રાજકોટના 98 વર્ષના સ્વતંત્રતાસેનાની પેન્શન માટે સરકારી કચેરીના પગથિયાં ઘસી રહ્યા છે

વર્તમાનમાં દેશભક્તિની વાતો કરતા નેતાઓના રાજ્યમાં ૯૮ વર્ષની ઉંમરના સ્વાતંત્ર્યસેનાની દ્વારા પેન્શન અંગેની અરજીનો નિકાલ કરવામાં અધિકારી કરી રહ્યા છે વિલંબ

ગુજરાત : એક સ્વતંત્ર સેનાની જેમણે 50 વર્ષ સુધી દેશસેવા માટે જાત ઘસી અને હવે પેન્શન મેળવવા સરકારી કચેરીઓના પગથિયા ઘસી રહ્યા છે. ત્યારે આજના દરેક નેતા દેશપ્રેમની ફક્ત મોટી મોટી વાતો જ કરે છે એ સાબિત થાય છે.
98 વર્ષની ઉંમરે પોતાના હકની લડાઈ માટે સરકારી કચેરીઓમાં ભટકવું કોને ગમે, એ પણ એવા વ્યક્તિ કે જેઓએ દેશ સેવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હોય. વાત છે રાજકોટના એક ગામમાં રહેતા સ્વાતંત્ર સેનાની મનસુખભાઈ પંચાલની જેઓ સ્વાતંત્ર સેનાની છે. અને 50 વર્ષની ઉંમર સુધી દેશભરમાં 11 લાખ કિલોમીટરનો સાયકલ પર પ્રવાસ કર્યો છે.
દેશના અલગ અલગ વિસ્તારોમાં મનસુખભાઈ દેશ સેવા અંગે યુવાનોને જાગૃત કરતા હતા અને માર્ગદર્શન પણ આપતા હતા. ખાસ કરીને એવા સમયે જ્યારે યુવાનોમાં દેશ સેવાનો અને દેશ દાઝનો પ્રાણ ફૂંકવાની વિશેષ આવશ્યકતા હતી, જોકે જીવનના અંતિમ પડાવમાં તેઓ આજે પોતાના હકના પેન્શન માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. મનસુખભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે પેન્શનની ગુહાર લગાવી છે.
મનસુખભાઈ પંચાલે કહ્યું હતું કે, વર્ષો પહેલા તેમને પેન્શનની આવશ્યકતા ન હતી જોકે આજે તેઓ અશક્ત અને નિરાધાર થયા છે ત્યારે તેઓને પેન્શનની જરૂરિયાત છે જ્યારે તેઓ પેન્શન અંગે સરકારી કચેરીઓમાં અરજી કરે ત્યારે અધિકારીઓ તેમને ઓફિસમાં બોલાવે છે. બેસાડે પણ છે, પરંતુ તેઓના પેન્શન અંગે કોઈ કાર્યવાહી કરતા નથી. સ્થાનિક તંત્રથી લઈને ગાંધીનગર સુધી મનસુખભાઈએ રજૂઆત કરી, તેમ છતાં તેમને કોઈ નક્કર પરિણામ મળ્યું નથી અને હવે તેઓ સરકાર પાસે આ માંગ કરી રહ્યા છે.
વિદ્યાર્થી કાળથી મનસુખભાઈ દેશ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. એટલું જ નહીં તેમને લગ્ન પણ કર્યા નથી. જ્યારે જ્યારે રાજકોટમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધી આવ્યા છે ત્યારે તેઓએ તેમની સાથે મળીને સ્વાતંત્ર્ય ચળવળના કાર્યક્રમોમાં હાજરી આપી છે. સરદાર પટેલના કહેવાથી જ તેઓએ સાઇકલ પર ગામે ગામ ફરીને દેશ સેવાની સુહાસ ફેલાવી હતી. આ યાત્રાની શરૂઆત સોમનાથ મંદિર દર્શન કરીને કરી હતી.

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ

\"\"
જાહેરાત
\"\"
જાહેરાત