાની સારવાર મળે. મંત્રીના સતત પ્રયત્નથી રાજ્ય સરકાર દ્વારા તેની મંજૂરી મળતા જ તાત્કાલિક આ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં લેડીઝ અને જેન્ટ્સ માટે ૨૫ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં મંત્રી દ્વારા આજુબાજુના ગામડાઓમાં ઉકાળા કેન્દ્ર શરૂ કરવામાં આવનાર છે. રાજ્ય સરકાર દ્વારા ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકો માટે વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત યુવાનોને રસીકરણ બાદ મિથીલીન બ્લુ ની બોટલ નિઃશુલ્ક આપવામાં આવશે.
પરસોત્તમ સોલંકી ફેન ક્લબ દ્વારા આગામી દિવસોમાં મતવિસ્તારમાં આવતા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૫૦ નાશ ના મશીનો, ૧૦ ઓક્સીમીટર, ૫૦ ઓક્સિજન સિલિન્ડર અને થર્મોમીટર એમ જે કંઈ પ્રાથમિક સુવિધાઓ આઇસોલેશન સેન્ટર ખાતે જરૂરી હશે તે તમામ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.
આ તકે જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, મુકેશભાઇ લંગાળીયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી એ.કે.તાવિયાડ સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.