Home Gujarat પોલીસ કમિશનરની કચેરીમાં ફરજ નિભાવતા પીએસઆઈ નશાની હાલતમાં પકડાયા

પોલીસ કમિશનરની કચેરીમાં ફરજ નિભાવતા પીએસઆઈ નશાની હાલતમાં પકડાયા

691
0

ગુજરાતમાં દારૂ બંધી કે દારૂ બધે

ગુજરાત : દારૂનું વેચાણ અને દારૂની સેવન કરનારા લોકોને પોલીસ પકડીને તેમનો નશો ઉતારી દેતી હોય છે પરંતુ જ્યારે પોલીસ જ પીધેલી હાલતમાં પકડાય ત્યારે શું કરવું ? આવો જ એક કિસ્સો પોલીસ કર્મીઓ તેમજ અરજદારોની અવર-જવર રહે છે તે પોલીસ કમિશનર કચેરીમાં સામે આવ્યો છે. પીએસઆઈ કથિત રીતે નશો કરેલી હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી બાજુ પકડાયેલા પીએસઆઈએ દારૂ પીધો હતો કે પછી બીજા કોઈ કેફી પ્રવાહીનું સેવન કર્યું હતું તેની ખરાઈ કરવા માટે મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. રિપોર્ટ આવી ગયા બાદ ગમે ત્યારે તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે બપોરે 12:30 વાગ્યાના અરસામાં પોલીસ કમિશનર કચેરીમાં અરજદારો જઈ રહ્યા હતા ત્યારે તેમને અટકાવી તેમની પાસે રહેલા સામાનની તલાશી લેવા માટે એસઆરપી-13 ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં બીજેન્દ્રસિંહ કિશનસિંહ ચૌહાણ નશો કરેલી હાલતમાં હોવાનું ધ્યાન પર આવતાં જ અરજદારોએ હોબાળો શરૂ કર્યો હતો.પીએસઆઈની સ્થિતિ એવી હતી કે, તેઓ સરખી રીતે ઉભા પણ રહી શકતા નહોતા ! તેમણે નશો કરેલો હોવાનું ખૂલી જતાં તાત્કાલિક તેમની સાથે રહેલા અન્ય સ્ટાફે તેમને આમતેમ લઈ જવાનું શરૂ કર્યું હતું પરંતુ ત્યાં સુધીમાં તો સમગ્ર મામલો છતો થઈ જવા પામ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે પીએસઆઈ ચૌહાણ છેલ્લા એક અઠવાડિયાથી કમિશનર કચેરીના મુખ્ય ગેઈટ પાસે ફરજ બજાવે છે અને અહીં તેમની કામગીરી કચેરીમાં પોલીસ અધિકારીઓને રજૂઆત કરવા માટે આવતાં અરજદારો ઉપર ધ્યાન રાખવા તેમજ તેમની નોંધણી કરાવવાની હોય છે. આશ્ચર્યની વાત એ છે કે તેમની સાથે રહેલા અન્ય મહિલાકર્મીઓએ પણ એવો આક્ષેપ કર્યો હતો કે પીએસઆઈ ચૌહાણ છેલ્લા એક સપ્તાહથી મુખ્ય ગેઈટ પાસે બનાવાયેલી નાની ચોકીમાં જ દારૂનું સેવન અને મહિલાઓ સાથે તોછડું વર્તન કરી રહ્યા હતા.દારૂ પીધાં બાદ તેમને બોલવાનું કે સમજવાનું કોઈ જ પ્રકારનું ભાન રહેતું ન હોવાથી વારંવાર અરજદારો સાથે ચડભડ પણ થઈ રહી હતી. તેમને વારંવાર સમજાવ્યા છતાં તેઓ નશો કરવાનું બંધ કર્યું નહોતું. બીજી બાજુ અરજદારોએ પીએસઆઈને રંગેહાથે પકડી લેતાં તેઓ દોડધામ કરવા લાગ્યા હતા અને તેમની સાથે રહેલા સ્ટાફે પણ તેમને ખાનગીમાં પૂછી લીધું હતું કે ‘શું તમે પીધું છે ?’ આ સાંભળીને પીએસઆઈએ કોઈ જ જવાબ ન આપતાં સ્ટાફ સમજી ગયો હતો કે તેઓ નશો કરેલી હાલતમાં છે આથી તાત્કાલિક બાઈક પર બેસાડીને તેમને કમિશનર કચેરીની બહાર લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ પ્રકાશમાં આવ્યા બાદ પ્ર.નગર પોલીસે પીએસઆઈ ચૌહાણની અટકાયત કરી લીધી હતી અને હાલ તેમનું મેડિકલ ચેકઅપ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી હોય તેનો રિપોર્ટ આવી ગયા બાદ તેમની સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ