હોળી / ધુળેટી… આપણી સંસ્કૃતિનો એક અદ્ભૂત, અભૂતપૂર્વ અને પવિત્ર તહેવાર

હોળી / ધુળેટી… આપણી સંસ્કૃતિનો એક અદ્ભૂત, અભૂતપૂર્વ અને પવિત્ર તહેવાર. \"\"

વિજય સિંહ રાજપૂત જ્યારે આપણે કોઈ તહેવાર કે દિવસને પવિત્ર કહીએ ત્યારે તે દિવસ એમ તો રોજ જેવો જ હોય.. પણ એ દિવસ સાથે કોઈ એવું ચરિત્ર જોડાયેલું હોય જેના જીવનમાંથી મળતી પ્રેરણા આપણું જીવન પવિત્ર બનાવે. હોળીની વાર્તા આપણને ખબર જ છે. આસુરી વૃત્તિની હોલીકા વરદાન હોવા છતાં બળી ગઇ અને દૈવી જીવનના આગ્રહી પ્રહલાદને ભગવાને બચાવી લીધો. આમાં વિચારવાનું એ છે કે પ્રહલાદને ભગવાને કેમ બચાવ્યો ? હોલીકા દહનનો સાર એ છે કે આસુરી શક્તિ સામે દૈવી વૃત્તિનો છેવટે વિજય થાય છે. આપણે જ્યારે આસુરી શક્તિનો કે અસુરોનો વિચાર કરીએ ત્યારે આપણને રાવણ, દૂર્યોધન, કંસ, મહિષાસુર, હિરણ્યકશિપુ – એ બધા જ દેખાય. આ બધા તો અસુર હતા જ. પણ તેનું આજે શું ? ત્યારે આપણને એમ લાગે કે આજે પણ સમાજમાં કેટલાય અસુરો ફરતા રહેલા છે. આ બોલતી વખતે આપણને મોટા મોટા ગુંડાઓ, દાણચોરો, જમીનદારો, અમલદારોને માથાભારે તત્ત્વો ધ્યાનમાં આવતા હોય પણ આવે વખતે ગીતા વાંચવી જોઈએ. ગીતાનાં સોળમા અધ્યાયમાં દૈવી ગુણો અને આસુરી ગુણોનું વર્ણન છે. પહેલા ત્રણ શ્લોકમાં ૨૬ દૈવી ગુણો કહ્યા છે. તે વાંચીને આપણને થાય કે આ ગુણો તો આપણામાં છે જ પછી આગળ આસુરી ગુણો કહ્યા છે. તે વાંચીએ એટલે લાગે કે આ બધા ગુણો પણ આપણામાં છે. આમ તો આપણને ધક્કો લાગે એવી આ વાત છે. પણ ભગવાને કહી જ છે તો સમજવી પણ પડશે જ ને !!! અને એ સમજવાનું આપણા માટે એટલે પણ જરુરી છે કે તો જ આપણે આપણા જીવનમાંથી આસુરી વૃત્તિ હટાવીને, જીવનને દૈવી બનાવી શકીશું. એ પ્રયત્ન તો આપણે જ કરવો પડે. ભગવાન પણ એમાં કંઇ કરતા નથી. આપણે આપણું જીવન સમજવું અને સંવારવું એનું નામ જ સ્વાધ્યાય છે. સ્વ અધ્યાય… સામાન્ય રીતે આપણને આપણા જીવન માટે એવું લાગતું જ ન હોય. તેથી જ ભગવાને તેનાં માટે આખો અધ્યાય કહ્યો છે. જીવનપર્યંત, પ્રલય સુધી ખતમ ન થાય તેવી ચિંતા લઇને આપણે બેઠા છીએ. તે જ રીતે પૂરી જ ન થાય તેવી સેંકડો આશાઓ આપણને બાંધીને બેઠી છે. રાત દિવસ પૈસાનો જ વિચાર આટલા કમાવ્યા ને હવે આટલા કમાવીશ તેનું જ ચિંતન આપણી બુદ્ધિને નવરી પડવા દેતું નથી. અમુક શત્રુને હરાવ્યાને હવે બાકીનાને પણ હરાવીશ – તેવી મનોદશા આપણી હોય છે. આમાં શત્રુ એટલે બહારનાં જ હોય એવું નહિ ઘરમાં પણ હોય. ભાઇ-ભાઇ, સાસુ-વહુ, નણંદ-ભોજાઇ, દેરાણી-જેઠાણી કે નોકરી-ધંધામાં બધા એકબીજાને પાછા પાડીને પોતે આગળ રહેવા માંગે છે. પોતાનું જ ધાર્યું થવું જોઈએ તેવું જ સૌનું વલણ હોય છે. તે માટે જે કરવું પડે તે કરવા માણસ તૈયાર થઈ જાય છે. આ બધા આસુરી ગુણો છે તેવું કૃષ્ણ ભગવાને આ અધ્યાયમાં કહ્યું છે. આ બધામાંથી એકાદ વાત પણ જો આપણને લાગુ પડતી હોય તો તેનાથી કેમ બચવું તેનો વિચાર ન કરીએ તો કેમ ચાલે ? તેના માટે જ તો હર વરસ હોળીનો તહેવાર ઉજવવાનું આપણા પૂર્વજોએ નક્કી કર્યું છે. તેમાંથી પ્રેરણા લઇને આપણે આપણા જીવનમાં રહેલા આસુરી ગુણો ખતમ કરવાનાં પછી આપણું જીવન પવિત્ર થાય. પછી રંગોથી રમવાનું અર્થપૂર્ણ બની જાય. બાકી શેની ખુશી કે રંગો ઉડાડવાનું મન થાય ! એટલે આપણે આપણું જીવન પવિત્ર બનાવીએ તેના માટે જ આ ઉત્સવ છે. અને એટલે જ આ દિવસ પવિત્ર ગણાય છે.

\"\"
વિજ્ઞાપન