ભરવાડ સમાજે ૯૦૦ વર્ષ જૂની સમૂહ લગ્નની પરંપરા જાળવી
જનની જણ તો ભક્ત જણ, કાં દાતાર કાં શૂર :
ભરવાડ સમાજના અગ્રણી બેચરભાઈ ગમારા એટલે આધુનિક યુગના ભામાશા
થરા ગુરુ ગાડી ખાતે આયોજિત ભવ્ય સમૂહ લગ્નના એકમાત્ર દાતા એટલે અમદાવાદના બેચરભાઈ ગમારા. સાલ ૨૦૨૩ની શરૂઆતમાં ભરવાડ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન જેમાં ૩૦૦૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં જેં વિશ્વ વિક્રમ કહી શકાય અને બીજું દાતા બેચરભાઈ ગમારા જેમનું નામ આજે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયું છે. સમાજ પ્રત્યેનું તેમનું યોગદાન પેઢીઓ સુધી ગૌરવ સાથે યાદ કરવામાં આવશે
ગુજરાત : બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા સમસ્ત ભરવાડ સમાજની ગુરુ ગાદી છે. જેનો અનેરો ઇતિહાસ છે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે રાત્રી રોકાણ સમયે પર્ણાશ (બનાસ) નદીના કાંઠે શિવલિંગની સ્થાપના કરી હતી જે ગ્વાલીનાથ મહાદેવ કહેવાય છે. ૧૩૬૫ની સાલમાં આ મંદિરનો જી્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને એ સાથે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦૫ યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા ભરવાડ સમાજ દ્વારા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે તા. ૨૯ જાન્યુઆરી થી ૫ ફેબ્રુઆરી સુધી પંચામૃત સામૈયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઐતિહાસિક સ્વયંભૂ મહાદેવની પુન: પ્રાણપ્રતિષ્ઠા, રમેશભાઈ ઓઝાના મુખેથી ભગવદ્ કથા સાથે જ ભવ્ય થી ભવ્ય કહી શકાય એવા સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં ૩૦૦૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. ભરવાડ સમાજ ઝાઝાવડા ગુરુ ગાદીના મહંત 1008 પૂજ્ય ઘનશ્યામપુરી બાપુનું કહેવું છે કે આજની પેઢી ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાઈ રહે, એકતા જળવાઈ રહે, કુરિવાજો દૂર કરી સુધારણાના માર્ગે ચાલવા લોકોને જાગરૂક કરવા અને સહુથી વિશેષ ભરવાડ સમાજમાં લગભગ ૯૦૦ વર્ષ પહેલાં યોજાયેલ સમૂહલગ્નની પરંપરા જળવાઈ રહે એ માટે આ આયોજન કર્યું હતું.
દીકરીઓને કરિયાવરમાં ૨૫૧ જેટલી વસ્તુઓ આપવામાં આવી હતી. તા. ૩૧/૦૧/૨૦૨૩ના રોજ ૧૫૦૦ યુગલોમાં લગ્ન સંપન્ન થયા અને તા. ૦૧/૦૨/૨૦૨૩ના ૧૫૦૧ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.
આ આયોજનની વ્યવસ્થા અને સેવા આપવા ૨૦૦૦ સ્વયંસેવકો ખડે પગે હતા એ સાથે પોલીસ વિભાગે પણ સુંદર કામગીરી અને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થાય એવી વ્યવસ્થા કરી હતી.
આ ભવ્ય અને સુંદર આયોજનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિશેષ હાજર રહી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે ગુજરાતની સંસ્કૃતિના જતન અને વિકાસમાં ભરવાડ સમાજનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ભરવાડ સમાજના શૈક્ષણિક સંકુલ માટે આગેવાનોએ ગાંધીનગર ખાતે જમીનની માંગ કરતા મુખ્યમંત્રીએ હકારાત્મક જવાબ આપતા જણાવ્યું હતું કે, ભરવાડ સમાજના વિકાસ માટે જ્યાં પણ સરકારની આવશ્યકતા હશે, ત્યાં સરકાર તેમને મદદ કરશે.
નવદંપતીઓએ સભાખંડ ખાતે ગણપતિ ભગવાન તેમજ બ્રહ્મલીન મહંત પૂજ્ય શિવપુરી બાપુ તથા સમસ્ત ભરવાડ સમાજ ઝાઝાવડા ગુરુ ગાદીના મહંત 1008 પૂજ્ય ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લીધા હતા.