મુંબઈમાં બેસ્ટના ડ્રાઈવર બેફામ કે બેજવાબદાર ? ગુજરાતી સોની પરિવાર થયો નિરાધાર ૧૪ વર્ષની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા

મુંબઈમાં બેસ્ટના ડ્રાઈવર બેફામ કે બેજવાબદાર ?
ગુજરાતી સોની પરિવાર થયો નિરાધાર ૧૪ વર્ષની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા

મુંબઈ : ટ્રાફિક જામની સમસ્યા દરેક જગ્યાએ છે. ત્યારે કોઈ ગંભીર અકસ્માત થાય ત્યારે ચોક્કસ ડ્રાઈવર બેફામ અથવા બેજવાબદાર રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું સામે આવે છે. મુંબઈના દહિસર પૂર્વમાં એસ.વી.રોડ અને હાઈ – વે જંકશન પાસે એક ગુજરાતી વ્યાપારી એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે બેસ્ટના ડ્રાઈવરે પાછળથી ટક્કર મારતાં તે પડી ગયા અને તેમની પર બસનું ટાયર ફરી વળ્યુ હતું. મીરા ભાયાંદરના ગોલ્ડન નેસ્ટમા પત્ની અને પુત્રી સાથે રહેતા યોગેશ ઘઘડા દહિસરમાં ઈમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરતા હતા. શનિવારના બપોરના સમયે એસ.વી.રોડ / હાઈ – વે જંકશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બેસ્ટની બસના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરતા પાછળથી ટક્કર મારતાં તેઓ પડી ગયા હતા અને બસનું ટાયર તેમના પર ફરી વળતાં તેઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ફરજ પર હાજર ડોકટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા. યોગેશ ઘઘડા ના પત્ની મનીષાએ કહ્યું હતું કે જ્યાં આ અકસ્માત થયો છે ત્યાં વધારે સમય ટ્રાફિક હોય છે અને ત્યાં વળાંક છે તો બેસ્ટનો ચાલક કેવી બેફામ બસ ચલાવી રહ્યો હશે કે મારા પતિ ટક્કર લાગવાથી પડ્યા અને ટાયર તેમના પર ચડી ગયું. બેસ્ટ સરકારી પરિવહન હેઠળનો ઉપક્રમ છે એટલે મન ફાવે તેમ ડ્રાઇવિંગ કરવાની ? કોઈનો જીવ જાય કે કોઈ પરિવાર નિરાધાર થઈ જાય એમને કોઈ ફરક નથી પડતો ? આપણે અવારનવાર જોઈએ છે કે ટ્રાફિક સિગ્નલ પર બેસ્ટની બસ સિગ્નલની અવગણના કરીને બસ હંકારી જાય છે. આજ સુધી કેટલા ચાલકો પર કાર્યવાહી થઈ હશે એ તો ટ્રાફિક અને બેસ્ટ વિભાગ જ જાણે ?
વધુમાં તેમણે કહ્યું કે બસ ચાલકની ભૂલને કારણે મારા પતિએ જીવ ગુમાવ્યો છે. હું અને મારી ૧૪ વર્ષની દીકરી નિરાધાર બની ગયા છે. અમને ન્યાય મળે એ માટે અંત સુધી લડી લેવાની તૈયારી છે. જેથી આવા બેફામ અને બેજવાબદાર ડ્રાયવરોને કાયદા ને નિયમોનું ભાન થાય અને બીજો કોઈ પરિવાર નિરાધાર થતાં બચી જાય.
દહિસર પોલીસે ડ્રાઈવર પર ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. હવે રાહ જોવાની છે કે નિરાધાર મા દીકરીને ન્યાય મળશે અને મળશે તો કેટલા વર્ષ લાગશે ?