રાજકોટ નજીક બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટના નિરીક્ષણમાં ટેક્નિકલ ખામી પકડાઈ

રાજકોટ નજીક બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટના નિરીક્ષણમાં ટેક્નિકલ ખામી પકડાઈ \"\"

ગુજરાત : રાજકોટની ભાગોળે હિરાસર ગામે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ ઝડપથી નિર્માણ પામે તેની લોકો આતૂરતાથી રાહ જોઈને બેઠા છે.બીજી બાજુ તંત્રને પણ જાણે કે એરપોર્ટ ઉપરથી ઝડપથી ફ્લાઈટ ઉડાન ભરે તે માટે ઉતાવળ હોય તેવી રીતે કામગીરી ઝડપથી ચાલી રહ્યાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જો કે આ દાવા વચ્ચે વાસ્તવિક્તા કંઈક જ અલગ જ હોય તેવી હજુ ઘણી બધી ખામી રહી ગયાનું ધ્યાન પર આવ્યું છે. હિરાસર એરપોર્ટ ફ્લાઈટ ટેસ્ટીંગ માટે તૈયાર છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે દિલ્હીથી આવેલી એરપોર્ટ ઓથોરિટીની ટીમ દ્વારા મોટી ટેક્નીકલ ખામી પકડી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે કોઈ પણ એરપોર્ટ ઉપર પ્લેન ઉડાન ભરે કે ઉતરાણ થાય ત્યારે તેની દિશા નક્કી કરવા માટે ડીવીઓઆર સિસ્ટમ હોય છે. આ સિસ્ટમનું કામ માઈલોરીડિંગ મતલબ કે પ્લેનને સાચી દિશા બતાવવાનું હોય છે પરંતુ હિરાસર એરપોર્ટ પર જે સિસ્ટમ છે તેમાં માઈલોરીડિંગ સાચા આવતા ન હોવાથી આ સ્થિતિમાં મોટી દૂર્ઘટના સર્જાઈ શકે તેમ છે. એટલા માટે જ્યાં સુધી આ ટેક્નીકલ ખામી ઠીક નહીં થાય ત્યાં સુધી કેલિબ્રેશન મતલબ કે અન્ય પ્રકારનું ટેસ્ટીંગ થઈ શકશે નહીં.અત્યારે દિલ્હીથી આવેલી ચાર લોકોની ટીમ દ્વારા માઈલોરીડિંગને ઠીક કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તે ઠીક થયા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી બાજુ દિલ્હીથી આવેલી ટીમ 10 ફેબ્રુઆરી સુધી રાજકોટમાં જ રોકાવાની છે ત્યારે તેના દ્વારા પહેલાં અત્યંત મહત્ત્વની ગણી શકાય તેવી આ ખામી સુધારવામાં આવશે ત્યારપછી અન્ય પાસાઓનું નિરીક્ષણ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કેલિબ્રેશન ફ્લાઈટ ઉડાન ભરશે. અત્યારે ટીમ કોઈ પ્રકારની ઉતાવળ રાખવા માંગતી ન હોવાનું અને ફૂંકી ફૂંકીને છાશ પીવામાં જ માની રહી છે. અત્રે ઉલ્લેખનીય છેકે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા હિરાસર એરપોર્ટ ઉપરથી આ તારીખે ફ્લાઈટ ટેસ્ટીંગ થઈ શકે છે, પેલી તારીખે ફ્લાઈટ ટેસ્ટીંગ થઈ શકે છે, કામગીરી પૂર્ણતાના આરે તે સહિતના અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા છે પરંતુ જમીની હકીક્ત કંઈક ઔર જ બયાન કરી રહી હોવાથી તેના આ દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડી લીધું છે. બીજી બાજુ રાજકોટ આવેલી ટીમ માઈલોરીડિંગની ખામી દૂર કર્યા બાદ 10 ફેબ્રુઆરી સુધીમાં કેલિબ્રેશન કરી શકે છે કે કેમ તે પણ મોટો પ્રશ્નાર્થ છે. જો કેલિબ્રેશન નહીં થાય તો પછી ફ્લાઈટ ટેસ્ટીંગ પણ થાય તેવી શક્યતા રહેતી ન હોવાથી અત્યારે એરપોર્ટ તંત્ર ઉંધા માથે થઈ જવા પામ્યું છે.

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ